ગાંધીનગર, સંજીવ રાજપૂત: દેશનું ભવિષ્ય સ્વસ્થ અને તંદુરસ્ત રહે તે માટે પ્રાકૃતિક ખેતી કરવા માટે સદાય દેશવાસીઓને પ્રેરિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પ્રાકૃતિક ખેતી પર વિશેષ ભાર મૂકી રહ્યા છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પણ આ વિષયને મુહિમ બનાવી રાજ્યભરના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળી રહ્યા છે ત્યારે શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ પોતાના કિચન ગાર્ડનમાં પ્રાકૃતિક ખેતી કરી ખેડૂતોને ખાસ પ્રેરણા પૂરી પાડી છે.
તા. ૨૧મી ના રોજ રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ મંત્રીના નિવાસસ્થાને સ્વદેશી જીવામૃત ખાતરથી ઉછરેલી શાકભાજીના છોડનું નિરીક્ષણ કરી આ પહેલની પ્રશંસા કરી હતી.
આ સંદર્ભે મંત્રી પ્રફુલ પાનશેરિયાએ રાજ્યપાલને માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ધોરણ ૯ અને ૧૦ના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ્યપુસ્તકમાં પ્રાકૃતિક ખેતી વિષયક પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આવનારા શૈક્ષણિક વર્ષથી ધોરણ ૧૧માં પણ પ્રાકૃતિક ખેતીના પ્રકરણનો સમાવેશ કરવામાં આવશે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અભ્યાસક્રમમાં પ્રાકૃતિક કૃષિ ઉમેરવાના શિક્ષણ વિભાગના પગલાની સરાહના કરી હતી.
શિક્ષણમાં પ્રાકૃતિક ખેતીના અભ્યાસક્રમનો સમાવેશ કર્યો છે ત્યારે રાજયકક્ષાના શિક્ષણ મંત્રીએ પ્રાકૃતિક ખેતીનો જાત અનુભવ કરવા અને તેને પ્રોત્સાહન આપવા માટે છેલ્લા આઠ માસથી પોતાના જ નિવાસસ્થાને કિચન ગાર્ડનમાં પ્રાકૃતિક પધ્ધતિથી બનાવેલું ખાતર, દેશી ગાયનું ગોબર-ગૌમુત્ર, દેશી ગોળ, ચણાનો લોટ અને માટીના મિશ્રણથી ખેતીનું ઉત્તમ પરિણામ પ્રાપ્ત થાય છે તેનું ઉદાહરણ આપ્યું છે.
પ્રાકૃતિક કૃષિ એ જૈવિક કૃષિથી અલગ પ્રકારની ખેતી છે એમ કહીને બન્ને ખેતી પધ્ધતિ વચ્ચેનો ભેદ સમજાવતાં રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ કહ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ એ ગાય આધારિત કૃષિ છે, જેમાં ભારતીય ઓલાદની દેશી ગાયના ગૌમૂત્ર, ગોબર ધન થકી જીવામૃત, ઘનામૃત તૈયાર કરીને તેનો ઉપયોગ કરીને ઝીરો ખર્ચે ઉત્પાદન મેળવવામાં આવે છે. પ્રાકૃતિક કૃષિમાં રાસાયણિક ખાતરો કે જંતુનાશક દવાઓના ઉપયોગ વિના માત્ર ગાય આધારિત ખેતી કરવામાં આવે છે.
પ્રાકૃતિક ખેતી કરવામાં આવે તો ઓછા ખર્ચે અનેક ફાયદાઓ મળે છે. અળસિયા એ કુદરતના ખેડૂતો છે જેની મદદથી ખેતીની જમીનની ફળદ્રુપતા તો વધે જ છે સાથે ખેડૂતોની આવક પણ વધે છે.
આજે સમગ્ર વિશ્વમાં પ્રાકૃતિક આપદાઓ વધી રહી છે ઉપરાંત જમીન બિનઉપજાઉ બની રહી છે ત્યારે પર્યાવરણના સંતુલનને જાળવી રાખવામાં પ્રાકૃતિક ખેતી મદદ કરે છે, ઓછાં ખર્ચે, ઓછાં પાણીએ ઝેરમુક્ત ખેતી થકી ખેડૂતો આર્થિક રીતે સમૃધ્ધ બની શકે છે.
મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ ઉમેર્યું હતું કે, હાલની પરિસ્થિતિમાં ખેડૂતો જે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરે છે તેનાથી અનાજ કઠોળ અને શાકભાજીમાં તેના અવશેષો રહી જતા મનુષ્યના શરીરને વિપરીત અસરો કરે છે.
જ્યારે પ્રાકૃતિક ખેતી અંતર્ગત જીવામૃત ઘન જીવામૃત નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર વગેરેના ઉપયોગથી વિવિધ પ્રકારના પાકોમાં આર્થિક રીતે ખર્ચ ઓછો થાય છે અને શરીર માટે શુદ્ધ, આરોગ્યપ્રદ શાકભાજી અને ફળો મળી રહે છે.
કેબિનેટ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર સહિત પ્રાકૃત્તિક ખેતીનાં રાજ્ય સંયોજક દીક્ષિતભાઇ પટેલ, બાગાયત ખાતાના અધિકારીઓ તથા શિક્ષણ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.