ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગુજરાત સરકારની કૃષિ, બાગાયત અને પશુપાલન સંબંધિત તમામ યોજનાઓનો અમલ અને સહાય ચૂકવણું આઈ-ખેડૂત પોર્ટલના માધ્યમથી થઈ રહ્યું છે. જેના પરિણામે ખેડૂતોને અનેક કૃષિલક્ષી યોજનાઓના લાભ ઘરે બેઠા, આંગળીના ટેરવે જ મળી રહ્યા છે. ખેડૂતો માટેના આ મહત્વપૂર્ણ “આઈ-ખેડૂત પોર્ટલ”ને નવીન ટેકનોલોજીના સહારે હવે વધુ અદ્યતન અને સુવિધાયુક્ત બનાવવામાં આવ્યું છે. આજે કૃષિ અને પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલના હસ્તે નવીન “આઈ-ખેડૂત ૨.0 પોર્ટલ”નો ગાંધીનગર ખાતેથી શુભારંભ કરાવવામાં આવ્યો છે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે “આઈ-ખેડૂત ૨.0 પોર્ટલ”નો શુભારંભ કરાવતા જણાવ્યું હતું કે, ગ્રામીણ વિસ્તારના નાગરિકોને સરળતાથી સરકારી સેવા અને યોજનાકીય લાભો મહત્તમ રીતે મળી રહે એ જ સુશાસન છે. એટલા માટે જ, ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૪માં શરૂ કરેલું “આઈ-ખેડૂત પોર્ટલ” એ સુદ્રઢ સુશાસનિક વ્યવસ્થાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ટેકનોલોજીના કાર્યક્ષમ ઉપયોગથી ખેડૂતોને સંપૂર્ણ પારદર્શિતા, સરળતા અને ઝડપથી વિવિધ કૃષિલક્ષી યોજનાના લાભ મળી રહે તે માટે રાજ્ય સરકારે આઈ-ખેડૂત પોર્ટલનો નવતર અભિગમ અપનાવ્યો હતો.
મંત્રી પટેલે આ સંદર્ભે જણાવ્યું હતું કે, આઈ-ખેડૂત પોર્ટલ શરુ થયું ત્યારથી અત્યાર સુધીમાં ૪૧ લાખથી વધુ ખેડૂતોએ કુલ રૂ. ૭,૬૭૦ કરોડથી વધુના યોજનાકીય લાભો આઈ-ખેડૂત પોર્ટલ મારફત મેળવ્યા છે.
તેમણે ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આઈ-ખેડૂત પોર્ટલ હવે ખેડૂતોને સરકાર સુધી અને સરકારને ખેડૂતો સુધી પહોંચવા માટેનું એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની ગયું છે. ત્યારે, સમયની માંગ અને આઈ-ખેડૂત પોર્ટલ બાબતે ખેડૂતોની રજૂઆતોને ધ્યાને લઈ નવીન ટેકનોલોજી આધારિત “આઈ-ખેડૂત ૨.0 પોર્ટલ” વિકસાવવામાં આવ્યું છે.
વર્ષ ૨૦૨૫-૨૬ માટે કૃષિ વિભાગની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે ખેડૂતો અરજી કરી શકે તે હેતુથી આ નવીન આઈ-ખેડૂત પોર્ટલ તા. ૨૪ અપ્રિલ,૨૦૨૫ થી આગામી તા. ૧૫ મે,૨૦૨૫ સુધી, એમ કુલ ૨૨ દિવસ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જેમાં અત્યારે ખેતીવાડી વિભાગના ૪૫ ઘટક અને બાગાયત વિભાગના ૫૦ ઘટક માટે અરજી મેળવવામાં આવશે. પશુપાલન વિભાગ માટે પણ પોર્ટલ ટૂંક સમયમાં ખુલ્લું મૂકવામાં આવશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
આ વેળાએ કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્માએ જણાવ્યું હતું કે, નવીન આઈ-ખેડૂત ૨.0 પોર્ટલનો પ્રારંભ થતા કૃષિ વિભાગની યોજનાઓમાં હવે વધુ પારદર્શિતા જળવાશે.
ખેડૂતોને વધુ સુવિધાયુક્ત સેવાઓ મળે અને નાના-નાના કામો માટે ધક્કા ન ખાવા પડે તે હેતુથી નવીન પોર્ટલમાં અનેકવિધ સુધારાઓ કરવામાં આવ્યા છે. મહત્તમ ખેડૂતોને યોજનાકીય સહાય મળે તે માટે હવેથી નવીન પોર્ટલ પર અરજી મેળવવાની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ તમામ અરજીઓનો જિલ્લા-તાલુકા કક્ષાએથી ડ્રો કરીને અગ્રતા યાદી તૈયાર કરવામાં આવશે અને પૂર્વ મંજૂરી આપવામાં આવશે.
આ શુભારંભ પ્રસંગે ખેતી નિયામક પ્રકાશ રબારીએ સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન કરીને આઈ-ખેડૂત ૨.0 પોર્ટલની ઝીણવટભરી તમામ માહિતી પૂરી પાડી હતી. બાગાયત નિયામક એચ. કે. ચાવડા, ખેતીવાડી અને બાગાયત વિભાગના ઉચ્ચ અધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ, વર્ચ્યુઅલ માધ્યમથી ખેતી, બાગાયત અને પશુપાલન કચેરીના અધિકારી-કર્મચારીઓ, ગ્રામસેવકો, VCE તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા.