ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત રાજનગર પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દાતા તથા તેમનાં પરિવારજનો સહિત શાળા વ્યવસ્થાપન સમિતિનાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.
આ પ્રસંગે શાળાનાં ભૂતપૂર્વ વિદ્યાર્થી કુલદીપસિંહ જસવંતસિંહ ચૌહાણ દ્વારા શાળાનાં તમામ બાળકો માટે 1200 જેટલી નોટબુક તેમજ પેન પેન્સિલનું દાન આપવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે રાજનગર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી સુરતમાં પોતાનો વ્યવસાય કરતાં કુલદીપસિંહ જસવંતસિંહ ચૌહાણ છેલ્લાં 10 વર્ષથી શાળાનાં તમામ બાળકો માટે આજ મુજબની દાનની સરવાણી વહાવી પોતાની શાળા પ્રત્યેનું ઋણ નિઃસ્વાર્થ ભાવે અદા કરી રહ્યા છે જે આનંદની વાત છે. આ તકે કુલદીપસિંહે જણાવ્યું હતું કે આ શાળામાં અભ્યાસ કરી હું મારો સારો બિઝનેસ કરી રહ્યો છું, જ્યાં સુધી શક્ય બનશે ત્યાં સુધી હું મારી માતૃશાળાનાં તમામ બાળકો માટે નોટબુકો સહિતની શૈક્ષણિક ચીજવસ્તુઓ આપતો રહીશ.
અંતમાં શાળાનાં આચાર્ય જતીનભાઈ પટેલે કુલદીપસિંહની સખાવતને બિરદાવી તેમનો શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કર્યો હતો. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
ભાવેશ મુલાણી, ભરૂચ.