નિયમિતપણે અનિયમિત પાવર સપ્લાયથી અધિકારીઓની ફરજનિષ્ઠા સામે સવાલો ઉઠ્યા પ્રજા પ્રશ્ને ચુંટાયેલા લોકસેવકોના પણ આંખ આડા કાન
વલ્લભીપુર તા.30
વલ્લભીપુરમાં લાંબા સમયથી પી.જી.વી.સી.એલ. વિભાગના ધાંધિયા જોવા મળી રહીયા છે જેના કારણે શહેરીજનો હેરાન પરેશાન થઇ રહયા છે .હાલ માં રોજ ત્રણથી ચાર વાર દિવસમાં વીજ પાવર ગુલ થાય છે. જવાબદાર અધિકારીઓની ઘોર બેદરકારીના પાપે આમ નાગરીકો હેરાનપરેશાન થઇ રહયા છે.
પાટીવાડા વિસ્તાર, આહીર શેરી, ચમારડી દરવાજા જેવા અમુક વિસ્તારમાં ૨૪ કલાકમાં આશરે ૧૫ વાર લાઈટ જવા પામેલ હતી અને વીજ ઝટકા આવતા હતા. એનાથી વીજ ઉપકરણોને પણ નુક્શાન થતું હોય અને લોકોને આ પેધી ગયેલા અધિકારીઓએ ૧૮મી સદીમાં રહેતા હોય તેવા અનુભવ હાલ કરાવી રહયા છે.
ત્યારે હાલ ચોમાસું હોય તેવા બહાના હેઠળ હજુ ખુબ લોકોને હેરાન કરશે. આ કચેરીમાં બે વર્ષ પહેલા સારી રીતે કામગીરી ચાલતી હતી પણ હાલ છેલ્લા બે ચાર મહિનાથી આ વિભાગ ખુબ બેદરકારી પૂર્વકની કામગીરી કરી લોકોને બાનમાં લીધા કરે છે.
જેને લઇ વલ્લભીપુરના પાલિકાના નગરસેવકો પણ લોકોની સુવિધા બાબતે અને વીજ પાવર બાબતે આંખ આડા કાન કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ હાલના સમયમાં પી.જી.વી.સી.એલ. કચેરીના ખુબ મોટા પ્રમાણમાં ધાંધિયા છે છતાય એક પણ નગરસેવકોએ લેખિત રજુઆતો કરેલ નથી, જે લોકોમાં આ બાબતે પાલિકાના નગરસેવકો ઉપર રોષ જોવા મળવા પામ્યો છે.
ત્યારે વલ્લભીપુરના તાલુકા પંચાયતના માજી ઉપપ્રમુખ અને આગેવાન ધરમશીભાઇ નાડોલીયા તથા યુવા નેતા પીયુષ ગોહેલે રોષ વ્યક્ત કરેલ હતો. વીજ તંત્ર દ્વારા યોગ્ય કામગીરી નિભાવી લોકોને પુરતી સુવિધા પૂરી પાડે અને હેરાન પરેશાન કરવાનું બંધ કરે અને જીલ્લા કચેરીના જવાબદાર અધિકારીએ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે
ધર્મેન્દ્રસિંહ સોલંકીવલ્લભીપુર