અમરવલ્લીના વિદ્યાર્થીઓ માટે આંતરરાષ્ટ્રીય વિઝન
ધરાવતા શ્રી હસમુખ પટેલનો આજે જન્મદિવસ
આજે તારીખ 21 એપ્રિલે અમરેલી વિદ્યાસભાના પૂર્વ ડાયરેક્ટર અને હવે જેઓએ નિત્યમ્ વિદ્યાસંકુલની શરૂઆત કરી છે તેવા શ્રી હસમુખ પટેલનો જન્મદિવસ છે. સમગ્ર અમરેલીમાં પટેલ સાહેબ તરીકે ઓળખાતા આ શિક્ષણવિદ છેલ્લા દોઢ દાયકાથી અમરેલીના વાલીઓ અને વિદ્યાર્થીઓમાં આદરણીય છે અને લોકપ્રિય છે. તેમના માર્ગદર્શનમાં સંખ્યાબંધ વિદ્યાર્થીઓ મેડિકલ અને એન્જિનિયરિંગ ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડી ચૂક્યા છે.
શ્રી હસમુખ પટેલ એક સારા આચાર્ય અને સારા કેમ્પસ ડાયરેક્ટર પણ છે. અમરેલી વિદ્યાસભામાં સમર્પિત ભાવે કામ કરવા માટે તેઓએ શિક્ષક તરીકેની રાજ્ય સરકારની નોકરી છોડીને અમરેલીને જ વતન બનાવી દીધું છે. હવે તેઓ સહજ સીટી પરિસરમાં નિત્યમ્ વિદ્યાસંકુલની સ્થાપના અને શુભારંભ કરી રહ્યા છે. અમરેલી અને આસપાસના અંતરિયાળ ગ્રામ વિસ્તારના વિદ્યાર્થીઓને હાઈટેક શિક્ષણ અહીં ઘર આંગણે મળે એ માટે તેઓએ આગવું વ્યવસ્થાતંત્ર નિર્માણ કર્યું છે. જુન 2024 ના નવા શૈક્ષણિક સત્રથી ચાલુ થનારી આ નિત્યમ્ સંસ્થા સમગ્ર સૌરાષ્ટ્રમાં અમરેલીને આગવી ઓળખ આપશે.
શ્રી હસમુખ પટેલ એક ઉચ્ચ કક્ષાના વિચારક છે. તેઓ વિદ્યાર્થીઓના વ્યકિતગત વિકાસના હિમાયતી છે. તેઓ વિદ્યાસભામાં હતા ત્યારે સતત શિક્ષકોને કહેતા કે માત્ર ચોક એન્ડ ટોકથી વર્ગખંડ ન ચલાવો. વિદ્યાર્થીઓને ક્ષેત્રમાં લઈ જાઓ અને હકીકતનો સાક્ષાત્કાર કરાવો. તેઓ શિક્ષણમાં વૈજ્ઞાનિક પ્રયોગો, પ્રવાસ, વ્યાયામ, કલાતત્ત્વ, યોગસાધના અને આયુર્વેદિક અભિગમના પુરરસ્કર્તા છે. જ્યાં જ્યારે તક મળી ત્યારે તેઓએ અનેક લોકસેવાકાર્યોનું પણ નેતૃત્વ લીધું છે.
શ્રી પટેલનું જીવન ગીર વિસ્તારની ગિરિકંદરાઓથી ઘેરાયેલા ભોજદે જેવા નાનકડા ગામથી આરંભાયું છે. પ્રકૃતિના નિતાંત રમણીય સ્વરૂપ વચ્ચે એક નાનકડા ખોરડાના ફળિયે તેમણે શૈશવ વિતાવ્યું છે. બહુ જ વિકટ સંયોગોમાં અલ્પ સાધનોથી તેમણે પોતાનું ઘડતર કર્યું છે. સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઝળકતા ને ઝળહળતા રહે એ તેઓનું સ્વપ્ન અને વિઝન છે. એ વિઝન પ્રમાણે જ તેમણે નવા નિત્યમ્ વિદ્યાસંકુલની સ્થાપના કરી છે.
આજે હસમુખ પટેલના જન્મદિવસે તેમના વિશાળ મિત્ર વર્તુળ દ્વારા અને સ્નેહીજનો દ્વારા તેમને અભિનંદનની (9429215664)વર્ષા થઈ રહી છે