જામનગર,સંજીવ રાજપૂત: શહેરના ક્રિસ્ટલ મોલ, રિલાયન્સ રિફાઇનરી તથા સિક્કા થર્મલ પાવર સ્ટેશન ખાતે હવાઇ હુમલો થયો હતો.જેમાં બપોરે ચાર કલાકે જિલ્લા કંટ્રોલરૂમ તથા પોલીસ કંટ્રોલરૂમ ખાતે ફોન મારફત ઉપરોક્ત સ્થળો પર હવાઈ હુમલો થવાના કારણે તે ક્ષતિગ્રસ્ત થયા અંગેની જાણકારી મળી હતી. જેના પગલે સાઇરન વગાડીને હવાઈ હુમલો થવા અંગેની જાહેર જનતાને જાણકારી આપવામાં આવી હતી. સાઇરનનો સંકેત મળતાની સાથે જ શહેરના નાગરિકોએ નજીકના સુરક્ષિત સ્થળે આશ્રય મેળવ્યો હતો.
જિલ્લાના વિવિધ સ્થળોએ હવાઈ હુમલા અંગેની જાણકારી મળતા જ સમગ્ર જિલ્લા તંત્ર એલર્ડ મોડ પર આવી ગયું હતું. જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોચ્યા હતા.
ગણતરીની મીનીટમાં જ ફાયર, સિવિલ ડિફેન્સ તથા પોલીસની ટીમો એમ્બ્યુલન્સ સહિતના આધુનિક સંસાધનો સાથે ઘટના સ્થળે આવી પહોચી હતી. વિવિધ ટીમો અને આપદામિત્રોની મદદથી અસરગ્રસ્ત સ્થળે હાજર નાગરિકોને બચાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઈ હતી. ઇમર્જન્સીના ભાગરૂપે જિલ્લા તંત્ર દ્વારા ગુરુ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલ તથા જાખર ખાતે ઉભી કરવામાં આવેલ ટેમ્પરરી હોસ્પિટલ ખાતે ઘાયલો તથા રેસ્ક્યુ કરાયેલા નાગરિકોને એમ્બ્યુલન્સ મારફત સુરક્ષિત ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનામાં 30 જેટલા નાગરિકો ઘવાયા હતા જેમને તાત્કાલિક હોસ્પિટલ પહોંચતા કરવામાં આવ્યા હતા.જ્યારે 500 જેટલા લોકોને રેસ્ક્યુ કરી સુરક્ષિત આશ્રયસ્થાને લઈ જવાયા હતા. આશ્રયસ્થાને મેડિકલની ટીમ દ્વારા ઘાયલોને સારવાર આપવામાં આવી હતી.જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મોકડ્રિલનું સફળ આયોજન કરાયું હતું જેમાં ગ્રામજનોએ અભૂતપૂર્વ પ્રતિસાદ આપી તંત્રને સહયોગ કર્યો હતો.
નોંધનિય છે કે, ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા સિવિલ ડીફેન્સ મોકડ્રીલનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી હતી. જે અન્વયે જામનગર જિલ્લા સહિત ગુજરાત રાજ્યના ૧૮ જિલ્લાઓમાં “ઓપરેશન અભ્યાસ” મોકડ્રિલ યોજાઇ હતી. “ઓપરેશન અભ્યાસ” અંતર્ગત મોકડ્રિલનો આ પ્રથમ તબક્કો હતો. બીજા તબક્કામાં સાંજે 8.00થી 8.30 કલાક સુધી સમગ્ર જિલ્લામાં નાગરિકો દ્વારા સ્વયંભૂ અંધારપટ (બ્લેક આઉટ) કરવામાં આવ્યું.