અમદાવાદ, સંજીવ રાજપૂત: ઐતિહાસિક શહેર દ્વારકાથી રવાના કરવામાં આવેલ બાઈક રેલી આજરોજ અમદાવાદ આર્મી કેમ્પમાં આવી પહોંચી હતી. જ્યાં અમદાવાદ આર્મી કેમ્પના જનરલ ઓફિસર કમાન્ડિંગ મેજર જનરલ શમશેરસિંઘ વિર્ક, બ્રિગેડિયર યોગેન્દ્ર ચૌધરી આર્ટિલરી (ધાંગધ્રા આર્મી કેમ્પ) દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કારગિલ સમયે યુદ્ધમાં વીરગતિ પામેલ સૈનિકોનાં વીરનારીઓ અને વીરમાતાઓનું સમ્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જનરલ ઓફિસર કમાન્ડિંગ અમદાવાદ આર્મી કેમ્પના મેજર જનરલ શમશેર સિંઘ વિર્કે બાઈક સવારોને શુભેચ્છાઓ પાઠવી હતી. અને કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા શૂરવીરોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. સાથે જ શૂરવીરોના બલિદાન પર દેશ હંમેશાં ગર્વ કરશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લખનીય છે કે, કારગિલ વિજયની 25મી વર્ષગાંઠની સ્મૃતિમાં તેમજ કારગિલ યુદ્ધના શૂરવીરોના શૌર્ય અને બલિદાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે ભારતીય સેના અને રેજિમેન્ટ ઓફ આર્ટિલરી દ્વારા એક મોટરસાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
રેજિમેન્ટ ઓફ આર્ટિલરીએ ‘ઓપરેશન વિજય’ની સફળતામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી અને આ રેલી તેમના મહત્ત્વપૂર્ણ યોગદાન પર પ્રકાશ પાડે છે. તેમજ આપણા બહાદુર સૈનિકોના વારસાને સન્માન આપે છે. 12 જૂન, 2024ના રોજ, આઠ મોટરસાઇકલની ત્રણ ટીમોએ દેશના અલગ અલગ ખૂણેથી આ ઐતિહાસિક પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. જોકે, આ બાઇક રેલી હાલમાં અમદાવાદ આર્મી કેમ્પમાં વિશ્રામ માટે રોકાશે અને ત્યારબાદ 16 જૂન 2024ના રોજ તે આગળ જવા પ્રસ્થાન કરશે.
આ કાર્યક્રમમાં અમદાવાદ આર્મી કેમ્પના બ્રિગેડિયર, કર્નલ, કેપ્ટન, મેજર, જવાનો એક્સ આર્મી મેન સહિતના અનેક મહાનુભાવો તેમજ શહીદ થયેલ સૈનિકોના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.