અમદાવાદ, સંજીવ રાજપૂત: સાણંદના વિંછીયા ગામના ખેડૂત ગજેન્દ્રસિંહ વાધેલા દ્વારા પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. સાણંદમાં ૧૫ વર્ષથી ગૌશાળા ચલાવતા ગજેન્દ્રસિંહ વાધેલા પ્રાકૃતિક ખેતી કરનાર કોઇપણ ખેડૂતોને મળે ત્યારે સૌ ખેડૂતોને એક પ્રશ્ન રહેતો કે, પ્રાકૃતિક કૃષિ માટે જરૂરી જીવામૃત અને અન્ય ખાતરો બનાવવા માટે ગાયના ગોબર-ગૌમૂત્રની જરૂર પડે છે, પરંતુ આર્થિક સ્થિતિ નબળી હોવાથી ગાય ખરીદી શકતા નથી. આ સમસ્યાના નિરાકરણ માટે તેમણે નિર્ણય કર્યો કે, તેઓ પોતાની ગૌશાળામાંથી જરૂરિયાતમંદ ખેડૂતોને નિ:શુલ્ક ગાયોનું દાન કરશે.
આ પહેલ અંગે વાત કરતા ગજેન્દ્રસિંહ વાધેલા કહે છે કે, હું પોતે છેલ્લાં ઘણાં વર્ષોથી માત્ર પ્રાકૃતિક ખેતી જ કરી રહ્યો છું અને છેલ્લાં ૫-૭ વર્ષથી અમદાવાદ જિલ્લા સહિત રાજ્યના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા પ્રોત્સાહિત પણ કરું છું. હું ઘણા બધા ખેડૂતોને મળ્યો ત્યારે મોટાભાગના ખેડૂતો માટે જીવામૃત, ઘનજીવામૃત અને જંતુનાશકો બનાવવા માટે જરૂરી ગાયના ગોબર અને ગૌમૂત્ર મેળવવો એ સૌથી મોટી સમસ્યા હતી. ઘણા ખેડૂતોની આર્થિક સ્થિતિ એવી હોય છે કે તેઓ ગાય ખરીદી શકતા નથી. એટલું જ નહીં,
ગાયનો દૈનિક નિભાવ ખર્ચ ઓછામાં ઓછો ૧૨૫ થી ૧૫૦ રૂપિયા જેટલો થાય છે. ખેડૂતોને આ ખર્ચ પૂરો પાડવો પણ ક્યારેક મુશ્કેલ પડે છે. ખાસ કરીને નાની વાછડીઓને જ્યાં સુધી તે દૂધ આપતી ન થાય ત્યાં સુધી ઉછેરવામાં ખર્ચ પોસાતો નથી, જેના કારણે ખેડૂતોને મોટી ગાયની જરૂર પડે છે. આમ, પ્રાકૃતિક કૃષિને લઇને આ ખેડૂતો માટે ગાયની જરૂરિયાત એક મુખ્ય પડકાર હતો. આ પડકારોને પહોંચી વળવા માટે પોતાની ગૌશાળામાંથી ગાયો નિ:શુલ્ક આપવાનો સંકલ્પ કર્યો, જેથી દરેક ખેડૂતના ઘરે ગાય બંધાઈ શકે અને તેઓ પ્રાકૃતિક કૃષિ અપનાવી શકે. આ પહેલ થકી અત્યાર સુધીમાં લગભગ ૪૦ થી ૫૦ ગાયો ખેડૂતોને નિ:શુલ્ક આપવામાં આવી છે. હાલમાં, તેમની પાસે કુલ ૭૦ ગાયો છે, જેમાં વાછડા અને વાછડીઓનો પણ સમાવેશ થાય છે.
ગજેન્દ્રસિંહ વાઘેલાએ પોતાના બાપ-દાદાઓનો વારસો જીવંત રાખ્યો છે. ગજેન્દ્રસિંહ વાઘેલાના દાદા અને પિતાનો એવો નિયમ હતો કે ગાય ક્યારેય વેચવી નહીં. આ વારસો જાળવી રાખીને તેમણે સંકલ્પ કર્યો કે ગાય દરેક ખેડૂતના ખીલ્લે બંધાય. એટલું જ નહીં ખેડૂતના ઘરે ગાય હોવાથી તેમને અને તેમના પરિવારને શુદ્ધ ગાયનું દૂધ, ઘી અને છાશ ખાવા મળે છે. આમ, ગાયને ‘હરતું ફરતું દવાખાનું’ માનવામાં આવે છે.
ગજેન્દ્રસિંહ પોતાની ગૌશાળામાંથી જરૂરિયાતમંદ ખેડૂતોને ગાયો નિઃશુલ્ક આપે છે. તેઓ ગાય આપતી વખતે ખેડૂત સાથે કરાર પણ કરે છે કે ગાય વેચવી નહીં. જો ખેડૂતને ભવિષ્યમાં ગાય ન પોસાય, તો તે ગાયને પાછી તેમની ગૌશાળામાં મૂકી શકે છે અને તે ગાય પછી બીજા જરૂરિયાતમંદ ખેડૂતને આપવામાં આવે છે. તેઓ ખેડૂતોને મોટી ગાયો પણ આપે છે કારણ કે નાની વાછડીને દૂધ આપતી થાય ત્યાં સુધી ઉછેરવાનો ખર્ચ ખેડૂતને પોસાતો નથી. જોકે, કેટલાક સક્ષમ ખેડૂતોને નાની વાછડીઓ પણ આપવામાં આવે છે.