જામનગર, સંજીવ રાજપૂત: જામનગર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જામનગર જિલ્લાનો એકત્રિત વિજયાદશમી ઉત્સવ સત્ય સાઈ સ્કૂલના રમત ગમતના મેદાનમાં યોજવામાં આવ્યો હતો. જેમાં શસ્ત્ર પૂજા, સ્વાગત પ્રણામ, ધ્વજારોહણ, પ્રાર્થના, શારીરિક પ્રત્યેક્ષીક ઘોષ, નિયુધ્ધ, દંડ પ્રયોગો, વ્યાયામયોગ અને સાંઘીક ગીત અને આશીર્વચન કાર્યક્રમ યોજાયા હતા. વિજયાદશમી ઉત્સવ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલેજી, ખીજડા મંદિરના આચાર્ય શ્રી 108 કૃષ્ણમણીજી મહારાજ, રાજકોટ વિભાગના સંઘચાલક સંજીવભાઈ ઓઝા, વિભાગ કાર્યવાહ નિકુંજભાઈ ખાંટ મંચસ્થ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમના મુખ્ય અતિથી શ્રી ૫ નવતનપુરી ધામ ,ખીજડા મંદિરના આચાર્ય શ્રી 108 કૃષ્ણમણીજી મહારાજે આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે વિજયાદશની ઉત્સવ એ અસત્ય પર સત્યનો વિજય તેમજ અજ્ઞાન થી જ્ઞાન તરફ લઈ જવાનો પર્વ છે. તેની સર્વેને શુભકામનાઓ. રામનો રાવણ પર વિજય તથા રામ રાજ્યની આવશ્યકતા અને આસુરી શક્તિનો અંત અને ભગવાન રામ દ્વારા લોક કલ્યાણની ભાવનાના ઉદાહરણો આપ્યા હતા.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘએ જામવંતજી જેવું શક્તિ જાગૃત કરવાનું કાર્ય કરે છે. વસુદેવ કુટુંબકમએ ભારતીય સંસ્કૃતિના સનાતન ધર્મનું મહત્વનું અંગ છે. ત્રણ પ્રકારના હિન્દુઓ હોય છે- જેમાં એક મતાંતરીત, બીજા સનાતન પરંપરાને ભુલેલા અને કુંભકર્ણ જેવા સુતેલા સેક્યુલર હિન્દુઓ અને ત્રીજા સનાતન હિન્દુ છે. સમગ્ર વિશ્વમાં હિન્દુને ટાર્ગેટ કરવામાં આવે છે જેમકે બાંગ્લાદેશમાં રાજકીય આંદોલનમાં પણ હિન્દુઓને ટાર્ગેટ બનાવ્યા.
હિન્દુમાંથી અહિન્દુ થયેલા લોકો હિન્દુઓ પર અત્યાચાર કરે છે તેને ભ્રમિત કરે છે. હવેનો સમય હિન્દુ જાગૃતિ દ્વારા રાષ્ટ્રીય જાગૃતિનો છે, જાગૃત હિન્દૂ વિશ્વ શાંતિ માટે જરૂરી છે. શાસ્ત્ર અને શસ્ત્ર બંનેની જરૂર છે, શસ્ત્ર સુરક્ષા આપે છે જ્યારે શાસ્ત્ર બીજાનું હિત કરનારી દ્રષ્ટી આપે છે. સર્વેભવંતુ સુખીન: તેમજ વસુધૈવ કુટુંબકમ માટે સંઘ કાર્ય કરે છે. પાંડવો પાસે યુદ્ધ સમયે શ્રીકૃષ્ણ અને શિવાજી પાસે સંત રામદાસ હતા એટલે તેમનો વિજય થયો.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે જામ સાહેબની પવિત્ર ભૂમિ પર આપણે ભેગા થયા છીએ જામ સાહેબના વિચારો પણ હંમેશા લોક કલ્યાણ માટેના રહ્યા છે. સંઘના 100 વર્ષમાં હિન્દુ જાગરણના કાર્ય અને અનેક પ્રકલ્પો ચાલે છે તેના દ્વારા સમાજને સંગઠિત અને પ્રશિક્ષિત કરાય છે તેવા આશીર્વચનનો આચાર્યશ્રી કૃષ્ણમણી મહારાજે આપ્યા હતા.
વિજયા દશમી ઉત્સવ નિમિત્તે ઉપસ્થિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ દત્તાત્રેજી હોસબાલેજીએ તેમના પ્રસંગિક ઉદ્બોધન આપતા સૌને વિજયાદશમીની શુભકામનાઓ પાઠવી અને કહ્યું હતું કે અસત્ય પર સત્ય, અન્યાય પર ન્યાય, અધર્મ પર ધર્મના વિજય માટે શસ્ત્ર, શાસ્ત્ર અને ધર્મની આવશ્યકતા છે.
