ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને મેલેરિયા, ચિકનગુનિયા જેવાં રોગો અટકાવવા માટેનું નિદર્શન અને વ્યાપક જનજાગૃતિ
——
રાજ્યભર સાથે સમગ્ર ભાવનગર જિલ્લામાં પણ અત્યારે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ચાલી રહ્યો છે.
આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં વાલી, સહયોગી, શિક્ષણ તંત્ર અને બાળકો ઉપસ્થિત હોય છે.ત્યારે શિક્ષણના આ મહાયજ્ઞ સાથે આરોગ્યનું પણ શિક્ષણ આપવાનું બીડું ભાવનગર જિલ્લા આરોગ્ય તંત્રએ ઝીલ્યું છે.
આમ પણ, શિક્ષણ અને આરોગ્ય એકબીજાના પર્યાય અને પૂરક છે. ત્યારે જિલ્લા મેલેરિયા શાખા દ્વારા વિશેષ ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે. આ ઝુંબેશમાં આર.ડી.ડી. મનીષકુમાર ફેન્સી સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન આપી રહ્યાં છે.
આ ઝુંબેશ અંતર્ગત શિહોર તાલુકામાં શાળા પ્રવેશોત્સવમાં જિલ્લા મેલેરીયા અધિકારીશ્રી ડો.બી.પી. બોરીચાના સાનિધ્યમાં દેવગાણા, રબારીકા, અગીયાળી, સિહોર જગદીશ પરા શાળા નંબર-૧ અને ૬ તથા ધુપકા, ખાખરીયા તથા સિહોર અર્બનની વિવિધ શાળાઓમાં તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. ચંદ્રકાંતભાઈ કણઝરિયા અને તાલુકા હેલ્થ સુપરવાઇઝરશ્રી અનિલભાઈ પંડિત દ્વારા પોરાનું નિદર્શન, પોરા ભક્ષક માછલી નિદર્શન કરવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત મચ્છર ચોખ્ખાં પાણીમાં કેવી રીતે ઈંડા મૂકે છે, તે કેવાં હોય છે અને તેમાંથી મચ્છર કેવી રીતે બને છે, મચ્છરથી ડેન્ગ્યૂ, મલેરિયા, ચિકનગુનિયા થાય છે તે રોગચાળો મચ્છર ઉત્પત્તિ અટકાવવી અટકાવવી વગેરે અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
આ રોગચાળો અટકાવવા માટે બધાં પાણીના પાત્રોને ઢાંકીને રાખવાં, અગાસી પરથી કચર- ટાયરો દૂર કરવાં અને પાણીજન્ય રોગચાળો અટકાવવા પીવાનું પાણી ૨૦ મિનિટ સુધી ઉકાળીને પીવાથી ઝાડા, ઉલ્ટી, કોલેરા, ટાઈફોઈડ, કમળો થતો નથી તે અંગેની જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.
આ ઉપરાંત આરોગ્ય તંત્ર દ્વારા પાણીના કોઈ લીકેજ અને ભરાયેલા પાણીના નિકાલ માટે અને ભરાયેલા પાણીના નિકાલ માટે તંત્રનો સહયોગ લેવાં જાણકારી પૂરી પાડી હતી.
આમ, શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ સાથે શિક્ષણનો યજ્ઞ ચાલી રહ્યો છે તેની સાથે સાથે સમાજમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો ન ફેલાય તે માટે વ્યાપક જાગૃતિ કેળવાય તે માટે ભાવનગર આરોગ્ય તંત્ર દ્વારા ઝુંબેશ સ્વરૂપે કાર્ય કરીને જન જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.
——-
અલ્પેશ ડાભી બ્યુરો ચીફ ભાવનગર