પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ ટિકિટ તપાસ દરમિયાન એક સરાહનીય તથા ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. શ્રી રાજન કુમાર સિંહ, મુખ્ય ટિકિટ નિરીક્ષક (CTI)/વેરાવળે, T.N.C.R. તરીકે ટ્રેન નંબર 12945 (વેરાવળ–બનારસ એક્સપ્રેસ)ના અપર ક્લાસમાં ફરજ બજાવતા 3AC કોચ B2 અને B4માં મુસાફરોની તપાસ દરમિયાન ગંભીર અનિયમિતતા ઝડપી હતી.
ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે ગહન ચેકિંગ બાદ જાણવા મળ્યું કે 54 મુસાફરોના ગ્રુપમાં 36 મુસાફરો માન્ય ટિકિટ વિના અથવા અન્ય વ્યક્તિના નામે મુસાફરી કરી રહ્યા હતા.
શ્રી રાજન કુમાર સિંહે અત્યંત સમજદારી, ધીરજ અને કુશળ વ્યવહાર સાથે મુસાફરો સાથે સંવાદ કરી રેલવે નિયમો મુજબ કાર્યવાહી કરી અને રૂ. 78,060/- (અઠ્ઠોતેર હજાર સાઠ રૂપિયા માત્ર) જેટલી રેલવે રકમની સફળતાપૂર્વક વસુલાત કરી.
ઉલ્લેખનીય છે કે શ્રી રાજન કુમાર સિંહ દિવ્યાંગ (શ્રવણબાધિત) છે અને તેમ છતાં તેમણે ટ્રેનમાં એકલ રીતે ફરજ બજાવતા આ સમગ્ર કાર્યવાહી સ્વયં પૂર્ણ કરી. તેમનું આ કાર્ય માત્ર ફરજનિષ્ઠા અને ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ નથી, પરંતુ અન્ય રેલકર્મચારીઓ માટે પણ પ્રેરણાસ્ત્રોત છે.
આ સિદ્ધિ ખાસ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કે ભાવનગર મંડળમાં અત્યાર સુધી કોઈપણ ટી.ટી.ઈ. દ્વારા એકલ લેન-દેન (Single EFT) મારફતે કરાયેલ આ સર્વોચ્ચ વસુલાત છે.
મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માએ જણાવ્યું કે રેલ પ્રશાસન શ્રી રાજન કુમાર સિંહના આ ઉત્તમ, સાહસિક અને અનુકરણિય કાર્ય માટે તેમને હાર્દિક અભિનંદન પાઠવે છે તથા તેમના ઉજ્જ્વળ ભવિષ્યની શુભેચ્છા આપે છે.
















