મોડાસા ગાયત્રી પરિવાર દ્વારા ત્રિદિવસીય કથા-સત્સંગ સાથે ગુરુપૂર્ણિમા ઉત્સવ
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ભારતીય સંસ્કૃતિમાં ગુરુપૂર્ણિમા ઉત્સવનું ખૂબ જ મહત્વ ગણાય છે. ગાયત્રી પરિવાર મોડાસા છેલ્લા વીસ વર્ષથી ગુરુપૂર્ણિમા અગાઉ કથા-સત્સંગ સાથે ઉત્સવ ઉજવવામાં આવે છે. ગાયત્રી પરિવારના જનક પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીએ માનવમાત્રને શ્રેષ્ઠ માર્ગદર્શન મળે તેવા ૩૨૦૦ પુસ્તકોની રચના કરી છે. તેમાંનુ એક પુસ્તક છે “રામ કથાની પ્રબળ પ્રેરણા”.
આ પુસ્તકમાં ભગવાન રામના જીવન પ્રસંગોના પ્રેરણાદાયી પ્રસંગોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ પુસ્તક પરથી આ વખતે ગુરુપૂર્ણિમા અગાઉના ત્રણ દિવસ “રામ કથાની પ્રબળ પ્રેરણા” કથા-સત્સંગનું આયોજન કરવામાં આવ્યું. આજરોજ ૩૦ જૂન, શુક્રવારથી ગાયત્રી સંસ્કાર ધામ ખાતે આ કથાનો શુભારંભ થયો.
મુખ્ય યજમાન ચંદ્રિકાબેન પટેલના પાવનસીટી નિવાસસ્થાનથી પોથીયાત્રા નીકળી કથા સ્થાન ગાયત્રી સંસ્કાર ધામ, ગીતાંજલિ સોસાયટી પહોંચી. કથા-સત્સંગના શુભારંભમાં વિશેષ મહેમાન સોનલબેન પટેલ તથા જીજ્ઞેશભાઈ પટેલ દ્વારા દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. મુખ્ય યજમાન ચંદ્રિકાબેન પટેલ દ્વારા ભગવાન શ્રી રામનું દેવપૂજન તથા પોથી પૂજન કરવામાં આવ્યું.
કથાકાર શ્રી ચિરાગભાઈ પટેલ ( માણસા) દ્વારા સંગીતમય વાતાવરણમાં કથાનું રસપાન કરવામાં આવ્યું. જે આજ ૩૦ જૂન થી ૨ જુલાઈ ત્રણ દિવસ બપોરે ૧૨ થી ૪ આ કથા-સત્સંગ કાર્યક્રમ ચાલશે. માનવીય જીવનમાં રામકથાના પ્રેરણાદાયી પ્રસંગોનું માર્ગદર્શન સૌને મળે એવા ઉદ્દેશ્યથી આ કથાનું આયોજન કરવામાં આવેલ છે.
છેલ્લે ૩ જુલાઈ સોમવારે ગુરુપૂર્ણિમા ઉજવણી કરવામાં આવશે. જેમાં સવારે ૬ થી ૧૧ દરમિયાન ધ્યાન, ગાયત્રી મહામંત્રના સામુહિક જાપ, ગાયત્રી મહાયજ્ઞ, ગુરુ સંદેશ, મંત્ર દિક્ષા, ગુરુપૂજન ત્યારબાદ ભોજન-પ્રસાદ સાથે ગુરુપૂર્ણિમા ઉજવણી કરવામાં આવશે.
આજ “રામ કથાની પ્રબળ પ્રેરણા” કથા-સત્સંગના શુભારંભમાં મોડાસા તેમજ આસપાસના ગામથી પધારેલ ભાવિક ભક્તોએ શ્રી ચિરાગભાઈની સંગીત સાથે ગામઠી સરળ શૈલીમાં રસપાન કર્યું.