ઉગ્ર આદોલન માટે ગામસમસ્ત તમામ મોરચે લડી લેવાના. મૂડમાંરમતના મેદાનમાં કોર્ટ સંકુલ બનાવવાનો જબ્બર વિરોધ: શ્રેણીબદ્ધ આંદોલનાત્મક કાર્યક્રમો શરૂ તમામ રાજકીયપક્ષો મેદાન બચાવવા એકજુટ થયા
વલ્લભીપુર શહેર અને તાલુકાનું એક માત્ર અને રજવાડા સમયે વલ્લભીના મહારરાજાએ વલ્લભીપુરવાસીઓને ભેટ આપેલું સૌથી મોટું શ્રી ગંભીરસિંહજી હાઇસ્કુલનું રમતગમતના મેદાનની જમીન કોર્ટ સંકુલ બનાવવા માટે ફાળવી દેવામાં આવતા આ પ્રક્રિયા વિરોધમાં શહેરીજનો રણે ચડ્યા છે. જ્યાં વલ્લભીપુરના હજારો યુવાનોએ વિવિધ રમતોની પ્રેક્ટીસ કરી ઉજ્વળ કારકિર્દી બનાવી છે એ મેદાન વલ્લભીપુરની જનતા અને યુવાનો માટે શરતાજ સમાન અને આશીર્વાદરૂપ છે, તેવા મેદાનની જમીન અધિકારીઓ દ્વારા કોર્ટ સંકુલ બનાવવા માટે ફાળવી દેવામાં આવતા અનેક રજુઆતો જવાબદાર અધિકારીઓને કરવામાં આવી હતી.
જો કે નીંભર અને આળસુ અધિકારીઓની મેલી મુરાદના કારણે યોગ્ય કાર્યવાહી આજ દિન સુધી કરવામાં ન આવતા કોર્ટ દ્વારા તાર ફેન્સીંગની કામગીરી પણ ચાલુ કરી દેવામાં આવતા વલ્લભીપુરના આગેવાનોએ એકત્રિત થઇને નગરપાલિકા હોલમાં મહત્વની મીટીંગ કરી તાત્કાલિક મેદાન બચાવો સમિતિ બનાવેલ. આ અંગે મામલતદારને લેખિત આવેદનપત્ર આપ્યું હતું અને સમગ્ર શહેર સજ્જડ બંધ રાખવામાં આવશે તેવું એલાન કર્યું છે. ત્યારે આ બાબતે તમામ રાજકીયપક્ષો પણ એકજુટ થઈ ગયા છે.
ગામના તમામ નાગરીકો આ ઝુંબેશમાં જોડાયા છે અને આગેવાનોએ કોર્ટ સંકુલ દ્વારા ચાલુ કામગીરી બંધ કરાવી હતી. આગામી દિવસોમાં મેદાન બચાવો સમિતિના નેતૃત્વમાં ઉગ્ર આંદોલનો કરવામાં આવશે અને તમામ મોરચે શહેરીજનો લડી લેવાના મૂડમાં હોય તેવું જાણવા મળી રહયું છે.
આ બાબતે સરકારના જવાબદાર અધિકારીઓએ તત્કાળ તપાસ કરી મેદાનની જગ્યાની યથાસ્થિતિ જાળવી રાખવા અને આ જમીનની પાછળ જ સરકારી પડતર જમીનો આવેલ તે સ્થળે કોર્ટ સંકુલ બનાવવા માટે ફાળવે તેવી કામગીરી કરવામાં આવે તેવી મેદાન બચાવો સમિતિની માંગ છે. અન્યથા ખુબ મોટાપાયે ગાંધીચિંધ્યા માર્ગે અને જરૂર પડે ભગતસિંહ માર્ગે ઉગ્ર આદોલન કરવા વલ્લભીપુરવાસીઓ તમામ પ્રકારની તૈયારીમાં હોય તેવું સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે .
ધર્મેન્દ્રસિંહ સોલંકી વલ્લભીપુર