ગુરૂજનના દ્રઢ સંકલ્પથી બાળક મહાન બનવાની યાત્રા શરૂ કરે છે
સૌમ્ય અને તેજસ્વી બાળકનું નિર્માણ શાળામાંથી થાય છે:* શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા
શિક્ષણમંત્રીના હસ્તે આચાર્યો, શિક્ષકો, કલાર્કો, સેવકોને સન્માનિત કરાયા
જિલ્લા શિક્ષણાધિકારી કચેરી-સુરતની નવીન પહેલ: ધોરણ ૧૦ અને ૧૨ પરીક્ષામાં લહીયા તરીકે સેવા આપનાર વિદ્યાર્થીઓનું સૌ પ્રથમવાર શિક્ષણમંત્રીના હસ્તે સન્માન કરાયું:
-સુરત:રવિવાર: શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં પાલનપુર પાટિયા સ્થિત સંસ્કાર ભારતી વિદ્યાલય ખાતે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી- સુરત દ્વારા બહુવિધ સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં શિક્ષણમંત્રીના હસ્તે આચાર્યો, શિક્ષકો, કલાર્કો, સેવકોને સન્માનિત કરાયા હતા.
આ પ્રંસગે શિક્ષણ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ઇશોપનિષદના પ્રથમ મંત્રમાં જ ત્યાગ અને ભોગનો મંત્ર દુનિયાના અનેક પ્રશ્નોનું નિરાકરણ કરે છે. વિશ્વ અનેક સમસ્યાઓથી પીડિત છે પરંતુ તેમાંથી બહાર આવવાનો માર્ગ શિક્ષણમાંથી મળે છે. એક હજાર વર્ષનો ઈતિહાસ વાચીશું તો ભારતની સંસ્કૃતિ પર વાર, પ્રહાર અને આક્રમણ થયા તેના મૂળમાં નબળી શિક્ષણ વ્યવસ્થા હતી. દુનિયાના અનેક ધર્મો પ્રેમ, કરૂણા અને દયાવૃત્તિથી ટકી રહ્યા છે, ત્યારે ભારતની શિક્ષણ પ્રણાલિકા એ ભારતીય સંસ્કૃતિ અને વૈદિક વારસાનો વિશ્વમાં મૂળનો ડંકો વગાડયો છે.
મંત્રીશ્રીએ કહ્યું કે, ચારિત્ર્ય નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ થાય છે. સંસ્કારી સમાજનું નિર્માણ નવી પેઢીના સંસ્કારી વિચારો અને વર્તનવ્યવહારથી થતું હોય છે. શિક્ષક ક્યારેય વ્યસની પણ ન હોવો જોઈએ. તેમજ ટેકનોલોજીના વિકાસની સાથે યુવાનોમાં સંસ્કાર વારસો કેળવવો પણ ખૂબ જરૂરી હોવાનો મત વ્યક્ત કર્યો હતો.
ઈચ્છા અને તૃપ્તિ વચ્ચેના અંતરની સમજણ આપે એ શિક્ષક છે એમ જણાવતા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, જેનામાં દ્વેષભાવ, રાગ તેમજ ઈર્ષા ન હોય અને સમગ્ર સૃષ્ટિને પ્રેમમય દ્રષ્ટિથી જુએ ત્યારે એક ગુરૂનું સ્થાન મળે છે. દુનિયાના દરેક મહાન વ્યક્તિઓના ઘડતરમાં શિક્ષકની અગ્રિમ ભૂમિકા હોય છે.
મંત્રીશ્રીએ વધુમાં કહ્યું હતું કે, ગુરૂજનના દ્રઢ સંકલ્પથી બાળક મહાન બનવાની યાત્રા શરૂ કરે છે. શાળામાં બાળકોને ભારતીય અસ્મિતા, સંવેદના અને વૈચારિકતાના પાઠ ભણાવવા જોઈએ. ‘વસુધૈવ કુટુંબકમ’, ‘સર્વે ભવન્તુ સુખિન’ની ભાવના, ત્યાગની ભાવના સાથે શ્રેષ્ઠ કર્મ કરવું જોઈએ. કર્તા કર્મ બને ત્યારે જીવનમાં શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થાય છે.
સૌમ્ય અને તેજસ્વી બાળકનું નિર્માણ શાળામાંથી થાય છે એમ જણાવતા શ્રી પાનશેરિયાએ કહ્યું કે, શિક્ષક પ્રેમાળ હોવો જોઈએ, તેમની આંખોમાં કરૂણા, પ્રેમ અને દયા અવશ્ય હોવી જોઈએ. પાઠ્યપુસ્તકના પાઠના ભણતર સાથે સંઘર્ષ, મહેનતની વાત વિદ્યાર્થીઓને કહેવી જોઈએ. દરરોજ શાળામાં ગીતાના એક શ્લોકનું અધ્યયન થાય એના પર ભાર મૂકી નવી શિક્ષા પદ્ધતિમાં ગીતાના અધ્યયનથી આવનાર સમયમાં ફળદાયી પરિણામ આપશે અને વિશ્વશાંતિના દ્યોતક બનશે તેમ શ્રી પાનશેરિયાએ જણાવ્યું હતું.
જિલ્લા શિક્ષણાધિકારી ડો. ભગીરથસિંહ પરમારે કહ્યું હતું કે, રાજ્ય શિક્ષણ ક્ષેત્રે નમો લક્ષ્મી યોજના હેઠળ એક લાખ એક હજારથી વધુ વિદ્યાર્થીનીઓને લાભ મળી રહ્યો છે. રાજ્યમાં સૌથી વધુ શૈક્ષણિક કર્મચારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે. નમો સરસ્વતી યોજના હેઠળ ૨૧,૬૪૬ જેટલા ધો. ૧૧ અને ૧૨ સાયન્સના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવી રહી છે.
સન્માન સમારોહમાં શિક્ષણમંત્રીશ્રી હસ્તે ૧૭ નવનિયુક્ત અનુદાનિત શાળાના આચાર્યશ્રીઓનું સન્માન, રાજ્ય સરકાર વતી વર્ષ ૨૦૨૪-૨૫માં સુરત જિલ્લાની બે શ્રેષ્ઠ શાળાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ૧૧૧ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં નવા નિમણૂક પામેલ જૂના શિક્ષકોના નિમણૂક આદેશનું વિતરણ, ૨૧ સેવકમાંથી કલાર્ક તરીકેના પ્રમોશન મેળવનારનું સન્માન, ૦૭ જુનિયર ક્લાર્કમાંથી સિનિયર ક્લાર્કના પ્રમોશન, ૦૩ સિનિયર ક્લાર્કમાંથી હેડ ક્લાર્કમાં પ્રમોશન, ૦૩ ઉચ્ચક નાણાકીય સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
અંધ અને મુકબધિર વિદ્યાર્થીઓની સેવા માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી- સુરતની નવીન પહેલ હેઠળ સૌ પ્રથમ વખત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષામાં લહીયા તરીકે પોતાની સેવા આપનાર ૬૬ વિદ્યાર્થીઓનું શિક્ષણ રાજ્યમંત્રીશ્રી હસ્તે સન્માન કરાયું હતુ.
આ પ્રસંગે સંયુક્ત માહિતી નિયામકશ્રી અમિત જે. ગઢવી, સંસ્કાર ભારતી વિદ્યાલયના પ્રમુખ અનુભાઈ તેજાણી, સામાજિક અગ્રણી જગદીશભાઈ ઈટાલિયા, એજ્યુકેશન ઇન્સ્પેક્ટરો, વહીવટી સ્ટાફ, વિવિધ શાળાના આચર્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ સહિત વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.