ઘરેણાં મહિલાઓની શોભા વધારે છે એટલું જ નહીં કોઇ એવી મહિલા નહીં હોય જેને ઘરેણાં પહેરવાનો આનંદ ન હોય. સોના-ચાંદી અને કીમતી ધાતુઓનાં ઘરેણાં મહિલાઓનું આકર્ષણ રહ્યાં છે. અને આવા ઘરેણાં પહેરીને અનેરો આનંદ મેળવતી હોય છે. પરંતુ મહિલાઓ પહેરેલાં ઘરેણાંમાં પોતાની પ્રસૂતિની યાદો, બાળકના જન્મનો આનંદ પણ જોડાયેલો હોય તો સોને પે સુહાગા જેવું કહેવાય. ત્યારે સુરતની એક મહિલા ડોક્ટર અદિતિ મિત્તલે માતાના દૂધ અને બાળકના વાળનો ઉપયોગ કરીને ઘરેણાં બનાવ્યાં છે. વ્યવસાયે ડેન્ટિસ્ટ અદિતિએ જણાવ્યું હતું કે માતા બનવું એ સૌભાગ્યની વાત છે.
રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત.
લોકો બાળકના ફોટા પડાવે, વીડિયો બનાવે છે. ત્યારે વિચાર આવ્યો કે, શક્તિ સ્વરૂપ માતાના દૂધ, નાળ અને બાળકના વાળનો ઉપયોગ કરીને ઘરેણાં બનાવવા જોઇએ, જે આજીવન સાચવી શકાય અને પહેરી પણ શકાય. માતાના દૂધ ને ઘટ અને પથ્થર જેવું કેવી રીતે બનાવવી શકાય તે માટે એક વર્ષ સુધી સંશોધન કર્યા બાદ સફળતા મળી છે.
માતાના દૂધને ઘટ બનાવી તેમજ જન્મ સમયે સાચવેલી નાળનો ઉપયોગ કરીને વાલીઓની ઇચ્છા મુજબ થીમ આધારિત સોના, ચાંદીનાં ઘરેણાં જેવાં કે બ્રેસલેટ, પેન્ડન્ટ, રિંગ જેવા બનાવી આપવામાં આવે છે.જ્વેલરી બનાવવા માટે માતાએ ૫થી ૧૫ એમએલ જેટલું દૂધ આપવાનું રહે છે.
આ દૂધને જે જ્વેલરી ડિઝાઇન બનાવવી હોય તેમાં ફેરવવા એટલે આકાર સાથે પથ્થર જેવું બનાવવા માટે ૧૫ દિવસ અલગ અલગ પ્રક્રિયામાં કરવામાં આવે છે ત્યારે તેને સોના-ચાંદીમાં જડી દેવામાં આવે છે.અદિતિએ જણાવ્યું હતું કે, શિવલિંગનું પેન્ડન્ટ, ઝાડની આકૃતિનું પેન્ડન્ટ, તથા બ્રેસલેટ બનાવવામાં આવે છે. આ તમામ ઘરેણાં કોઇક સંદેશ આપતાં હોય તેવી થીમ પર બનાવવામાં આવી રહ્યાં છે. વિદેશી કપલ્સ દ્વારા વધુ ઓર્ડર આવે છે.
ગર્ભનાળ અને માતાના દૂધને પ્રોસેસ કરીને એમાંથી આકર્ષક બ્રેસલેટ, પેન્ડન્ટ રિંગ બનાવવામાં આવે છે
બાળકના જન્મના આનંદને યાદગાર બનાવવા સુરતમાં નવતર પ્રયોગ શરૂ કરાયો
સોના, ચાંદીનાં ઘરેણાં જેવાં કે બ્રેસલેટ, પેન્ડન્ટ, રિંગ જેવા બનાવી આપવામાં આવે છે
માતાના દૂધને ઘટ બનાવી તેમજ જન્મ સમયે સાચવેલી નાળનો ઉપયોગ કરીને વાલીઓની ઇચ્છા મુજબ તૈયાર કરે છે
છેલ્લા એક વર્ષમાં 15થી વધુ અલગ અલગ ડિઝાઇનમાં બ્રેસલેટ પેંડેન્ટ તૈયાર કરવામાં આવ્યા
સુરતથી લઈ કેનેડા સુધી લોકો બનાવડાવે છે :અદિતિ મિતલ.