Latest

દિલ્હી ખાતે ગુજરાતને પ્રાપ્ત થયો સ્વતંત્રતા કા મંત્રઃ વંદે માતરમ’ થીમ આધારિત ટેબ્લોને “પોપ્યુલર ચોઈસ” શ્રેણીનો પ્રથમ ક્રમનો એવોર્ડ

નવી દિલ્હી, સંજીવ રાજપૂત, એબીએનએસ: 77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નવી દિલ્હીના કર્તવ્ય પથ ખાતે યોજાયેલી પરેડમાં ગુજરાતના ટેબ્લોને સતત ચોથી વખત ‘પોપ્યુલર ચોઈસ કેટેગરી’માં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરવા બદલ વિધિવત્ રીતે ટ્રોફી અને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.

નવી દિલ્હીના રાષ્ટ્રીય રંગશાળા શિબિર ખાતે યોજાયેલા પારિતોષિક વિતરણ સમારોહમાં કેન્દ્રિય રાજ્ય રક્ષામંત્રી સંજય સેઠના હસ્તે આપવામાં આવેલી આ ટ્રોફી અને પ્રમાણપત્રનો ગુજરાત રાજ્ય વતી મુખ્યમંત્રીના અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે અને માહિતી કમિશનર કિશોર બચાણીએ સ્વીકાર કર્યો હતો.

આ સાથે જ ટેબ્લો નિર્માણની પ્રક્રિયા સમયે રાષ્ટ્રીય રંગશાળા ખાતે યોજાયેલી વિવિધ રાજ્યોના કલાકારો દ્વારા સાંસ્કૃતિક નૃત્યોની સ્પર્ધામાં ગુજરાતના નૃત્યને પ્રોત્સાહક ઈનામ પ્રાપ્ત થયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ‘સ્વતંત્રતા કા મંત્રઃ વંદે માતરમ’ વિષય આધારિત ચાલુ વર્ષનો ટેબ્લો ગુજરાત સરકારની માહિતી કમિશનર કચેરી દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો.

માહિતી કમિશનર કિશોર બચાણીના દિશાદર્શન અને અધિક માહિતી નિયામક અરવિંદ પટેલના માર્ગદર્શનમાં સંયુક્ત માહિતી નિયામક ડૉ. સંજય કચોટ અને ફિલ્મ પ્રોડક્શન શાખાના નાયબ માહિતી નિયામક સુશ્રી ભાવના વસાવા દ્વારા આ ટેબ્લો નિર્માણની સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ પૂર્વે વર્ષ 2023માં પુન: પ્રાપ્ય ઊર્જાના મહત્તમ ઉપયોગના આહવાનને સાકાર કરવામાં ગુજરાતની પહેલરૂપે રજૂ કરવામાં આવેલા ‘ક્લિન ગ્રીન એનર્જીયુક્ત ગુજરાત’ ટેબ્લોને ‘પોપ્યુલર ચોઈસ’ શ્રેણીમાં એવોર્ડ સાથે શરૂ થયેલી આ વિજય પરંપરાને આગળ વધારતાં વર્ષ 2024માં રજૂ કરવામાં આવેલા ગુજરાતના ‘ધોરડો, વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ’ થીમ આધારિત ટેબ્લોએ ‘પોપ્યુલર ચોઈસ’ શ્રેણીમાં એવોર્ડની સાથે સાથે ટેબ્લોઝની શ્રેષ્ઠતા માટેની પસંદગી સમિતિની ‘જ્યુરીઝ્ ચોઈસ’ શ્રેણીમાં પણ બીજો ક્રમ મેળવ્યો હતો.

જ્યારે વર્ષ 2025માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં ગુજરાતે આધુનિક વિકાસની જે હરણફાળ ભરી છે તેની વિકાસ ગાથા અને પ્રાચીન વિરાસતની ઝાંખી દર્શાવતો ‘આનર્તપુરથી એકતાનગર સુધી – વિરાસતથી વિકાસનો અદભૂત સંગમ’ ટેબ્લો ‘પોપ્યુલર ચોઇસ એવોર્ડ’ જીત્યા બાદ સતત ચોથા વર્ષે આ શ્રેણીમાં વર્ષ 2026 નો આ રાષ્ટ્રીય પુરસ્કાર જીતીને ગુજરાતે ઈતિહાસ સર્જ્યો છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કોમી એકતાની અનોખી મિશાલ: ચલાલામાં નવનિર્મિત આધુનિક ‘જુમ્મા મસ્જિદ’નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ

​દાનમહારાજની ભૂમિમાં શબીરબાપુ અને વલકુબાપુની ગરિમામય હાજરીમાં રવિવારે લોકાર્પણ.…

1 of 624

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *