મહેસાણા, સંજીવ રાજપૂત: મહેસાણા જિલ્લાના ગોઝારીયા ખાતે શ્રીમતી સમરથબેન ચુનિલાલ અને શેઠશ્રી ડોસાભાઇ માધવજી સાર્વજનિક હોસ્પિટલ ગોઝારીયા દ્વારા સંચાલિત શ્રી કે.કે.પટેલ અને શ્રીમતી મધુબેન પટેલ નર્સિંગ કોલેજ ઉદ્ઘાટન સમારોહ કેન્દ્રિય ગૃહમંત્રી અમિતશાહના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ રાષ્ટ્રના નાગરિકોની આરોગ્ય સેવાઓ સુદ્રઢ બને તે દિશામાં વર્ષ ૨૦૧૪થી આમૂલચૂલ પરિવર્તન કર્યું છે, તેમણે ઉમેર્યુ હતું કે,દેશના ૬૦ કરોડ નાગરિકોને ૦૫ લાખના આયુષ્માન કાર્ડ થકી આરોગ્યની સુલભ સેવાઓ મળી રહી છે.
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પોષણ અભિયાન, સ્વચ્છ ભારત મિશન, ફીટ ઇન્ડિયા મૂવમેન્ટ, હર ઘર જલ, ઘર ઘર શૌચાલય, મિશન ઇન્દ્રધનુષ, આયુષ્યમાન ભારત જેવી અનેકવિધ યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકોને મળી રહ્યો છે, તેમણે જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રીના નેતૃત્વમાં આરોગ્ય સેવાઓ વધુ સારી રીતે મળી રહે તે માટે ભૂતકાળમાં ૩૭ હજાર કરોડના બજેટથી વધારી આજે ૦૧ લાખ ૩૭ હજાર કરોડની રકમ માત્ર આરોગ્યની સુખાકારી માટે આપી છે.
અમિત શાહે જણાવ્યું હતું કે, દેશમાં નેશનલ ડિજિટલ હેલ્થ ઈકો સીસ્ટમ, આયુષ્માન મંદિરથી આરોગ્યની સુખાકારીમાં વધારો થયો છે, જેમાં ૦૭ એઇમ્સથી આજે ૨૩ એઇમ્સ, મેડિકલ કોલેજમાં ૩૮૭ થી ૭૮૦ કોલેજો થઈ છે જેનાથી ભુતકાળમાં ૫૧ હજાર ડોક્ટરો પદવી મેળવતા હતા આજે ૧,૧૮,૦૦૦ ડોક્ટરો દેશને મળી રહ્યા છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર ઈકો સીસ્ટમ ક્ષેત્રે ટેલી મેડિસિન સુવિધામાં વધારો થયો છે, તેમજ છેલ્લા ૧૦ વર્ષમા જન ઔષધિ કેન્દ્રથી ૨૫ હજાર કરોડ રૂપિયાની દવાઓ દેશના નાગરિકોને મળી છે.
આ તકે દેશના ૧૩૦ કરોડ નાગરિકોના સ્વાસ્થ્ય માટે ખૂબ મોટુ અભિયાન સરકાર દ્વારા ચલાવવું છે તેમ જણાવી તેમણે આપણા પૂર્વજોએ બનાવેલ હોસ્પિટલોને આધુનિક હોસ્પિટલો બને તે જવાબદારી સમાજની છે તે માટે સૌને અનુરોધ કર્યો હતો.
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશમાં સખાવતથી ચાલતી હોસ્પિટલૉને આયુષ્માનમાન ભારત યોજનાથી ચાલક બળ મળ્યું છે,જેનાથી સમાજ વ્યવસ્થા જીવંત બની છે. ગોઝારીયા ખાતે આ પ્રકારના નવીન પ્રકલ્પથી આજુબાજુના ૫૦ થી વધુ ગામડાના નાગરિકોને સેવાઓ મળી રહી છે જે ઐશ્વર્ય કાર્ય છે.
આ પ્રસંગે સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજે ગોઝારીયા માટે ગૌરવશાળી ક્ષણ છે. રાજ્યથી રાષ્ટ્રનો વિકાસ યશશ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને સહકારિતા મંત્રી અમિત ભાઈ શાહને આભારી છે, જેનાથી આજે દેશ દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યો છે,
કાર્યક્રમમાં કાંકરોલી નરેશ પરમ પૂજ્ય ૧૦૮ ડૉ.વાગીશકુમારે આશિર્વચન પાઠવ્યા હતા અને પ્રાસંગિક પ્રવચન કરી દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો, આ પ્રસંગે કેન્દ્રિય ગૃહમંત્રી સહિત મહાનુંભાવોના હસ્તે દાતાશ્રીઓનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ કેન્દ્રિય ગૃહમંત્રીશ્રીનું ટ્ર્સ્ટ-ગ્રામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે આ હોસ્પિટલ દ્વારા સર્જીકલ વિભાગ, ગાયનેક વિભાગ,મેડીસીન વિભાગ,ઓર્થોપેડીક વિભાગ,આંખ વિભાગ,બાળ વિભાગ,દાંત વિભાગ, ફિઝીયોથેરાપી વિભાગ, કિડની ડાયાલિસીસ સેન્ટર સહિત માનદ વિઝીટીંગ સેવાઓમાં ઇએનટી, સ્કીન, માનસિક, સોનોગ્રાફી, ગેસ્ટ્રોલોજી, ઇકો, નેફ્રોલોજી, ન્યુરો ફિઝીશીયન, પર્મોલોજી સહિતની સેવાઓ આપવામાં આવે છે. આ ટ્રસ્ટ્ર દ્વારા ઉચ્ચકક્ષાની ગુણવત્તાયુક્ત તબીબી સારવાર કેન્દ્ર બનાવી નવીન ટેકનોલોજી અને માનવીય અભિગમથી સામાન્ય માનવીને મદદરૂપ થવાની ખેવના છે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ,સાંસદ ભરતસિંહ ડાભી,,ધારાસભ્ય સર્વે મુકેશભાઇ પટેલ, જે.એસ.પટેલ, જિલ્લા કલેક્ટર એસ. કે. પ્રજાપતિ, અગ્રણી ગીરીશભાઈ રાજગોર, પદ્મ કરશન પટેલ, સ્થાપક ટ્રસ્ટી સતીષભાઇ શાહ, ટ્રસ્ટ્રના હોદ્દેદારો કે.કે.પટેલ, બહેચરભાઇ પટેલ, ભીખાભાઇ પટેલ, રાજેન્દ્રભાઇ પટેલ, શોભનાબેન શાહ, નાથાલાલ પટેલ સહિત ટ્રસ્ટીઓ, કારોબારી સભ્યઓ તેમજ હોસ્પિટલ પરીવાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.