જ્યારે જ્યારે ધર્મની ગ્લાની થઈ ત્યારે કોઈને કોઈ વિદ્વાન, વિભૂતિ અને યોદ્ધાઓ અવતરિત થયા અને વિશ્વ શાંતિ માટે કાર્ય કર્યું. સંઘનો જન્મ પણ વિશ્વ કલ્યાણ અને શાંતિ માટે થયો છે. સંગઠન શક્તિ દ્વારા ભારત પરમ વૈભવ પ્રાપ્ત કરશે. આ શક્તિ અન્ય દેશોને ગુલામ બનાવવા માટે કે દાદાગીરી માટે નથી,
ભારતે હંમેશા વિશ્વનું કલ્યાણ જ ઇચ્છતું રહ્યું છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ભારત વિવિધતા પૂર્ણ દેશ છે, અલગ અલગ પ્રાંત, ભાષા હોવા છતાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી આપણે બધા એક છીએ સંપ્રદાય અલગ હોઈ શકે પણ આખરે તો બધા ભારતમાતાના જ સંતાન છીએ. કોઈ જમીન પર યુદ્ધથી કબજો કરવામાં આવે તો તે જમીન અન્ય કોઈની નથી થતી .
તેવી જ રીતે કોઈ વ્યક્તિ પર કબજો કરવામાં આવે તો તે તેના થઈ જાતા નથી. સંઘ એક રાષ્ટ્રીય અભિયાન છે, સંઘ કોઈ સંપ્રદાય નથી, તમામ સંપ્રદાયના લોકો તેમના સંપ્રદાયને સાથે રાખીને સંઘમાં કાર્ય કરે છે. સ્વતંત્રતા બાદ દેશ કેવો એકજૂથ અને વિકસિત હોવો જોઈએ તે પ્રકારનું લક્ષ્ય રાખીને ડો.સાહેબે સંઘ ની શરૂઆત કરી હતી અને તેજ પ્રકારનું કાર્ય સંઘ કરી રહ્યું છે. હિન્દુ ભાવ ભૂલાયો એટલે ગુલામી આવી એટલા માટે હિન્દુ ભાવ જાગૃત કરવો જરૂરી છે, જે કાર્ય સંઘ કરી રહ્યું છે. થોડા લોકો સંગઠિત થવાથી પરમ વૈભવ ના આવે પરંતુ સમાજ જ્યારે સાથે જોડાય ત્યારે ધ્યેય સિદ્ધ થાય છે તે હેતુથી સંઘના લાખો કરોડો સ્વયંસેવકો સમાજના સહકારથી કાર્યો કરે છે.
સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેજી એ સ્વજાગરણ, સમાજમાં સમરસતા, નાગરિક કર્તવ્ય, પર્યાવરણ, સ્વદેશી જીવનશૈલી, સંયુક્ત પરિવાર અને સ્વાવલંબન પર ભાર મૂક્યો હતો. દેશ આજે ચંદ્ર પર જઈ શક્યો છે અને બીજા દેશોને જરૂરિયાતોના સમયે વેક્સિન પૂરી પાડી સ્વાવલંબનનું શ્રેષ્ઠ કાર્ય કરી રહ્યો છે, ભારત દેશ જગતજનની છે. વિશ્વ કલ્યાણના વિચારને ફળીભૂત કરવા સંગઠિત થવું પડશે અને સક્ષમ બનવું પડશે. સંગઠનમાં વિશાળ શક્તિ છે, રાષ્ટ્રીય સ્વયંસેવકનું કાર્ય સંગઠિત સમાજને જાગૃત કરવાનું છે. ભારતને વિશ્વ ગુરુ બનાવવા માટે દરેક સંપ્રદાયના સમાજના લોકો તેમનું યોગદાન આપે તે જરૂરી છે.
આ કાર્યક્રમમાં આદર્શ હિન્દુ ઘર, મારા હસ્તાક્ષર મારી માતૃભાષામાં, આદર્શ ગામ કેવું હોય?,સામાજિક સમરસતા, પર્યાવરણ, સજીવ ખેતી, જામનગરના બ્રાસ ઉદ્યોગ, સંઘનો ઇતિહાસ, સેવાકીય પ્રવૃતિઓની પ્રદર્શની રાખવામાં આવી હતી.આ ઉપરાંત રાષ્ટ્રીય સાહિત્ય (પુસ્તક),સાહિત્ય ગૌ આધારિત પ્રોડક્ટ જેવી કે ફિનાઇલ, મોબાઈલ ચિપ્સ, ગોબરમાંથી બનાવેલ અલગ અલગ વસ્તુઓ, મહિલા દ્વારા ચલાવવામાં આવતા સ્વવલંબન કેન્દ્ર દ્વારા બનાવાતી વસ્તુઓ પણ કાર્યક્રમમાં રાખવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જામનગર નગર, જામનગર ગ્રામ્ય, દેવભૂમિ દ્વારકાના 200 થી વધુ ગામોમાંથી 3,900 થી વધુ સ્વયંસેવકો પૂર્ણ ગણવેશ સાથે તેમજ 3500 આમંત્રિત લોકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ કેબિનેટ મંત્રીઓ, સાંસદ સભ્ય,ધારાસભ્યો, માજી ધારાસભ્યો, ચૂંટાયેલા પ્રાંતના પ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો અને પ્રબુદ્ધ નાગરિકો,સામાજિક,ધાર્મિક આગેવાનો હાજર રહ્યા હતા.