જામનગર:જામનગર જિલ્લામાં પશુઓમાં જોવા મળી રહેલ લમ્પી સ્કિન રોગનો ફેલાવો અટકાવવા તથા પશુપાલકો તથા સ્થાનિક પશુ ચિકિત્સકોને માર્ગદર્શન પૂરું પાડવા કેન્દ્ર સરકાર દ્વારા સિનિયર સાયન્ટિસ્ટ સાથેની ટીમને જામનગર મોકલવામાં આવી છે. આ રોગનાં ફેલાવાને અટકાવવા સરકાર દ્વારા યુધ્ધનાં ધોરણે કામગીરી હાથ ધરાઈ છે. જેનાં ભાગરૂપે જામનગર જિલ્લામાં આજે I.V.R.I. બરેલીનાં સિનિયર સાયન્ટીસ્ટ ડો.એસ.નંદી તથા ડો.કે. મહેન્દ્ર તથા ગાંધીનગરથી મદદનીશ પશુ નિયામક શ્રી નિલેન પટેલ સહિતનાં વિશેષજ્ઞોની એક ટીમે જિલ્લાના અલીયાબાડા તથા ધ્રોલનાં અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. વાઈરસગ્રસ્ત બનેલા પશુઓનાં પશુપાલકો તેમજ સ્થાનિક ગ્રામજનો સાથે આ સંદર્ભે મુલાકાત કરી રોગના નિયંત્રણ અને સારવાર માટે યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવવા અને રોગને વધુ ફેલાતો રોકવા માટે ગ્રામજનોને વિગતવાર માહિતી આપી હતી.
મુલાકાત દરમિયાન પશુ ચિકિત્સકોએ અસરગ્રસ્ત પશુઓમાંથી ઇતરડી, લોહી, સીરમ, સ્કિન સ્ક્રેપિંગ નાક તથા મોઢામાંથી સ્વેબ સહિતના નમૂના લઈ ઉંડાણ પૂર્વકની તપાસ હાથ ધરી હતી. તેમજ સારવાર માટેની ગાડલાઇન, વેકસીનેશન,આઇસોલેશન તથા રીહેબીલેશન વોર્ડમાં કેવી કાળજી રાખવી વગેરે અંગે પશુપાલકો તથા સ્થાનિક ચિકિત્સકો સાથે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે પશુઓના રહેઠાણના વિસ્તારમાં સ્વચ્છતા જાળવવી અને રોગીષ્ટ પશુને તાત્કાલિક અન્ય પશુઓથી અલગ કરીને માવજત કરવી અગત્યનું છે.
અન્ય પગલાઓમાં પશુઓનાં રહેઠાણમાં મચ્છર, માખી, જૂ, ઇતરડી વગેરે ન થાય તે માટે યોગ્ય જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો જોઈએ. આ સંદર્ભમાં સરકાર દ્વારા લેવાયેલ સાવચેતીની પગલાઓ વિશે જણાવતા ખૂબ જલ્દી લમ્પીને રોકવામાં સફળ થવાની આશા વ્યક્ત કરી હતી.
મદદનીશ પશુ નિયામક શ્રી નિલેન પટેલે જણાવ્યું હતું કે પશુપાલકોએ આ રોગથી ડરવાની નહીં પરંતુ સાવચેત રહેવાની જરૂર છે. તેમણે પોતાનાં પશુઓમાં જો આ રોગનાં લક્ષણો દેખાય તો સૂચવાયેલી સારવાર ઝડપથી શરૂ કરવી જોઈએ. સારવાર વિશે માહિતી આપતા તેમણે ઉમેર્યું હતું કે લમ્પીને અટકાવવા માટે સર્વે સહિત સારવાર અને રસીકરણની કામગીરી યુધ્ધના ધોરણે હાલ ચાલી રહી છે.
આ મુલાકાત દરમિયાન ડો.હિતેશ કોરીંગા, ડો. કે.કે.ગોરીયા, ડો.રાકેશ પટેલ, ડો.રમેશ સંતોકિ સહિતના પશુપાલન વિભાગનાં વરિષ્ઠ અધિકારીઓએ પશુપાલકો-ગ્રામજનો સાથે સંવાદ કરી જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતુ.