Latest

પીએમ મોદી દાહોદથી રેલવે સહિત રાજ્ય સરકારના વિવિધ વિભાગોના ₹24 હજાર કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કરશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 26 અને 27 મે, 2025 દરમિયાન રોજ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે.વડાપ્રધાન દાહોદમાં ખરોડ ખાતે 26 મેના રોજ યોજાનાર કાર્યક્રમમાં રેલવે સહિત રાજ્ય સરકારના વિવિધ વિભાગોના ₹24 હજાર કરોડથી વધુ મૂલ્યના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કરશે.

લોકો મેન્યુફેક્ચરીંગ શોપ-રોલિંગ સ્ટોક વર્કશોપનું લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેલ મંત્રાલય દ્વારા દાહોદમાં ₹21,405 કરોડના ખર્ચે નિર્માણ થયેલ લોકો મેન્યુફેક્ચરીંગ શોપ – રોલિંગ સ્ટોક વર્કશોપનું લોકાર્પણ કરવાની સાથે આણંદ – ગોધરા, મહેસાણા પાલનપુર, રાજકોટ – હડમતીયા રેલ લાઇનના ડબલિંગ કામ,સાબરમતી – બોટાદ 107 કી.મી. રેલ લાઈન ઇલેક્ટ્રિફિકેશન અને કલોલ – કડી – કટોસણ રેલ લાઈન ગેજ પરિવર્તનના કુલ ₹2287 કરોડના કામો સહિત રેલવેના કુલ ₹ 23,692 કરોડના કામોનું લોકાર્પણ સંપન્ન કરશે. વડાપ્રધાનશ્રી દાહોદમાં  9000 HPનું પ્રથમ લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત કરશે. દાહોદમાં ‘મેઇક ઇન ઇન્ડિયા’ અભિગમ સાથે 21 હજાર કરોડથી વધુના ખર્ચે રેલ્વે પ્રોડક્શન યુનિટ તૈયાર થયું છે.

દાહોદમાં નિર્મિત રેલ્વે પ્રોડક્શન યુનિટ દસ હજાર લોકો માટે રોજગારીનું માધ્યમ બનવાથી સ્થાનિક અર્થતંત્રને વેગ મળશે. દાહોદમાં બનેલું લોકોમોટિવ એન્જિન 4600 ટનના કાર્ગોનું વહન કરી શકશે. આગામી 10 વર્ષમાં 1200 જેટલા એન્જિન તૈયાર કરવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે.

પાણી પુરવઠાની ચાર યોજનાઓના લોકાર્પણથી 193 ગામોને ફાયદો
વડાપ્રધાન મહીસાગર અને દાહોદ જિલ્લામાં વસતા નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે માટે ₹181 કરોડના પીવાના પાણીની ચાર જેટલી સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાઓનું લોકાર્પણ કરશે.આ જૂથ પાણી પુરવઠા યોજનાઓ કાર્યરત થતા મહીસાગર અને દાહોદ જિલ્લાના 193 ગામો અને એક શહેરની 4.62 લાખ વસ્તીને 100 એલ.પી.સી.ડી મુજબ શુદ્ધ પીવાનું પાણી મળી રહેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા અંદાજે ₹49 કરોડના ખર્ચે નિર્માણ થયેલ નામનાર સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કરશે. આ યોજના હેઠળ મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના 37 ગામો, વીરપુર અને લુણાવાડા તાલુકાના એક-એક ગામ સહિત કુલ 39 ગામોની 1.01 લાખ  વસ્તીને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવશે.

તેવી જ રીતે ₹70 કરોડના ખર્ચે નિર્માણ થયેલ ખેરોલી સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના 49 અને લુણાવાડા તાલુકાના ત્રણ સહિત કુલ 51 ગામની 1.16 લાખ વસ્તી અને વીરપુર શહેરના 15011 નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડતી યોજનાનું લોકાર્પણ કરવામાં આવશે.

વડાપ્રધાન ₹33 કરોડના ખર્ચે નિર્માણ થયેલ ચારણગામ સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કરશે.આ યોજના હેઠળ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના 44 ગામોની 83 હજારથી વધુ નાગરિકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે.

આ ઉપરાંત ₹29 કરોડના ખર્ચે નિર્માણ થયેલ ગોઠીબ જૂથ પાણી પુરવઠા યોજનાનું પણ વડાપ્રધાનશ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.આ યોજના હેઠળ જૂથ યોજના હેઠળ ન જોડાયેલા 11 ગામો અને કડાણા ભાગ -2 જૂથ યોજનાના 31 ગામો તેમજ ભાણાસીમલ જૂથ યોજનાના 16 ગામોને 100 એલ.પી.સી.ડી મુજબ શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે.આ યોજના હેઠળ મહીસાગર જિલ્લાના સંતરામપુર અને દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના 58 ગામોની 1.46 લાખ વસ્તીને આવરી લેવામાં આવી છે. આ ચાર પાણી પુરવઠા યોજનાઓ થકી બાલાસિનોર તાલુકાના 37, વીરપુર તાલુકાના 50,લુણાવાડા તાલુકાના 48,સંતરામપુર અને ફતેપુરા તાલુકાના 58 સહિત કુલ 193 ગામો અને એક શહેરને શુદ્ધ પીવાનું પાણી મળી રહેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદ સ્માર્ટ સિટી અંતર્ગત દાહોદમાં નગરપાલિકા ભવન, આદિવાસી મ્યુઝિયમ સહિત જનસુવિધા અને જનસુખાકારીના ₹233 કરોડના વિકાસ કામો જનસમર્પિત કરશે.આ ઉપરાંત પોલીસ હાઉસિંગના ₹53 કરોડના કામોનું લોકાર્પણ કરશે.

