ગાંધીનગર: સંજીવ રાજપૂત: ‘૧૦ મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪’ અંતગર્ત યોજાનાર રોડ શો પૂર્વે જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષ સ્થાને ગુજરાતનું ડેલિગેશન પંજાબના લુધિયાણા શહેરના પ્રવાસે છે. લુધિયાણા સ્થિત વિવિધ કંપનીઓના ચેરમેન અને એમ.ડી.એ મંત્રીનું સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઇની આગેવાનીમાં ડેલિગેશને આજે લુધિયાણા ખાતે ગંગા એક્રોવુલસ લિમિટેડ તેમજ ઍવોન સાયકલ્સ લિમિટેડ કંપનીની રૂબરૂ મુલાકાત કરીને વિવિધ ઉત્પાદનોની વિગતો મેળવી હતી.
મુલાકાત દરમિયાન જળ સંપત્તિ મંત્રીએ ગંગા એક્રોવુલસ લિમિટેડના પ્રમુખ અમિત થાપર, મેનેજીંગ ડાયરેક્ટર રવિનદર વર્મા તેમજ ઍવોન સાયકલ્સ લિમિટેડના ચેરમેન- મેનેજીંગ ડિરેક્ટર ઓનકાર સિંહ પાહવા તથા જોઈન્ટ મેનેજીંગ ડિરેક્ટર રિશી નાહવા સહિત કંપનીના હોદેદારો સાથે બેઠક યોજીને ગુજરાતમાં આ ક્ષેત્રે રોકાણની તકો અંગે માહિતી મેળવી હતી.
જળ સંપત્તિ મંત્રીએ આગામી તા. ૧૦ થી ૧૨ જાન્યુઆરી-૨૦૨૪ દરમિયાન ગુજરાતમાં યોજાનાર ‘૧૦ મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪’માં સહભાગી થવા આમંત્રણ આપ્યું હતું.
વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગત દેશભરના રોકાણકારો ગુજરાતમાં વધુ રોકાણ કરે તે હેતુથી જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના નેતૃત્વમાં આજે તા.૧૨ ઓક્ટોબરે ચંદીગઢ ખાતે ‘વાયબ્રન્ટ ગુજરાત-૨૦૨૪’ અંતર્ગત ભવ્ય રોડ શો યોજાશે.
આ રોડ શો દરમિયાન વાયબ્રન્ટ ગુજરાતની પ્રમોશનલ ફિલ્મની સાથે SIR ધોલેરા તેમજ ગિફ્ટ સિટી-ગાંધીનગરની વિવિધ ફિલ્મો દર્શાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સૌપ્રથમ વર્ષ ૨૦૦૩માં ‘વાયબ્રન્ટ ગુજરાત’ સમિટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેની સફળતાના પરિણામે આજે ગુજરાત દેશભરમાં રોકાણ માટેનું ‘બેસ્ટ ડેસ્ટિનેશન’ બન્યું છે.
આ વર્ષે વાયબ્રન્ટ ગુજરાતના સફળતાપૂર્વક ૨૦ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગત દેશભરના રોકાણકારો ગુજરાતમાં વધુ રોકાણ કરે તે હેતુથી મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત મંત્રીમંડળના સભ્યોશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ રાજ્યોમાં રોડ શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.