Breaking NewsLatest

GCRIની અનેરી સોનેરી સિદ્ધિ : ભારતમાં અત્યાર સુધીના સૌથી મોટા 10 સે.મી.ના બ્રાઉન ટ્યુમરની કરી સફળ સર્જરી

અમદાવાદ: સિવિલ હોસ્પિટલ સંકુલમાં આવેલી ગુજરાત કૅન્સર ઍન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (જીસીઆરઆઇ)માં ભારતમાં અત્યાર સુધીના સૌથી મોટા 10 સે.મી. કદના બ્રાઉન ટ્યુમરની સફળ સર્જરી કરાઈ છે. આ સાથે જીસીઆરઆઇએ વધુ એક સિદ્ધિનું સોપાન સર કર્યું છે.

ભારતમાં અત્યાર સુધીમાં બ્રાઉન ટ્યુમરના નોંધાયેલા કેસમાં ટ્યુમરનું કદ મહત્તમ 4 x 7 સેન્ટિમિટરનું નોંધાયું છે, જ્યારે જીસીઆરઆઇમાં જે ટ્યુમરની સર્જરી થઈ છે તે ટ્યુમરનું કદ 10 x 10 સેન્ટિમિટરનું છે. આમ આ અત્યાર સુધીનું સૌથી મોટું જડબાનું બ્રાઉન ટ્યુમર છે.

અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે જીસીઆરઆઇ કેન્સર સંબંધિત સમસ્યાઓની સારવાર માટે દેશભરમાં ખ્યાતિ ધરાવે છે, જેના કારણે સમગ્ર દેશમાંથી દર્દીઓ જીસીઆરઆઇમાં સારવાર માટે આવે છે.

જીસીઆરઆઇના નિયામક ડૉ. શશાંક પંડ્યાના જણાવ્યા અનુસાર જીસીઆરઆઇમાં સારવાર માટે ગુજરાતના પડોશી રાજ્યો જેવાકે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર ઉપરાંત ઉત્તર પ્રદેશ જેવા અન્ય દૂરના રાજ્યોમાંથી પણ દર્દીઓ આવે છે. દૂરના પ્રદેશોમાંથી દર્દીઓ જીસીઆરઆઇમાં સારવાર માટે આવે છે કારણકે તેમને અહીં સારી સારવાર મળશે તેનો ભરોસો હોય છે, એમ ડૉ. પંડ્યાએ ઉમેર્યું હતું.

જીસીઆરઆઇમાં ભારતના અત્યાર સુધીના સૌથી મોટા કદના બ્રાઉન ટ્યૂમરની સર્જરી જે દર્દી પર થઈ છે તે દર્દી પણ ઉત્તર પ્રદેશના નિવાસી છે. ઉત્તર પ્રદેશના સુલતાનપુર જિલ્લાના અમેઠી ગામમાં રહેતા શોભનાથ ગુપ્તાના જડબામાં માર્ચ 2021થી નાના ચણાં જેવડી ગાંઠ થઈ હતી જે ધીરે ધીરે વધીને 10 સેન્ટિમિટરની થઈ ગઈ હતી. જુલાઈ 2021ના અંતમાં તેઓ જીસીઆરઆઇમાં આવ્યા તે પહેલા તેમણે ઉત્તર પ્રદેશની અલગ અલગ 4-5 હોસ્પિટલ્સમાં ઇલાજ માટે ગયા હતાં, પરંતુ ક્યાંય સંતોષજનક સારવાર થઈ નહોતી. દર્દીની આર્થિક સ્થિતિ પણ ખરાબ હતી અને તે મોંઘી સારવાર કરાવી શકે તેમ નહોતા. આખરે એક નજીકના સગાએ જીસીઆરઆઇ વિશે વાત કરતા શોભનાથભાઈ આશાના છેલ્લા કિરણ સમાન જીસીઆરઆઇમાં આવ્યા હતાં.