વડાપ્રધાન મધ્ય ગુજરાતના વડોદરા જિલ્લામાં સાવલી – ટીંબા માર્ગને ચાર માર્ગીય બનાવવા,કાયાવરોહણ – સાધલી માર્ગ,જરોદ – સમલાયા માર્ગને પહોળા કરવા તેમજ પદમલા – રણોલી માર્ગ પર નવા બ્રિજના કુલ ₹581 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરશે.

આ ઉપરાંત મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં અમૃત 2.0 અને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ₹26 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવાની સાથે છોટાઉદેપુર જિલ્લામાં ₹26 કરોડના ખર્ચે નિર્માણ થનાર ભારેજ બ્રિજ તેમજ ₹73 કરોડના ખર્ચે એલ.સી 65 ખાતે નિર્માણ થનાર રેલવે ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત પણ કરશે. આમ,વડાપ્રધાનશ્રીના હસ્તે ₹706 કરોડના વિવિધ સાત વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

વિકાસકાર્યોની યાદી
પશ્ચિમ રેલવે વિભાગ
• લોકો મેન્યુફેક્ચરિંગ શોપ – દાહોદ રોલિંગ સ્ટોક વર્કશોપ
• આણંદ – ગોધરા રેલ લાઈન ડબલિંગ (78 કિમી)
• મહેસાણા-પાલનપુર રેલ લાઈન ડબલિંગ (65 કિમી)
• રાજકોટ – હડમતીયા રેલ લાઈન ડબલિંગ (39 કિમી)
• સાબરમતી-બોટાદ રેલ લાઈન વીજળીકરણ (106 કિમી)
• ગુજરાત રાજ્યમાં 100% રેલવે વીજળીકરણ
• કલોલ – કડી – કટોસણ રેલ લાઈન બ્રોડગેજ અને વીજળીકરણ (37 કિમી)
• દાહોદ વર્કશોપમાં નિર્મિત ઈલેક્ટ્રિક લોકોમોટિવનું ફ્લેગ ઓફ
• વંદે ભારત એક્સપ્રેસ -અમદાવાદ (સાબરમતી)થી વેરાવળ (સોમનાથ)નો શુભારંમ
• વલસાડ-દાહોદ વચ્ચે નવી ટ્રેન સેવાનો શુભારંભ
• કલોલ – કટોસણ વિભાગમાં ફ્રેઈટ ટ્રેનનો શુભારંભ

પાણી પુરવઠા વિભાગ
• ખરોલી ઑગમેન્ટેશન RWSSનું લોકાર્પણ
• નામનાર ઑગમેન્ટેશન RWSSનું લોકાર્પણ
• ગોઠીબ ઑગમેન્ટેશન RWSSનું લોકાર્પણ
• ચારણગામ ઑગમેન્ટેશન RWSSનું લોકાર્પણ

ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ. વડોદરા
• દાહોદ જિલ્લાના રાજ્ય અનામત પોલીસ બળ જૂથ-4 પાવડી ખાતે પોલીસ આવાસોનું બાંધકામ

માર્ગ અને મકાન વિભાગ
• સાવલી-ટિમ્બા રોડ (38 કિ.મી.)નો ચારપટ્ટી માર્ગ
• પોર-કાયાવરોડણ-સાધલી રોડ (21.6 કિ.મી.) 7થી 10 મીટર પહોળા કરવાનો પ્રોજેક્ટ
• જરોદ-સમલાયા-સાવલી રોડ (17.7 કિ.મી.) 5.5થી 10 મીટર પહોળા કરવાનો પ્રોજેક્ટ
• ડભોઈ-બોડેલી રોડ પર ચારપટ્ટી રેલવે ઓવરબ્રિજ (780 મીટર)
• પડમાલા-રાણોલી રોડ પર પુલ નિર્માણ (254 મીટર)
• બાલાસિનોર AMRUT 2.0 અંતર્ગત પાણી પુરવઠા અને ગટર યોજના (ફેઝ-2)

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ
• દાહોદ નગરપાલિકા બિલ્ડિંગ
• આદિવાસી મ્યુઝિયમ • સ્માર્ટ લાઇબ્રેરી • સ્માર્ટ પ્રાથમિક શાળા. • ટ્રક ટર્મિનલ અને ડોરમેટરી • દૂધમતી રિવરફ્રન્ટ • ESR અને GSR પ્રોજેક્ટ • સ્મશાન ગૃહ • માર્ગ સુધારણા • સિવરેજ હાઉસ કનેક્શન ચેમ્બર • સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં ફૂટબોલ ગ્રાઉન્ડ, રનિંગ ટ્રેક, RCC રોડ, ટેનિસ કોર્ટ • પ્રાણી આશ્રય

મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વિવિધ વિકાસ કામોથી આ વિસ્તારના વિકાસને વેગ મળવા સાથે જનસુવિધા અને જનસુખાકારીમાં વધારો થશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 602

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *