રેડ અને ડ્રાઈવ દરમ્યાન ૮૭ સંસ્થાઓને તપાસી પાલનપુર શહેરમાંથી ૩ અને અંબાજી ખાતેથી ૫ બાળકોને બાળ મજુરી તથા ભિક્ષાવૃતિ માંથી મુક્ત કરાવાયા
આગામી તા-૨૩-૦૯-૨૦૨૩ થી તા-૨૯-૦૯-૨૦૨૩ દરમિયાન અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળામાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવનાર હોઇ બાળકોની સુરક્ષા અને સલામતી જળવાઈ રહે તેમજ મેળા દરમિયાન બાળ-મજૂરી અને બાળ ભિક્ષાવૃતિ અટકાવી શકાય તે માટે જિલ્લા કક્ષાએ બાળ મજુરી નિવારણ માટેની ટાસ્ક ફોર્સ કમીટીના સદસ્યો લેબર ઓફીસર, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી તેમજ પોલીસ વિભાગને બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી કમ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેનશ્રી વરૂણકુમાર બરનવાલ દ્વારા સુચના આપવામાં આવી હતી. જે અનુસંધાને ભાદરવી પૂનમ મહામેળો-૨૦૨૩ દરમ્યાન બાળ-મજૂરી અને બાળ ભિક્ષાવૃતિ માટેની રેડ અને ડ્રાઈવનું બનાસકાંઠા જિલ્લામાં તેમજ ખાસ કરીને યાત્રાધામ અંબાજીમાં ઝુંબેશના સ્વરૂપમા કામગીરી કરવામાં આવી રહી છે.
તા. ૨૨ ઓગષ્ટ થી તા ૨૫ ઓગષ્ટ દરમ્યાન પાલનપુર હાઈવે વિસ્તાર અને અંબાજી તા.૧૨/૦૯/૨૦૨૩ દરમ્યાન પાલનપુર ખાતે ન્યુ બસ પોર્ટમાં (વ્યક્તિગત ફરીયાદ આધારીત) તેમજ તા. ૧૩/૦૯/૨૦૨૩ ના રોજ અંબાજી ખાતે જિલ્લા ટાસ્ક ફોર્સ દ્વારા બાળ-મજૂરી અને બાળ ભીક્ષાવૃતિ માટેની રેડ અને ડ્રાઈવનું આયોજન કરવામા આવ્યું હતું. તેમજ આવનારા દિવસોમા પણ સતત રેડ અને ડ્રાઈવ કરવામાં આવશે તેવું આ ટાસ્ક ફોર્સ ટીમ દ્વારા આયોજન કરવામા આવ્યું છે.
આજ સુધી કરવામા આવેલ રેડ અને ડ્રાઈવ દરમ્યાન કુલ- ૮૭ સંસ્થાઓને તપાસવામા આવી છે. જેમા પાલનપુર શહેરમાંથી ૦૩ અને અંબાજી ખાતેથી ૦૫ બાળકોને બાળ મજુરી તથા ભિક્ષાવૃતિ માંથી મુક્ત કરાવવામા આવ્યા છે. તેમજ બાળ મજૂર રાખનાર માલિકોને નોટીસો આપવામા આવી છે. તેમજ બાળ મજુર ન રાખવા બાબતના બાંહેધરી પત્રક પણ ભરાવવામાં આવ્યા છે.
ભાદરવી પૂનમ મહામેળો-૨૦૨૩ દરમ્યાન આજુબાજુના ગામના બાળકો ભિક્ષાવૃતિ તેમજ બાળ મજુરી જેવી બદી માં ના જોડાય તેની તકેદારી તેના વાલીઓએ રાખવી તેમજ તેના વાલી જો બાળકોને સાથે લઈને મેળામાં જતા હોય તો તેના વાલીએ તેઓના બાળકો તેમની સાથે રહે તે સુનિશ્વિત કરવું, જેથી મેળામાં બાળકો ગુમ થવાના કિસ્સાઓ પણ નિવારી શકાય તેમજ ભિક્ષાવૃતિ તેમજ બાળ મજુરી જેવી બદીઓને પણ અટકાવી શકાય તેમ લેબર ઓફીસરશ્રીએ જણાવ્યું છે.
અંબાજી પ્રહલાદ પૂજારી
















