સુરત:સંજીવ રાજપૂત: સુરત જિલ્લાના માંડવી ખાતે આવેલી માંડવી એજ્યુકેશન સોસાયટીના ઓડિટોરિયમમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની ઉપસ્થિતિમાં સ્વામિત્વ યોજના હેઠળ મિલકતધારકોને પ્રોપર્ટી કાર્ડ વિતરણ અને પ્રધાનમંત્રી સાથે વર્ચ્યુઅલ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.
મંત્રી અને અન્ય મહાનુભાવોએ સ્વામિત્વ યોજનાના લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડનું હાથોહાથ વિતરણ કર્યું હતું. જિલ્લામાં ૬૪,૦૨૯ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે, જ્યારે જિલ્લાના ૬૦૬ ગામોમાં ડ્રોન ફલાયની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
આ પ્રસંગે શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, પેઢીઓથી ગામડામાં પોતાનું ઘર બનાવી વસવાટ કરતા લોકોને આધુનિક ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી તેમની મિલકતનો નકશો તૈયાર કરી પ્રોપર્ટીના અધિકારો આપવા માટે સ્વામિત્વ યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના થકી પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરી નાનામાં નાના માણસને પણ તેમની મિલકતનો અધિકાર આપવાનું ભગીરથ કાર્ય સરકાર કરી રહી છે એમ જણાવી તેમણે આ કાર્ડની ઉપયોગિતા અંગે ઉમેર્યું હતું કે, ગામડામાં રહેતો અદના માનવીને પ્રોપર્ટી કાર્ડના કાનૂની દસ્તાવેજ થકી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવામાં સરળતા રહેશે. વળી, બેંક કે અન્ય સંસ્થાની નાણાંકીય સેવાઓ પણ પ્રાપ્ત કરી શકશે.
સરકાર ગરીબ, વંચિત અને શોષિત સૌના વિકાસ માટે કામ કરી રહી છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાયના એકાત્મ માનવવાદની વિભાવનાને સાકાર કરવા માટે સરકાર કટિબદ્ધ છે એમ તેમણે જણાવ્યું હતું.
સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે વિગતે છણાવટ કરી મંત્રીશ્રીએ સરકારની વિકાસલક્ષી કામગીરીની સરાહના કરતાં કહ્યું કે, અનેકવિધ કલ્યાણકારી યોજનાઓના સુચારૂ અમલીકરણ થકી સૌ સમાજનો સમતોલ વિકાસ શકય બન્યો છે.
પ્રેમ, દયા, કરૂણા અને રાષ્ટ્રવાદ વિચારધારા થકી આજે રાષ્ટ્રનો વિકાસ સીમાડાઓ ઓળંગી રહ્યો છે ત્યારે ૨૦૪૭ સુધીમાં પૂર્ણ વિકસિત રાષ્ટ્રના સંકલ્પને ચરિતાર્થ કરવામાં સૌના સહયોગની અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી
સાંસદ પ્રભુભાઈ વસાવાએ આ યોજનાનો આશય સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારના લોકોને પણ પોતાની મિલ્કતનો હક્ક મળી રહે એ માટે યોજના અમલમાં મુકવામાં આવી છે. અફવાઓથી દૂર રહી વહીવટીતંત્રને સહકાર આપવા માટે અનુરોધ કર્યો હતો.
જિલ્લા જમીન દફતર નિરીક્ષક ભૂમિકા મોરીએ યોજના અંતર્ગત રાજ્યભરમાં કરવામાં આવેલી કામગીરીની છણાવટ કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં ૧૨.૨૨ લાખ પ્રોપર્ટી કાર્ડ બનાવી દેવામાં આવ્યા છે. ૨૬૫ ગામોના રેકોર્ડ પ્રોમોલગેશન કરવામાં આવ્યું હોવાનું તેમજ ૨૬૯૧૬ પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરી દેવામાં આવ્યા હોવાનું વધુમાં ઉમેર્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ લાભાર્થીઓ સાથે કરેલા સીધા સંવાદનું જીવંત પ્રસારણ પણ ઉપસ્થિત સૌએ માણ્યું હતું.
કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કરતા નાયબ જમીન દફતર નિયામક એમ.કે. પ્રજાપતિએ કાર્યક્રમનો આશય સ્પષ્ટ કર્યો હતો. શાળાની બાળાઓએ પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કર્યું હતું.
ઉપસ્થિત સૌએ સ્વચ્છતા અને નશામુક્તિ અંગેના સામૂહિક શપથ ગ્રહણ કર્યા હતા. મંત્રી અને મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો.
કાર્યક્રમમાં ધારાસભ્ય સંદીપભાઈ દેસાઇ, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, નગરપાલિકા પ્રમુખ શાહ, તા.પંચાયત પ્રમુખ, જિ.પં.ના સભ્ય રોહિત પટેલ, આગેવાન જિગર નાયક, એજ્યુકેશન સોસાયટીના ટ્રસ્ટી પારેખ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, જમીન દફતર વિભાગના અધિકારી/કર્મચારી, લાભાર્થીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
સ્વામિત્વ યોજના શું છે? સર્વે ઓફ વિલેજીસ એન્ડ મેપીંગ વિથ ઈમ્પ્રોવાઇઝ્ડ ટેક્નોલોજી ઇન વિલેજ એરિયા (સ્વામિત્વ) યોજના હેઠળ ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને મિલ્કતના નકશા બનાવી મિલ્કતધારકોને રેકોર્ડ ઓફ રાઇટ એટલે કે કાનૂની માલિકી હક્ક (પ્રોપર્ટીકાર્ડ/માલિકીનો દસ્તાવેજ) આપવામાં આવે છે.
સ્વામિત્વ યોજનાના મુખ્ય હેતુઓ: ગ્રામીણ વિકાસના આયોજન તેમજ પ્રોપર્ટીની તકરારો હળવી થશે તેમજ સચોટ જમીન રેકોર્ડ તૈયાર થશે. લાભાર્થી પોતાની મિલકતનો ઉપયોગ લોન મેળવવા તેમજ અન્ય આર્થિક લાભ મેળવવા કરી શકશે. જેથી ગ્રામીણ નાગરિકોના જીવનમાં આર્થિક સ્થિરતા આવશે.
સંપત્તિ કરનું ચોકકસ નિર્ધારણ કરી શકાશે જેનો સીધો લાભ ગ્રામ પંચાયતોને મળશે. આ યોજના અંતર્ગત તૈયાર થયેલા જી.આઈ.એસ. નકશાઓનો ઉપયોગ ભવિષ્યને લક્ષમાં લઈ દરેક વિભાગ દ્વારા આયોજન ઘડવામાં કરી શકાશે. ગ્રામ પંચાયત વિકાસ યોજના (GPDP) તૈયાર કરવામાં મદદરૂપ થશે.