પાલનપુર, સંજીવ રાજપૂત : ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીના માર્ગદર્શન થકી માતા બેહનોના સ્વાસ્થ્યની ચિંતા કરી એક કરોડના માતબર ખર્ચે બનાસડેરી પ્રેરિત ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે ગુજરાતભરમાં પ્રથમ વખત પશુપાલકોની પોતાની માલિકીની મેડિકલ કોલેજ દ્વારા ડીઝીટલ મેમોગ્રાફી વાન ખરીદવામાં આવી છે. મેડિકલ કોલેજ અને જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુરની મહિલા તબીબોની ટીમ દ્વારા ગામે ગામે પહોંચી સ્તન અને ગર્ભાશય કેન્સરની તપાસણી શરૂ કરવામાં આવી છે.
જે અંતર્ગત 10 જાન્યુઆરીના રોજ વડગામ તાલુકાના જલોત્રા ગામે બનાસ મેડીકલ કોલેજના ચેરમેન પી.જે.ચૌધરીની વિશેષ ઉપસ્થતિમાં દૂધ મંડળી ખાતે બનાસડેરી, બનાસ મેડીકલ કોલેજ મોરિયા દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં સાંજ સુધીમાં ૧૬૭ જેટલી મહિલાઓની તપાસ કરવામાં આવી હતી. તેમજ મેમોગ્રાફ્રી અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે ચેરમેન પી.જે.ચૌધરી એ જણાવ્યું હતું કે કેન્સરની બાબતમાં દિવસે ને દિવસે ચિંતાનો વિષય બની રહ્યો છે. આપણે બચવું હસે તો પ્રાકૃતિક ખેતી અપનાવવી પડશે. આજે સૌથી મોટો ચિંતાનો વિષય એ બન્યો છે કે બેહનોમાં કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે. આવા પ્રકારના કિસ્સામાં બહેનો શરમ અને સંકોચના લીધે પરિવારમાં જાણ કરતા નથી, જ્યાં સુધી સહન થાય ત્યાં સુધી દુખ સહન કર્યા રાખે છે અને વધારે તકલીફ થાય ત્યારે એ બહેન દીકરીને બચાવી શકાતી નથી. જે બહેન દીકરીનું કેન્સરના કારણે નિદાન ન થવાને લીધે મોત થઈ જાય ત્યારે આખો પરિવાર નિરાધાર બની જાય છે. ત્યારે શરમ અને સંકોચ રાખ્યા વગર મહિલા ડોક્ટરોને પોતાના કેન્સરની જાણ કરવાના અનુરોધ સાથે આ વાન નો લાભ લેવા અપીલ કરી હતી.
આ પ્રસંગે વડગામ તાલુકાના જલોત્રા ગામના વતની બનાસડેરીના બોર્ડ ડાયરેક્ટર,અને બનાસ મેડીકલ કોલેજના વાઈસ ચેરમેન દિનેશભાઇ ભટોળ, પાલનપુર તાલુકાના ડાયરેક્ટર ભરતભાઈ પટેલ, બનાસ ડેરીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને બ્રિગ્રેડીયર શ્રી વિનોદ બાજીયા, સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો.સુનિલભાઈ જોષી, મહિલા ડોક્ટર જયશ્રીબેન, નીતાબેન નર્સિંગ સ્ટાફ, બનાસડેરીના કર્મચારીઓ, ગામના સરપંચ, તાલુકા સદસ્યો આગેવાનશ્રીઓ સહીત દૂધ મંડળીના ચેરમેન, મંત્રી સહીત મોટી સંખ્યામાં માતાઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.