Latest

મહિલાઓને પૂર્ણ સન્માન અને દરેક ક્ષેત્રે સમાન તકો મળે એ ગુજરાત સરકારની નેમ છે: રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા

ગાંધીનગર, સંજીવ રાજપૂત: વિધાનસભા ગૃહ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગની અંદાજપત્રીય માંગણીઓની ચર્ચામાં મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા વતી રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, મહિલાઓને પૂર્ણ સન્માન અને દરેક ક્ષેત્રે સમાન તકો મળે એ ગુજરાત સરકારની નેમ છે.

આ સંદર્ભે તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ તેમણે માતૃશક્તિને પૂરતું મહત્ત્વ આપીને “મહિલા સશક્તીકરણ”ને હરહંમેશ સરકારનું કેન્દ્રબિંદુ રાખ્યું છે. મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળતાની સાથે જ તેમણે મહિલા માટે થતાં છૂટા-છવાયા કામોની જગ્યાએ અલાયદા મહિલા કલ્યાણ વિભાગની સ્થાપના કરીને મહિલા કલ્યાણની અનેક યોજનાઓ શરૂ કરી હતી.

એ જ દિશામાં આગળ વધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ સમાજમાં નારીને ગૌરવપૂર્ણ સ્થાન મળી રહે તે માટે અનેકવિધ મહિલાલક્ષી પહેલ કરી છે. જેના પરિણામે આજે દરેક ક્ષેત્રે ગુજરાતની મહિલાઓનું રાજ્યના અને રાષ્ટ્ર વિકાસમાં યોગદાન ઉત્તરોતર વધી રહ્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે, મહિલા દિવસ નિમિત્તે નવસારી ખાતે વડાપ્રધાનની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી રાજ્યની મહિલાઓએ સંભાળી હતી. આ ઉપરાંત મા દુર્ગાના વાહન એવા ગીરના સિંહોની સુરક્ષામાં પણ મહિલા વનકર્મીઓ પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.

વધુમાં મંત્રી પાનસેરિયાએ જણાવ્યું કે, ગુજરાતમાં દીકરીનો જન્મ થાય ત્યારબાદ તેની બાલ્યાવસ્થાથી લઈને તેની વૃદ્ધાવસ્થા સુધીની જીવનની દરેક અવસ્થા માટે ચિંતા કરીને રાજ્ય સરકારે નારીશક્તિના હિતલક્ષી અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. જેમાં તેમના સ્વાસ્થ્ય, શિક્ષણ, સુરક્ષા અને આર્થિક સધ્ધરતા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.

આજે ગુજરાતની મહિલાઓ પુરુષ સમાવડી થઇને પોતાના ગામ-શહેરથી દૂર જઇને અન્ય શહેરોમાં કામગીરી કરી રહી છે. આવી વર્કિંગ મહિલાઓ માટે રાજ્ય સરકારે અમદાવાદમાં ૧, વડોદરામાં ૨, સુરતમાં ૨, ગાંધીનગરમાં ૧ અને રાજકોટમાં ૧ મળી કુલ ૭ વર્કિંગ વિમેન્સ હોસ્ટેલ બનાવવાનું આયોજન કર્યું છે. જ્યાં વર્કિંગ મહિલાઓને નજીવા ખર્ચે સંપૂર્ણ સુરક્ષિત વાતાવરણ સાથે ભોજનાલય ઉપરાંતની તમામ જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે, તેમ તેમણે જણાવ્યું હતું.

વધુમાં મંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર સમાજના તમામ જરૂરિયાતમંદ વર્ગોના સમાવેશી વિકાસ માટે સમર્પિત છે. રાજ્યની ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના દ્વારા ગુજરાતની ૧૬.૪૯ લાખથી વધુ ગંગા સ્વરૂપા બહેનોને દર મહિને રૂ.૧,૨૫૦ની સહાય, એટલે કે, વાર્ષિક રૂ. ૧૪ કરોડથી વધુની સહાય આ ગંગા સ્વરૂપા બહેનોના બેંક ખાતામાં જમા થઈ રહી છે. આ સાચું નારી સન્માન છે.

મહિલાઓને હિંસાથી બચાવવા અને કાયદાકીય સહાય ઉપરાંત આશ્રય આપવા માટે રાજ્યમાં ૩૫ સખી વન સ્ટોપ કેન્દ્રો કાર્યરત છે. આ ઉપરાંત દીકરીઓના જન્મ અને શિક્ષણને પ્રોત્સાહન આપવા વ્હાલી દીકરી યોજના કાર્યરત છે. જે અંતર્ગત એક દીકરીને વિવિધ તબક્કે મળી કુલ રૂ. ૧.૧૦ લાખની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી રહી છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

એક સમયે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દીકરીઓ શિક્ષિત થાય અને તેમનો ડ્રોપ આઉટ રેશિયો ઘટે તે માટે કન્યા કેળવણી મહોત્સવ શરૂ કરીને તેમણે પોતે દીકરીઓને આંગળી પકડીને શાળાએ જતી કરી હતી. આજે એ જ દીકરીઓ મેડીકલ અને એન્જિનિયરિંગ સહિતનાં વિવિધ ક્ષેત્રે ગુજરાતનું ગૌરવ વધારી રહી છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

મહિલા અને બાળ વિકાસ વિભાગની રૂ. ૭,૬૬૮.૦૩ કરોડની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર થઈ હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પાટણ માર્કેટ યાર્ડમાં વિવિધ જણશોની બંમ્પર આવક સાથે તમાકુયાડૅમાં પણ ૪૦ હજારથી વધુ બોરીઓની આવક થઈ

પાટણ: એ.આર,એબીએનએસ : રવિવાર સહિત તહેવારોની રજા મળી ત્રણેક દિવસ બાદ મંગળવારે શરૂ…

રાધનપુરના અરજણસર ગ્રામ પંચાયત કચેરી ખાતે તલાટીની મનમાની આવી સામે..લોકો ધક્કા ખાવા બન્યા મજબૂર…

પાટણ, એ.આર. એબીએનએસ: પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કેટલાય ગ્રામ્ય વિસ્તારોમા…

1 of 591

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *