ગુરુ એટલે અજ્ઞાનરૂપી અંધકારને નષ્ટ કરી, પ્રકાશ તરફ લઈ જનાર, ઈશ્વર તરફથી મોકલેલ પથદર્શક. ગુરુ એટલે જીવનમાં આવતી દરેક
મુશ્કેલી વખતે સાચી, ખોટી દિશાનુ જ્ઞાન આપનાર.
દરેકનાં જીવનમાં એક મહાન આધ્યાત્મિક ગુરુ હોય છે, જે સંત મહાપુરુષ હોય, ધર્મ વિશેનું જ્ઞાન શીખવે, સારાં વિચારો, સંસ્કારોનું સિંચન કરે, અને જીંદગીનુ સાચું મૂલ્ય સમજાવે. એ આધ્યાત્મિક ગુરુ પોતે કઠોર અને કપરાં રસ્તે ચાલી, ગેરમાર્ગે અટવાતાં માનવીઓને સારાં વિચારો અને નૈતિક મૂલ્યો પર ચાલવા ફરજ પાડે.
સાચો ગુરુ એ જ કે જે ગમ્મત કરતાં કરતાં જ્ઞાન શીખવે, હસતાં રમતાં જીંદગીના પાઠ શીખવે. ગુરુ એ સૂર્ય સમાન છે, જે પોતે તપીને બીજા ને પ્રકાશ આપે છે. અને એક બાળક કે વિધાર્થી નુ જીવન ઉજ્જવળ કરે છે. આપણાં દરેકનાં જીવનમાં ત્રણ ગુરુ તો હોય જ છે, એક આપણા માતા -પિતા, જે બાળપણનાં ઉછેરથી જ સારાં સંસ્કારો માટે, સાચી સમજ આપવા, આદતો , કુટેવો પાછળ દિવસ રાત એક કરી આપણાં સારાં ભવિષ્ય માટે સતત પ્રયત્નો કરતાં રહેતાં હોય છે.
બીજા ગુરુ એ આપણને સંસ્કાર સાથે જ્ઞાન, બુદ્ધી આપે. ભણાવી, ગણાવીને ભવિષ્ય ઘડી મોટો માણસ બનાવે.
ત્રીજા ગુરુ સંત મહાત્મા. જે આપણને મળેલ મનુષ્ય જીવનું કલ્યાણ કરે, જીંદગીના ઉતાર ચઢાવમાં સાચાં માર્ગે આગળ વધવાની પ્રેરણા બને. આપણું સાચું હિત શેમાં રહેલું છે તે સમજણ આપે.
ગુરુ જ હોય છે જે આપણને ભાન પણ ન હોય ત્યારથી જ સાચાં ખોટાંનુ ભાન કરાવે છે.
જીવનમાં સાચી સમજણ વિના બધું નકામું. તેથી આધ્યાત્મિક ગુરુ જ આપણને ઈશ્વર સમીપ લઈ જઈ મનુષ્ય દેહનું કલ્યાણ કરે છે.
ગુરુ એક વિશ્વાસ છે, જિંદગીના પથ પર અટવાયેલા પથદર્શક છે. આધાર અને ઉદ્ધાર છે વિદ્યાર્થીઓ માટે એક આકાશ અને અવકાશ છે. અન્યાય સામે ઊભા રહેવાની શક્તિ આપતો ન્યાય છે.
સતયુગમાં થયેલા આદિ ગુરુ વાલ્મીકિ, વિશ્વામિત્ર, સાંદિપની અને દ્રોણ જેવા કુલગુરુ છે.જેમની પ્રેરણા પામવા ખુદ ઈશ્વરે પણ શિષ્ય બની અવતરવું પડ્યું હતું. ગુરુ એ શબ્દો થકી સુંદર સૃષ્ટિ રચવાની શકિત આપનાર સ્વર અને શ્રેષ્ઠ કાર્યોમાં અંતર આત્માની પ્રેરણા છે. આ સંસારચક્ર ને ચલાવનાર આદિ યોગી શિવ છે તો, આ સૃષ્ટિને પોષનાર , દરેક સમયે મદદ કરનાર, સૌનો મિત્ર આદિ ગુરુ કૃષ્ણ છે. “કૃષ્ણમ્ વંદે જગતગુરુ”…!
આશા જયેશ બરૂવાલા… ✍️