જામનગર :સમગ્ર દેશ અને દુનિયામાં બનતી ઘટનાઓ લોકો સુધી પહોંચાડવા તેમજ લોકોના પ્રશ્નોને વાચા આપવાનું કાર્ય કરતા પત્રકારો 24 કલાક ફરજ પર રહી લોકો સુધી સમાચાર પહોંચાડવાનું કાર્ય કરતા હોય છે. ત્યારે તેમની અવિરત કામગીરી અને તણાવમાંથી મુક્તિ મેળવવા માટે જામનગર પત્રકાર મંડળ દ્વારા મંડળના સભ્યો માટે પારિવારિક પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મંડળના સભ્યો દ્વારા યાત્રાધામ દ્વારકા નજીક આવેલ બાર જ્યોતિર્લિંગમાના નાગેશ્વર જ્યોતર્લિંગના દર્શન કર્યા હતા. આ ઉપરાંત દ્વારકા નજીક આવેલ અમેઝિંગ ફન વર્લ્ડની પણ પરિવાર સાથે મુલાકાત લઈને મનોરંજન માણ્યુ હતું.
જામનગર શહેરના પત્રકારત્વ ક્ષેત્રની વર્ષ 1976 થી કાર્યરત એવી સૌથી જૂની સંસ્થા જામનગર પત્રકાર મંડળ દ્વારા કામના ભારણ અને તણાવ થી દૂર રહી પોતાના પરિવાર સાથે પારિવારિક આનંદ માણી શકે તે માટે જામનગર પત્રકાર મંડળના સભ્યો માટે પારિવારિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસ દરમિયાન મંડળના સભ્યોએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત દ્વારકામાં નાગેશ્વર રોડ ખાતે આવેલ અમેઝિંગ ફન વર્લ્ડની પણ મજા માણી હતી
અમેઝિંગ ફન વર્લ્ડ ખાતે સ્વિમિંગ પૂલમાં નહાવાની મજા માણવાની સાથે સાથે અહીં 5d શૉ, કૃષ્ણ ગાથા નિહાળવા ઉપરાંત હોરર હાઉસ, જંગલ સફારી, મિરર હાઉસ, થ્રીડી શો જેવા વિવિધ ખૂબ સુંદર મનોરંજનનો લાભ લીધો હતો. આ ઉપરાંત વિવિધ રાઇડોનો પણ આનંદ માણ્યો હતો. જે માટે અમેઝિંગ ફન વર્લ્ડનો પણ ખૂબ જ સાથ અને સહકાર મળ્યો હતો. જે બદલ જામનગર પત્રકાર મંડળના પ્રમુખ ગીરીશભાઈ ગણાત્રા, ઉપપ્રમુખ કિંજલભાઈ કારસરીયા, મંત્રી જગતભાઈ રાવલ, સહમંત્રી સૂચિતભાઈ બારડ તથા ખજાનચી દિપકભાઈ લાંબા દ્વારા અમેઝિંગ ફન વર્લ્ડ ના માલિક મનોજભાઈ પટેલને મોમેન્ટો આપી સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
પત્રકાર મંડળ આયોજિત આ પારિવારિક પ્રવાસ માટે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, શહેર ભાજપ મહામંત્રી મેરામણભાઇ ભાટું અને ખંભાળિયા ની મુરલીધર હોટલના ખીમભાઈ ચાવડા નો પણ ખૂબ જ સહયોગ મળ્યો હતો જે બદલ પત્રકાર મંડળના હોદ્દેદારોએ તેમનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.