શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિર અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું દેશનું 51 શક્તિપીઠ પૈકીનું આદ્ય શક્તિપીઠ તરીકે તરીકે ઓળખાય છે.
અંબાજી મંદિર પર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા છે એટલે આ મંદિરને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંબાજી શક્તિપીઠ થી 18 કિલોમીટર દૂર હડાદ ગામે ભૈરવજી મંદિરનું સ્થાનક આવેલ છે આ ભૈરવજી મંદિર ખાતે શનિવારે અને પૂનમે ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. અહી દર્શન કરવા આવતા ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે.
હડાદ ખાતે આજે વહેલી સવારે ભૈરવજી મંદીરનાં જીર્ણોધાર પ્રસંગે અંબાજી મંદિરના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા ભૈરવજી નો યજ્ઞ અને પૂજા શરૂ કરવામાં આવી હતી અને શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી ભૈરવજીનું પૂજન કર્યા બાદ જુના મંદિરથી નવા મંદિરમાં સ્થાપન કરવામાં આવ્યું હતું.
25 ફેબ્રુઆરીના સવારે હડાદ ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવ્યા હતા અને ભૈરવજીના દર્શન, આશીર્વાદ અને પ્રસાદી ગ્રહણ કરી હતી. ગુજરાત અને ગુજરાત બહારના ભક્તો મોટી સંખ્યામાં દર શનિવારે અને પૂનમે ભૈરવજી ના આશીર્વાદ અને દર્શન કરવા આવતા હોય છે.
ભૈરવજી નું જૂનું સ્થાનકની જગ્યા ઓછી હોવાથી ભક્તોને બેસવામાં તકલીફ પડતી હતી એટલે પાસે નવું ભૈરવજીનું સ્થાનક બનાવવામાં આવ્યું હતું અને ઢોલ નગારા સાથે ભૈરવજી મંદિરનું જીર્ણોદ્ધાર કરવામાં આવ્યુ હતુ.
અંબાજી મંદિરના હવન શાળાના વિદ્વાન બ્રાહ્મણો ની હાજરીમાં યજ્ઞ શરૂ થયા બાદ બપોરે યજ્ઞમાં પુર્ણાહુતિ આપવામાં આવી હતી યજ્ઞમાં ભૈરવજી મંદિરના મહારાજ સચિનભાઈ જોશી અને તેમના પત્ની મંજુલાબેન જોશી જોડાયા હતા. હવનમાં નારીયલ હોમીને પુર્ણાહુતિ આપવામાં આવી હતી અને માતાજીની આરતી કરવામાં આવી હતી સાથે સાથે ભૈરવજી ની પણ આરતી કરવામાં આવી હતી. આરતી પૂર્ણ થયા બાદ અહીં આવેલા તમામ ભક્તોને ભોજન પ્રસાદ આપવામાં આવ્યો હતો.
અંબાજી મંદિરના વિદ્વાન બ્રાહ્મણ સૌરભભાઈ ઉપાધ્યાય ની હાજરીમાં પૂજા અર્ચના કરાઈ હતી અને આ પૂજામાં બીજા અંબાજી મંદિરના બ્રાહ્મણો પણ જોડાયા હતા. આમ હડાદ ગામ ભૈરવજી મય બની ગયું હતું
અંબાજી પ્રહલાદ પૂજારી