અમદાવાદ: અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની 146 મી રથયાત્રાનો હેમખેમ પૂર્ણ કરવાના સંકલ્પ સાથે અમદાવાદ શહેર પોલીસ આ પડકારરૂપ જવાબદારી બેખૂબી નિભાવવા હંમેશા સજાગ અને સજ્જ છે
અમદાવાદ ખાતે પોલીસ માટે પડકારરૂપ સુરક્ષા સાથે સેવા એટલે ભગવાન જગન્નાથજીની રથયાત્રા. રથયાત્રાની તૈયારીઓથી લઈ તેની પુર્ણાહુતી સુધીના આખાય અંદાજીત 22 કિમીના રૂટની સુરક્ષાની જવાબદારી અમદાવાદ શહેર પોલીસ જુસ્સા, સજાગતા, સતર્કતા અને શાંતિ સાથે સંભાળે છે. રથયાત્રા દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ કે ઘટના ન ઘટે, રથયાત્રા દરમ્યાન ભક્તો શાંતિપૂર્ણ ભગવાનના દર્શન કરી શકે, રથયાત્રા નિર્ધારિત રૂટ પર સરળતાથી પસાર થઈ શકે જેવી અન્ય તમામ ઝીણી બાબતો પર બાજ નજર રાખી પળેપળ સજ્જ જોવા મળે છે.
રથયાત્રાના પ્રારંભ થવાના દિવસોથી જ શહેર પોલીસ સુરક્ષાની કમાન સાંભળી લે છે અને રૂટના વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ દ્વારા સતત કાર્યશીલ જોવા મળે છે. જમાલપુર, દરિયાપુર, ખમાસા, શાહપુર તેમજ અન્ય વિસ્તારના પોલીસ સ્ટેશન અને પોલીસ ચોકી ખાતે તેઓ સુરક્ષાની જવાબદારી સાથે તૈનાત જોવા મળે છે.
અસામાજિક તત્વોને ડામવા અને રોકવા અત્યંત આધુનિક ટેકનોલોજી જેવા કે ડ્રોન અને હાઈટેક સાધનો દ્વારા મકાનના ધાબા ઉપર પણ સતત બાજ નજર રાખતી હોય છે. રાજ્યના ડીજીપીના માર્ગદર્શન હેઠળ અમદાવાદ શહેરના ઉચ્ચ અધિકારીઓ કમિશ્નર થી લઈ સેક્ટર 1, સેક્ટર 2, ડીસીપી, એસીપી, ડીએસપી, એસપી, એએસપી, પીઆઇ, પીએસઆઈ, પોલીસ ભાઈઓ અને બહેનો, શહેર ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, એલસીબી, ટ્રાફિક પોલીસ, રેપીડ એક્શન ફોર્સ, સીઆરપીએફ, ચેતક કમાન્ડોની જાંબાઝ ફોજ, હાઈટેક સાધનો અને ઉપકરણો સાથે આ રથયાત્રામાં લોકોની સુરક્ષા શાંતિ અને સેવાના મહાસંકલ્પ સાથે એક છત નીચે સતર્ક જોવા મળે છે.
ગરમી હોય કે છાંયો, વરસાદ હોય કે વાવાઝોડું, પરિવારના સભ્યોતની અળગા રથયાત્રાના નિર્ધારિત રૂટ પર આ જવાનો અને અધિકારીઓ સતત રાત દિવસ ખડેપગે ઉભા રહી પોતાની આગવી ફરજ બજાવે છે અને રથયાત્રા શાંતિપૂર્ણ પુરી થાય તેવું આયોજન કરતા હોય છે. અમદાવાદ શહેર પોલીસ માટે ખરેખર ગર્વ થાય કે તેઓ થકી સદભાવના, ભાઈચારા અને ભક્તિ સાથે સુરક્ષા અને સેવા પ્રદાન કરી રથયાત્રાને હેમખેમ નિજ મંદિરે પહોંચાડે છે.
અમે સલામ કરીએ છીએ અમદાવાદ શહેર પોલીસ અને તમામ જવાનોને જેના પરિણામે ભક્તો આ અષાઢી બીજના અવિસ્મરણીય અવસરે ભગવાન જગન્નાથજીની 146 મી રથયાત્રાનો નિશ્ચિન્ત બની દર્શનનો લાભ લઈ શકશે. ભગવાન જગન્નાથ આપની દરેક મનોકામના પૂર્ણ કરે..જય જગન્નાથ..