જીસીઆરઆઇમાં શોભનાથ ગુપ્તાના ટ્યુમરનો સચોટ તાગ મેળવવા માટે સીટી સ્કેન સહિતના તેમના જુદા જુદા ટેસ્ટ કરવામાં આવ્યા અને આ પેરા થાઇરોઇડનું ટ્યુમર હોવાનું નિદાન થયા બાદ તેમની સર્જરી કરવાનો નિર્ણય લેવાયો. બ્રાઉન ટ્યુમર હોવાના કારણે દર્દીનું હિમોગ્લોબિનનું સ્તર સાવ ઘટી ગયું હતું. આ ડોક્ટર્સ માટે એક જટિલ સમસ્યા હતી, કેમકે આટલા ઓછા લોહીમાં પણ દર્દીની સર્જરી કરીને આટલું મોટું ટ્યુમર કાઢવું તથા દર્દીના જડબામાં પ્લેટિંગની પ્રક્રિયા કરવી તે સૌથી મોટો પડકાર હતો. જેના કારણે સર્જરી પહેલા, સર્જરી દરમિયાન અને તે પછી પણ તેમને લોહી ચડાવવામાં આવ્યું હતું. સર્જરીમાં શોભનાથ ભાઈના ટ્યુમરના મુખ્ય કારણ સમાન થાઇરોઇડની ગ્રંથિ દૂર કરવામાં આવી હતી.

આ સર્જરી અંગે માહિતી આપતા જીસીઆરઆઇના હૅડ એન્ડ નૅક વિભાગના આસિસ્ટન્ટ પ્રોફૅસર ડૉ. પ્રિયાંક રાઠોડે જણાવ્યું કે શરીરમાં થાઇરોડની પાછળ ચાર બટન જેવડી નાની ગ્રંથિ હોય છે જે પેરા થાઇરોઇડ તરીકે ઓળખાય છે, તેનું શરીરમાં મુખ્ય કામ કૅલ્શિયમનું સ્તર જાળવવાનું હોય છે. પેરા થાઇરોઇડ જો વધુ કૅલ્શિયમનું સ્તર વધઘટ થાય તો શરીરના મોટા હાડકામાં ટ્યુમર થવાની સંભાવના રહેલી હોય છે, જેને બ્રાઉન ટ્યુમર તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારનું ટ્યુમર શરીરના બીજા હાડકામાં થવું સામાન્ય ઘટના છે, પણ જડબામાં એ ટ્યુમર થવું ખુબ દુર્લભ હોય છે અને આ પ્રકારનું ટ્યુમર પ્રત્યેક દસ લાખ વ્યક્તિએ એકમાં જોવા મળે છે. વાસ્તવમાં આ એક પ્રકારની ગાંઠ હોય છે.

આ ટ્યુમર બ્રાઉન ટ્યુમર તરીકે ઓળખાય છે કારણકે આવા ટ્યુમરમાં લોહીનું પ્રમાણ વધારે હોય છે, જેના કારણે તેનો રંગ કથ્થઈ થઈ જાય છે. આ ટ્યુમરમાં દર્દીના શરીરમાં હિમોગ્લોબિન ઘટી જાય છે કારણ કે દર્દી બોલે, ચાવે કે બાયોપ્સી લેવામાં આવે ત્યારે મોઢામાંથી બ્લડ લોસ વધુ થાય છે. શોભનાથ ભાઈના કિસ્સામાં તો ટ્યુમરને સાદો સ્પર્શ કરવામાં આવે તો પણ બ્લડિંગ થતુ હતું.

જો શોભનાથ ગુપ્તાનું ઓપરેશન ન થયું હોત તો ટ્યુમર બીજા હાડકામાં પણ આ ટ્યુમર થવાની શક્યતા હતી. શરીરમાં વધારાના કેલ્શિયમનો નિકાલ કરવાનું કામ કરતી કિડનીને પણ ગંભીર ક્ષતિ પહોંચવાની સંભાવના રહેલી હતી. પથરીની સમસ્યા પણ થઈ શકે તેમ હતી.

સર્જરી બાદ શોભનાથ ગુપ્તાને સમયાંતરે કેલ્શિયમના ઇન્જેક્શન તથા સ્કૅન તકેદારીના ભાગરૂપે કરવામાં આવશે. આના સ્કેન બહાર ખુબ મોંઘા થાય છે જે જીસીઆરઆઇમાં વિનામૂલ્યે થાય છે. શોભનાથભાઈ પર જે સર્જરી થઈ છે તે અન્ય ખાનગી હોસ્પિટલોમાં કદાચ રૂ. 4-5 લાખમાં થઈ હોત, જે જીસીઆરઆઇમાં તદ્દન વિનામૂલ્યે સંપન્ન થઈ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 686

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *