ગોહિલવાડથી પૂ.ગરીબરામબાપુ અયોધ્યા જશે : દેશના પ્રથમ હરોળના ગણમાન્ય સાધુસંતોને પુરા આદર સાથે નિમંત્રીત કરાયા
ભાવનગર તા.29/12/2023
અયોધ્યામાં ભવ્ય શ્રી રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે જેની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી 2024ના રોજ કરવામાં આવશે. આ માટે દેશભરમાં સંતો વિવિધ મહાનુભાવોને આમંત્રણ મોકલવામાં આવી રહ્યું છે.
શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાય દ્વારા સૌરાષ્ટ્રના ભાવનગર શ્રી નાની ખોડિયાર આશ્રમ વરતેજ ખાતે બિરાજમાન ખોડિયાર પીઠાધિશ્વર એવમ મહામંડલેશ્વર 1008 પૂ.ગરીબરામ બાપુને અયોઘ્યા રામ મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. નિમંત્રણ કાર્ડ અને પત્ર ઇમેઇલ અને ત્યાર બાદ ટપાલ દ્વારા પહોંચતું કરવામાં આવ્યું છે.
ખોડિયાર પીઠાધિશ્વર એવમ મહામંડલેશ્વર 1008 પૂ.ગરીબરામ બાપુએ પોતાને નિમંત્રણ મળ્યું હોવાનું જણાવ્યું છે. તેઓ ગણમાન્ય સાધુ સંતો સાથે અયોધ્યા જશે તેમ પણ આશ્રમના સૂત્રો એ જણાવ્યું હતું.
એક જાણકારી મુજબ શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના દ્વારા વોટ્સએપ, મેઈલ અને પોસ્ટ દ્વારા આમંત્રણ મોકલાવ્યા છે. જેમાં 18 પ્રકારની કેટેગરી પાડવામાં આવી છે જેમાંથી એક કેટેગરી દેશના પ્રથમ કોટિના ગણમાન્ય સાધુસંતો છે. આથી પૂ.ગરીબરામબાપુને આમંત્રણ અપાય તે સ્વાભાવિક છે.
અયોધ્યામાં ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તાડામાર તૈયારી શરૂ થઈ ગઈ છે, મંદિરનું નિર્માણ પૂર્ણ થવાના આરે છે. પ્રધાનમંત્રી નરેદ્ર મોદી સહિત,રાષ્ટ્રીય સ્વંમસેવક સંઘના સરસંઘસંચાલક મોહન ભાગવત અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજરી આપશે.