આજથી શરૂ થતાં પવિત્ર નવરાત્રીના પર્વમાં ભક્તો માતાજીની ભક્તિમાં લીન બની નવ દિવસ પૂજા આરાધના કરનાર છે. ત્યારે અંકલેશ્વરના નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા મા અંબાની ભવ્ય શોભાયાત્રા કાઢી માતાજીનું સ્થાપન કર્યું હતું.
તેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
નવરાત્રિના નવલા દિવસોમાં, આસો સુદ એકમના દિવસે, શુભ મુહૂર્તમાં મા જગદંબાની મંગલકારી મૂર્તિનું ભાવિક ભક્તજનો દ્વારા સ્થાપન કરવામાં આવે છે.
નવ દિવસ અખંડ ધૂપ-દીપ કરી પ્રત્યેક રાત્રિએ શેરીઓમાં અને ચુનંદા પાર્ટી પ્લોટ્સમાં મનોરંજક રાસ-ગરબાનું વિવિધ મંડળો દ્વારા ધમાકેદાર આયોજન કરવામાં આવે છે.
જેમાં નાનાથી લઈને મોટા સૌ કોઈ નવ દિવસ માતાની આરાધનામાં લિન થઈ ગરબે ઘુમતા હોય છે.
અંકલેશ્વરના નોટિફાઈડ વિસ્તારમાં આવેલા નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા છેલ્લા 30 વર્ષથી નવરાત્રીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે પણ નવરાત્રી નિમિત્તે ગટ્ટુ નજીક નવદુર્ગા મિત્ર મંડળ નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે.
આજ રોજ માતાજીના પ્રથમ નોરતે આયોજકો દ્વારા GIDC વિસ્તારમાં ડીજેના તાલે માતાજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા વિવિધ વિસ્તારમાં ફરીને ગટ્ટુ ખાતે વિધિવત સ્થાપન કરાયું હતું. આ શોભાયાત્રામાં નવદુર્ગા મિત્રના સભ્યો તથા મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા હતા.
ભાવેશ મુલાણી, ભરૂચ.