Latest

પાલનપુર ખાતે’શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’ અંતર્ગત જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

અંબાજી:ગિરનારની લીલી પરિક્રમા જેવી શક્તિની એક પરિક્રમા થાય અને આગામી વર્ષોમાં શ્રદ્ધાળુઓ સ્વયંભૂ પરિક્રમા મહોત્સવમાં જોડાય એ પ્રકારનું આયોજન અને વ્યવસ્થાઓ ‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’ અંતર્ગત યાત્રાધામ અંબાજી ખાતે કરવામાં આવી છે એમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલે પાલનપુર ખાતે આયોજીત પ્રેસ કોન્ફરન્સમાં મીડિયાના પ્રતિનિધિઓને જણાવ્યું હતું.

તા. ૧૨ ફેબ્રુઆરી થી ૧૬ મી ફેબ્રુઆરી-૨૦૨૩ દરમિયાન શક્તિપીઠ અંબાજી ખાતે ધર્મ અને સંસ્કૃતિના સમન્વયને ઉજાગર કરતા ‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’ ને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલની અધ્યક્ષતામાં પાલનપુર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.

જેમાં જિલ્લાના ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પ્રતિનિધિઓને ‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’ અંગેની તૈયારીઓ, આયોજન અને વ્યવસ્થાઓ અંગે અવગત કરવામાં આવ્યા હતા. તેમજ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી મીડિયાના માધ્યમથી ભાવિક ભક્તો- શ્રદ્ધાળુઓને આ પંચ દિવસીય મહોત્સવમાં પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.

રાજ્ય સરકાર તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે આયોજીત ‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’ માં ભાદરવી પૂનમના મેળાની જેમ જ યાત્રાળુઓ માટે જમવા, રહેવા, વિશ્રામ સહિતની સગવડો સચવાય એ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી યાત્રાળુઓ કોઈપણ પ્રકારની અગવડ વિના અંબાજી આવી શકે એ માટે રાજ્ય પરિવહન નિગમ એસ.ટી તંત્ર દ્વારા 2500 જેટલી એસ.ટી. બસો મુકવામાં આવી છે.

કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રાળુઓ માટે હંગામી વિશ્રામની સુવિધા ઉભી કરવામાં આવી છે. પરિક્રમા પથમાં યાત્રાળુઓ માટે પીવાનું પાણી, હેલ્થ સેન્ટર, ચા-નાસ્તા અને ભોજન પ્રસાદ જેવી પ્રાથમિક સુવિધાઓ સેવા કેમ્પોના સહયોગથી કરવામાં આવી છે. આ સમગ્ર મહોત્સવમાં સફાઈનું વિશેષ આયોજન કરાયું છે. ૨૪×૭ અંબાજી મંદિર, ગામના મુખ્ય રસ્તા, ગબ્બર ટોચ, ૫૧ શકિતપીઠ પરિક્રમાના સમગ્ર વિસ્તાર માટે સફાઈનું આયોજન કરવામાં આવ્યું છે. યાત્રાળુઓની આરોગ્ય સુવિધાઓ માટે ૧૦ થી વધારે આરોગ્ય ટીમો, અંબાજી હોસ્પિટલ ખાતે તાત્કાલિક સારવાર માટેની સુવિધા અને પરિક્રમા પથનું ચઢાણ કરતાં કોઈ યાત્રિકને હૃદય સંબંધી તકલીફ થાય તો એ માટે કાર્ડિયાક સર્જનોની સેવા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.

આમ પરિક્રમા મહોત્સવમાં યાત્રાળુઓની તમામ પ્રકારની સુવિધોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. મહોત્સવ દરમિયાન આયોજન અને વ્યવસ્થાઓ સુચારુ રીતે જળવાય એ માટે તંત્ર દ્વારા ૨૩ કમિટીઓ બનાવવામાં આવી છે અને જે તે કમિટીના નોડલ અધિકારીશ્રીની નિમણુંક કરી વ્યવસ્થાઓ જાળવવા આદેશ કરવામાં આવ્યા છે. પરિક્રમા મહોત્સવમાં ભાદરવી પુનમીયા સંઘો, સાધુ સંતો, દરેક સમાજના અગ્રણીઓ, સેવાભાવી સંસ્થાઓ, વેપારી મંડળોના હોદેદારો, અન્ય જિલ્લાના વહીવટી અધિકારીશ્રીઓ, રાજકીય આગેવાનો અને પ્રજા પ્રતિનિધિઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણાએ પરિક્રમા મહોત્સવમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે કરવામાં આવેલ વ્યવસ્થા અંગે વાત કરતા જણાવ્યું કે, ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં ભાદરવી પૂનમના મેળાની તર્જ પર સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ છે. પરિક્રમા પથ જંગલ વિસ્તારમાં આવેલ હોઇ પોલીસ થ્રી લેયરમાં ૨૪  ૭ પેટ્રોલિંગની ફરજ બજાવશે. મહોત્સવમાં આવતા વાહનો પરિક્રમા પથની નજીકમાં જ પોતાનું વાહન લઈ જઈ શકે એ માટે જિલ્લા વાઇઝ વિશેષ પાર્કિગ પ્લોટની વ્યવસ્થા કરાઈ છે.

