ગોધરા, એબીએનએસ, વી.આર (પંચમહાલ)::ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ અને EMRI GREEN HEALTH SERVICE ના સંયુક્ત ઉપક્રમે ધન્વંતરી આરોગ્ય રથ ચલાવવામાં આવે છે.
જે અંતર્ગત પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે છેલ્લા આઠ વર્ષથી આરોગ્ય રથ કાર્યરત છે અને શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યું છે. આ આરોગ્ય રથ દ્વારા કંસ્ટ્રકશન સાઇટ- કડિયાનાકા શ્રમિક વસાહત જેવાં વિસ્તારમાં પહોંચી વિનામૂલ્યે શ્રમિકોની નોંધણી કરીને તેમને આરોગ્ય વિષયક સેવાઓ આપવામાં આવી રહી છે
EMRI GREEN HEALTH SERVICEના પ્રોજેક્ટ કોર્ડીનેટર સહદેવસિંહ પરમાર અને બાંધકામ શાખાના પ્રોજેક્ટ મેનેજર સોનલબેન બારીઆના માર્ગદર્શન અને સલાહ હેઠળ ધનવંતરી આરોગ્ય રથમાં મેડિકલ ઓફિસર ડૉ.નસીમ મનસુરી, લેબર કાઉન્સિલર શૈલેષકુમાર બારીઆ, પેરામેડિક અશ્વિનભાઈ ડામોર, લેબ ટેકનિશિયન આરતીબેન ડામોર, પાયલોટ વિક્રમસિંહ ડાભી સહિતના સ્ટાફગણ ધનવંતરી આરોગ્ય રથ, ગોધરા ખાતે ફરજ નિભાવી શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યા છે.થોડા સમય પૂર્વે ધનવંતરી આરોગ્ય રથની ટીમે ચંચોપા મેડિકલ કોલેજ કંસ્ટ્રકશન સાઈટ પર કામ કરતી વખતે નવીન બનેલ બિલ્ડીંગ પરથી નીચે પડી જતા કાર્ય સ્થળ પર જ શ્રમિક રાકેશકુમાર પટેલનું મૃત્યુ થતાં તરવડી ગામમાં રહેતાં મૃતકના પરિવારનો સંપર્ક કરીને તેમને અકસ્માત મૃત્યુ સહાય યોજના અંગે જાણકરી આપી તેનું ફોર્મ ભરીને પરિવારને સહાયરૂપ બન્યા હતા.
જે માટે મૃતકના પરિવારજનોએ ધનવંતરી આરોગ્ય રથની ટીમ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.ઉલ્લેખનીય છે કે ધનવંતરી આરોગ્ય રથમાં પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ પહોંચાડવાની સાથે બાંધકામ સાઈટ પર કામ કરતા શ્રમિકોને ઈ-નિર્માણ કાર્ડ, ઈ-શ્રમકાર્ડ કાઢી આપવામાં આવે છે તેમજ તે સાથે શ્રમિકોને ગુજરાત શ્રમિક કલ્યાણ બોર્ડ તરફથી જાહેર કરવામાં આવેલ લાભોની માહિતી આપવામાં આવે છે અને સબંધિત યોજના માટે શ્રમિકને ઓનલાઇન ફોર્મ ભરી આપવામાં આવે છે. જેમાં શિક્ષણ સહાય, પ્રસુતિ સહાય, PMJJBY, આકસ્મિત મૃત્યુ સહાયના સહિતની યોજનામાં ઓનલાઇન ફોર્મ ભરીને શ્રમીકને વિનામૂલ્યે લાભ મળી રહે તે માટે સહાય આપવામાં આવે છે.