એબીએનએસ, ગોધરા (પંચમહાલ):આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ, પંચમહાલ દ્વારા હાલોલના ધારાસભ્ય અને પૂર્વ કૃષિ મંત્રી રહેલા જયદ્રથસિંહજી પરમારના અધ્યક્ષસ્થાને જાંબુઘોડા તાલુકાના છેવાડાના ગામ ખાંડીવાવ ખાતે પ્રાકૃતિક કૃષિપાક પરિસંવાદ યોજાયો હતો.
જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને પ્રચાર પ્રસાર થાય, તેમજ વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે હેતુથી ખાંડીવાવ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર હોર્ટીકલ્ચર ખાતે એક દિવસના પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.
આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી અંગે સરકારની વિવિધ યોજનાઓની માહિતી પણ આપવામાં આવી હતી. તેમજ પ્રાકૃતિક ખેતીના તમામ આયામોનું અને રોગજીવાત નિયંત્રણ માટેનાં વાનસ્પતિક અસ્ત્રો જે જીવાત પર નિયંત્રણ કરે છે તેનું પણ પ્રત્યક્ષ નિદર્શન યોજવામાં આવ્યું હતું.
ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરાય તે માટે પ્રગતિશીલ ખેડૂતો તેમજ વૈજ્ઞાનિકઓ દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું તેમજ તેનાથી થતા લાભ અંગે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કરવાના સંકલ્પ લીધા હતા.
આ કાર્યક્રમનું સંચાલન પ્રોજેક્ટ ડાયરેકટરની કચેરી, આત્મા પ્રોજેક્ટ, ગોધરા-પંચમહાલ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જાંબુઘોડા તાલુકા પંચાયત પ્રમુખ લાલસિંહભાઈ, એપીએમસીના ચેરમેન ભાવસિંગભાઈ, કૃભકોના એરીયા મેનેજર જયેશભાઈ પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી તેમજ નાયબ બાગાયત નિયામક અને પ્રોજેક્ટ ડાયરેક્ટર, જિલ્લાના અગ્રણી મયંકભાઈ દેસાઈ તથા મોટી સંખ્યામાં પુરુષ અને મહિલા ખેડૂતો જોડાયા હતાં.
ઉલ્લેખનીય છે કે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ આત્મા પ્રોજેક્ટના વિવિધ માધ્યમો દ્વારા રાજ્યના દરેક વિસ્તારના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ કે રાજ્યમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના વ્યાપમાં વધારો અને ખેડૂતોનો ખેતી ખર્ચ બચાવવાનો છે. તેમજ જમીનની ફળદ્રુપતા તથા જીવસૃષ્ટિનું આરોગ્ય જળવાઈ રહે અને પર્યાવરણમાં પણ સંતુલન બનાવી રાખવાનો છે.