જામનગર, એબીએનએસ, આરોગ્ય સંભાળની દિશામાં નવીનતા અને વિવિધ પ્રકારની આરોગ્ય સંભાળને સુદ્રઢ બનાવવા અને તેનો વ્યાપ વધારી બહોળા જન સમુદાયને લાભાન્વિત કરવા SHSRC દ્વારા ગત તા.૧૪-૧૧-૨૦૨૪ના રોજ બીજી ગ્રીપ સમિટ 2024નું ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતુ.
જે સમિટમાં શ્રી એમ.પી. શાહ સરકારી મેડીકલ કોલેજના અનુભવી અને પ્રતિભાશાળી ફેકલ્ટીઓ દ્વારા આરોગ્યને લગતા વિવિધ પ્રકારના શ્રેષ્ઠતમ અભ્યાસો અને સંસોધનો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાંના સર્વશ્રેષ્ઠ ૨ અભ્યાસોને પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સમીટમાં શ્રી એમ.પી.શાહ સરકારી મેડીકલ કોલેજ જામનગર તરફથી ડો.નંદિની બહારી, ડો.કે.ડી.મહેતા, ડો.દિનેશ પરમાર, ડો.અનુપમા સુખલેચા, ડો.વિરલ શાહ, ડો.પ્રતિક્ષા મોદી, ડો.બલભદ્રસિંહ જાડેજા મુખ્ય પ્રસ્તુતકર્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત ડો. દિપક તિવારી, ડો. નરેશ મકવાણા અને ડો. શમીમ શેખે પણ તેમની શ્રેષ્ઠ અને નવીન પ્રેક્ટિસ માટે અમૂલ્ય ફાળો આપ્યો હતો.
શ્રી એમ.પી.શાહ સરકારી મેડીકલ કોલેજ જામનગરના તજજ્ઞો દ્વારા દર્દીઓની સંભાળ અને તબીબી શિક્ષણ માટે રજૂ કરાયેલ તમામ શ્રેષ્ઠ અને નવીન અભ્યાસો તથા સંસોધનોને રાજ્યના આરોગ્ય વિભાગના સત્તાધિકારીઓ દ્વારા બિરદાવવામાં આવ્યા હતા.