Latest

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અંબાજી અને જલોત્રા ખાતે નિર્માણ થનાર ૧૬૪ આવાસોનું ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે ભૂમિપૂજન કરાયું

શ્રી શક્તિ સેવા કેન્દ્ર અંબાજીના આર્થિક અનુદાન અને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વિચરતી વિમુક્ત જ્ઞાતિના પરિવારોને મળશે ઘરનું ઘર

સરકારશ્રીની વિવિધ યોજનાઓના કાર્ડનું મંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે લાભાર્થીઓને વિતરણ કરાયું

ઘરમાં કોઈપણ પ્રકારનું દુષણ ન ઘૂસે અને એક સંપ થઈ રહો એવી શુભેચ્છાઓ પાઠવતા ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી

ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ આજે અંબાજી નજીક કુંભારીયા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શ્રી શક્તિ સેવા કેન્દ્ર અંબાજીના સહયોગથી વિચરતી વિમુક્ત જ્ઞાતિના લાભાર્થીઓ માટે કુંભારીયા અને જલોત્રા ખાતે  નિર્માણ થનાર ૧૬૪ આવાસોનું ભૂમિપૂજન કર્યું હતું. મંત્રીશ્રીએ શાસ્ત્રોક્ત વિધિ સાથે શ્રીફળ વધેરી ભૂમિ પૂજન કરી મા અંબાના આશીર્વાદથી સત્વરે ઘરવિહોણા પરિવારોને ઘરનું ઘર મળે એવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે મંત્રીશ્રીએ ગબ્બર તળેટી તેમજ શક્તિપીઠ અંબાજી ખાતે જગતજનની માં અંબાના દર્શન અને પૂજન કરી ધન્યતા અનુભવી હતી.

આ પ્રસંગે પ્રાસંગીક ઉદબોધન કરતા ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ શ્રી શક્તિ સેવા કેન્દ્ર સંસ્થાના પ્રયત્નોથી બાળકો આજે ભિક્ષા નો માર્ગ છોડી શિક્ષા તરફ આગળ વધી ઉજ્જવળ ભવિષ્યની કેડી કંડારી રહ્યા છે ત્યારે આવા બાળકોના જીવનમાં ઉજાસ ફેલાવવાનું કામ કરવા બદલ સંસ્થાને અભિનંદન આપી તેમની સેવા ભાવનાને બિરદાવી હતી. મા અંબાના આશીર્વાદથી આપ લોકોનું ઘરનું ઘર હોવાનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે ત્યારે આ ઘરોમાં કોઇપણ પ્રકારનું દુષણ ન ફેલાય અને બધા એક સંપ થઈ રહેજો એવો મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.

વધુમાં તેમણે જણાવ્યું કે, સંસ્થા અને સરકારના સહયોગથી કઈ રીતે લોકોના જીવનમાં બદલાવ લાવી શકાય તેમનો જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલી ઉજ્જવળ ભાવિ નિર્માણ થઈ શકે તે મેં અહીં નજીકથી જોયું છે એમ કહી બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને શ્રી શક્તિ સેવા કેન્દ્રને અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે મંત્રીશ્રીએ બેડ, પથારી, ઓશીકું, તિજોરી કબાટ, વાસણ મુકવાની કીટ સહિતનો ઘર વખરીનો સામાન લાભાર્થીઓને અર્પણ કરતા ઘરની ચાવી આપી

ભૂમિપૂજન અંતર્ગત યોજાયેલા સમારોહમાં મંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે શ્રી શક્તિ વસાહતના ઝોન કક્ષાએ, રાજ્યકક્ષાએ અને નેશનલ કક્ષાએ રમતગમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર તેમજ વિજેતા બાળકોને પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. રમતવીર બાળકોને સ્પોર્ટ્સ કીટનું વિતરણ કરી તેઓ રમતગમતમાં શ્રી શક્તિ વસાહત અને અંબાજીનું નામ રોશન કરે એવી શુભકામનાઓ પાઠવી હતી.

સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ ભરથરી સમાજના લોકો લઈ શકે એ માટે રેશનકાર્ડ, મમતા કાર્ડ, મનરેગા કાર્ડ, આયુષ્યમાન કાર્ડ સહિતની વિવિધ યોજનાઓના કાર્ડનું લાભાર્થીઓને વિતરણ કરાયું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ શ્રી શક્તિ વસાહતના બાળકો, મહિલાઓ અને પુરુષો દ્વારા બનાવાયેલ માટીના કોડિયા, માતાજીની ચૂંદડી, કેસૂડાના ફૂલોનો પાવડર સહિતની ગૃહ ઉદ્યોગ અને હસ્તકળાની બનાવટોનું પ્રદર્શન નિહાળ્યું હતું.

આ પ્રસંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલ, જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષયરાજ મકવાણા, પ્રાંત અધિકારીશ્રી સિદ્ધિ વર્મા, અગ્રણીશ્રી ગુમાનસિંહ ચૌહાણ, શ્રી શક્તિ સેવા કેન્દ્રના ઉષાબેન અગ્રવાલ સહિત લાભાર્થી ભાઈ-બહેનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

1 of 543

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *