હોસ્ટેલ ડીનની ફરિયાદના આધારે તાત્કાલિક ધોરણે સીસીટીવી ફૂટેજ ચેક કરીને કાર્યવાહી કરાઇ
ગાંધીનગરની મેડિકલ કોલેજમાં બનેલા રેગિંગના ગંભીર બનાવ અંગે તબીબી શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, આ મેડિકલ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતાં સાત વિદ્યાર્થીઓ અને બીજા વર્ષના અન્ય વિદ્યાર્થીઓ સાથે મળીને પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને હેરાન કરી માનસિક ત્રાસ આપતા હતા. જેની ફરિયાદ થતાં તાત્કાલિક ધોરણે તપાસ કરીને આ ઘટનામાં સામેલ ત્રીજા વર્ષના સાત વિદ્યાર્થીઓને ૨ વર્ષ માટે તેમજ બીજા વર્ષના અન્ય વિદ્યાર્થીઓને છ માસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
તબીબી શિક્ષણ મંત્રીશ્રીએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, આ કોલેજના હોસ્ટેલ ડીનને રેગિંગની ફરિયાદ મળતા તાત્કાલિક ધોરણે સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ કરવામાં આવ્યા હતા. જેમાં ત્રીજા વર્ષના સાત વિદ્યાર્થીઓ અને અન્ય બીજા વર્ષના વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ષના વિદ્યાર્થી સાથે અસામાજિક અને અનૈતિક વર્તન કર્યું હતું. જેથી તમામ કસૂરવાર વિદ્યાર્થીઓને બે વર્ષ માટે અને બાકીના વિદ્યાર્થીઓને છ મહિના માટે સસ્પેન્ડ કરી પોતાનું વર્તન સુધારવાની કડક શબ્દોમાં તાકીદ કરવામાં આવી છે.
તબીબી શિક્ષણ મંત્રીશ્રી પાનશેરિયાએ વિદ્યાર્થીઓને વિનંતી કરતાં કહ્યું હતું કે, તમે તમારા માતા-પિતાના સ્વપ્નને સાકાર કરવા માટે અભ્યાસ કરવા આવો છો, ત્યારે તમારા દ્વારા કોઇને પણ હેરાનગતિ કે દુઃખ પહોંચાડવું જોઇએ નહીં. તમારા દ્વારા કોઇને ત્રાસ આપવામાં આવે તે યોગ્ય નથી. તમને એક સન્માનિત ડોક્ટર બનવા જઇ રહ્યા છો ત્યારે માનવતા પણ તમારામાં હોવી જોઇએ તો જ તમે સાચી સેવા કરી શક્શો.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે, અન્ય કોલેજોની અંદર પણ આવો બનાવ ન બનવો જોઈએ. જો રાજ્ય સરકારને એક પણ નાની એવી ફરિયાદ મળશે તો ચોક્કસ તેના પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે જેની તમારી કારકિર્દી પર પણ અસર થશે. મંત્રીશ્રીએ કહ્યું હતું કે, અન્ય વિદ્યાર્થીઓને ત્રાસ આપવાથી ઘણીવાર તો વિદ્યાર્થી આત્મહત્યા સુધીનું પગલું ભરે છે. ૧૮ થી ૨૦ વર્ષના કુમણા યુવાનોમાં વધારે વિચાર કે વધારે સહન શક્તિ હોતી નથી માટે કોઈનો લાડક વાયો છીનવાય અને તમારી કારકિર્દી પૂર્ણ ન થાય તે બાબતે તમામ વિદ્યાર્થીઓને ખૂબ કાળજી રાખવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.















