પાટણ, સંજીવ રાજપૂત: : જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા, જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા અને જ્યાં સ્વચ્છતા ત્યાં પવિત્રતા’’ની ઉક્તિને સાર્થક કરવા અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સંદેશને ચરિતાર્થ કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૭૯માં સ્વાતંત્ર્ય પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી સાથે સ્વચ્છતાનું મહત્વ દેશવાસીઓને સમજાય તે માટે આ વર્ષની ઉજવણી ‘‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ” થીમ આધારિત કરાઈ રહી છે.
જેને અનુલક્ષીને પાટણ શહેરમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રા યોજાઇ હતી. આ તિરંગા રેલીને રાજ્યસભા સાંસદ મયંકભાઇ નાયક તથા અન્ય મહાનુભાવો સાથે ઉપસ્થિત રહી તિરંગા યાત્રાને લીલી ઝંડી બતાવીને એમ એન હાઈસ્કૂલથી પ્રસ્થાન કરાવી હતી.
આ તિરંગા યાત્રામાં પોલીસ વિભાગની ખુલ્લી જીપ, પાટણ શહેરના શાળાઓના વિદ્યાર્થીઓ, વિધાર્થિનીઓ, સહિત પાટણના નાગરિકો સાથે હજારોની જનમેદની જોડાઈ હતી. આ તિરંગા યાત્રામાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર, જિલ્લા કલેકટર તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી સી.એલ.પટેલ, નિવાસી અધિક કલેકટર વી.સી.બોડાણા, પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, સંગઠનના આગેવાનો સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ પદયાત્રા કરી તિરંગા યાત્રામાં સહભાગી બન્યા હતા.
પાટણની એમ એન હાઈસ્કૂલથી શરૂ થયેલી આ તિરંગા યાત્રામાં પાટણની સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ હજારોની સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા. તિરંગા યાત્રાનો પથ દેશભક્તિના રંગે રંગાયો હતો. એમ એન હાઇસ્કુલ થી નીકળેલી આ તિરંગા યાત્રા પ્રગતિ મેદાન પહોંચી હતી.
ભક્તિની ભાવનાને ઉજાગર કરતા સાંસ્કૃતિ ગીતોની પણ સરવાણી કરવામાં આવી હતી. જેથી રાષ્ટ્ર ભક્તિના ના જયઘોષથી પાટણ શહેર ગુંજયું ઉઠયું હતું. તિરંગા યાત્રામાં જોડાયેલા લોકો શિસ્તબદ્ધ રીતે ગોઠવાઇ પ્રગતિ મેદાન ખાતે તિરંગા યાત્રાની પુર્ણાહુતિ કરવામાં આવી હતી. આમ તિરંગા યાત્રામાં આગેવાનો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાઈ તિરંગા યાત્રાને ભવ્યાતિ ભવ્ય બનાવી હતી