૧૫ જેટલી ફેરી સર્વિસ પ્રકારની મીની બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. જે યાત્રાળુઓને પરિક્રમા પથ સુધી લઈ જશે. આ ઉપરાંત ટ્રાફિકની સમસ્યા, વાહનો ખોટકાઈ જવાની સમસ્યાના નિરાકરણ માટે ક્રેઇનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સમગ્ર પરિક્રમા મહોત્સવમાં યાત્રાળુઓ નિરાંતે હરી ફરી શકે અને પરિક્રમા કરી શકે એ માટે પોલીસ તંત્ર ખડે પગે સેવા આપશે. યાત્રિકોના જાન માલના રક્ષણ માટે સુરક્ષા સલામતિની પૂરતી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હોવાનું જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું.

આધ્યાત્મિક ઉન્નતિ સાથે સંસ્કૃતિનું જતન અને રક્ષણ થાય એ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. જેના ભાગરૂપે વર્ષ-૨૦૦૮માં રાજયના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ગબ્બર પર્વતના પરિક્રમા માર્ગમાં ૫૧ શકિતપીઠ પ્રોજેકટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

એક જ જન્મમાં, એક જ સ્થળે, તમામ ૫૧ શકિતપીઠના દર્શન કરવાનો સુલભ્ય અવસર શકિતપીઠ ગબ્બર- અંબાજી ખાતે પ્રાપ્ત થાય એ માટે ૨.૮ કિલોમીટરના માર્ગમાં મૂળ શકિતપીઠની કલાકૃતિઓનું આબેહૂબ નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું તા. ૧૨, ૧૩ અને ૧૪ ફેબ્રુઆરી-૨૦૧૪ માં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવી તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. ગત વર્ષે-૨૦૨૨ માં પ્રથમવાર તા. ૮, ૯ અને ૧૦ એપ્રિલ દરમિયાન ૫૧ શક્તિપીઠ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા ૧.૫ લાખથી વધુ માઈભક્તોએ પરિક્રમા મહોત્સવમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

તા. ૧૨ ફેબ્રુઆરીએ થી ૧૬ મી ફેબ્રુઆરી-૨૦૨૩ દરમિયાન શક્તિપીઠ અંબાજી ખાતે પરિક્રમા મહોત્સવના પ્રારંભે વહેલી સવારે મૂર્તિઓની પ્રક્ષાલન વિ, શોભાયાત્રા, ચામર યાત્રા, શક્તિયાગ, ભજન સત્સંગ, અખંડ ધૂન, માતાજીની પાદુકા યાત્રા, જ્યોત યાત્રા, ખ્યાતનામ કલાકારો દ્વારા સાંસ્કૃતિ કાર્યક્રમો સહિતના ધાર્મિક મનોરંજક કાર્યક્રમો યોજાશે. જેમાં ભાવિક શ્રદ્ધાળુઓ પોતાની ઈચ્છા મરજી મુજબ જે સ્વરૂપે મા ની ભક્તિ કરવી હોય એ પ્રકારે કરી દિવ્ય આધ્યાત્મિક અનુભૂતિ અને શાંતિનો અહેસાસ કરે એવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. વિશેષમાં ભારતના સૌથી મોટા લાઈટ એન્ડ સાઉન્ડ શો દ્વારા ૫૧ શક્તિપીઠની પ્રાગટય કથા યાત્રાળુઓને નિહાળવા મળશે.

૩૫૮ સુવર્ણ કળશ ધરાવતું દેશનું એકમાત્ર શક્તિપીઠ અંબાજી: પ્રકૃતિના ખોળામાં અરવલ્લીની ગીરીમાળામાં અંબાજી થી ૨ કિ.મી. દૂર મૂળ શક્તિપીઠ ગબ્બર આવેલ છે. જ્યાં શક્તિસ્વરૂપા માં જ્યોત સ્વરૂપે બિરાજમાન છે. અહીં સતિ માતાનું હૃદય પડ્યું હોવાથી તમામ ૫૧ શક્તિપીઠમાં અંબાજી શક્તિપીઠનું વિશેષ મહત્વ છે. સમગ્ર દેશમાં ૩૫૮ સુવર્ણ કળશ ધરાવતું એકમાત્ર દેવસ્થાન અંબાજી છે.

તેની સુવર્ણમય આભાના આશીર્વાદ મેળવવા વર્ષે સવા કરોડ જેટલાં શ્રદ્ધાળુઓ માં અંબાના ચરણે શીશ ઝુકાવવા દૂર સુદુરથી અંબાજી આવે છે.

આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, જિલ્લા આયોજન અધિકારીશ્રી રવિરાજસિંહ ઝાલા, નાયબ માહિતી નિયામકશ્રી અમિત ગઢવી સહિત જિલ્લાભરના મિડીયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 542

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *