અંબાજી, સંજીવ રાજપૂત: યાત્રાધામ અંબાજી ખાતે પી એમ આવાસ યોજના હેઠળ બનાવાયેલ શ્રી શક્તિ વસાહતના રહેવાસીઓ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત લાભાર્થીઓ દ્વારા તિરંગા યાત્રા યોજી શક્તિદ્વાર પાસે મોહનથાળની કેક કાપી એકબીજાનું મો મીઠું કરાવી પ્રધાનમંત્રીનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. શ્રી શક્તિ વસાહતના સો જેટલા આવાસો માં વસવાટ કરતા લાભાર્થીઓ આ ઉજવણીમાં જોડાયા હતા.
એક સમયે અંબાજી મંદિર પાસે ભિક્ષાવૃત્તિનું કામ કરતા લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસો ફાળવવામાં આવ્યા છે. જેને શ્રી શક્તિ વસાહત નામ આપવામાં આવ્યું છે. આ લાભાર્થીઓ ઘરવિહોણા હતા અને ભિક્ષાવૃત્તિ કરી તેમનું જીવન નિર્વાહ કરતા હતા. આ લોકોને પીએમ આવાસ યોજના હેઠળ ઘરનું ઘર આપવાની સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારની બીજી અનેક યોજનાઓનો લાભ આપવામાં આવ્યો છે. સરકારની વિવિધ યોજનાઓના લાભ થકી તેમના ઘર નું ઘર હોવાનું સ્વપ્ન સાકાર થયું છે અને તેમને ભિક્ષાવૃત્તિ માંથી મુક્તિ મળી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી પ્રત્યે આદર અને કૃતજ્ઞતાનો ભાવ દર્શાવવાના ઉદ્દેશથી શ્રી શક્તિ વસાહતના લાભાર્થીઓ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો.
જે અંતર્ગત કુંભારીયા થી અંબાજી મંદિર સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી. જેમાં બાળકો- મહિલાઓ- યુવાનો- વૃદ્ધો મોટી સંખ્યામાં જોડાયા હતા. તેમજ અંબાજી શક્તિદ્વાર પાસે મોહનથાળ ની કેક કાપી એકબીજાને મો મીઠું કરાવ્યું હતું.
દેશ અને દેશના લોકોના કલ્યાણ માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું સમર્પણ ખૂબ જ પ્રશંસા પાત્ર છે, એમ જણાવી રેલીમાં જોડાનાર લોકોએ દેશહિતના લક્ષ્યોને હાંસલ કરવા માટે મા અંબા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ ને શક્તિ આપે અને તેમનું આરોગ્ય સારુ રહે તેવી માં અંબાના ચરણોમાં પ્રાર્થના કરી જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.