રો- રો ફેરીના કારણે દસથી બાર કલાકનો પ્રવાસ ત્રણ કલાકમાં પૂર્ણ કરવો શક્ય બન્યું : મંત્રીશ્રી સર્બનાંદ સોનોવાલ
રિપોર્ટર:- નરેશભાઈ ડાંખરા
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વના કારણે જળમાર્ગથી પ્રવાસની સુવિધા સુગમ બની : મંત્રીશ્રી સર્બનાંદ સોનોવાલ
કેન્દ્ર સરકારના શિપીંગ, પોર્ટ્સ અને જળમાર્ગ તેમજ આયુષ મંત્રીશ્રી સર્બાનંદ સોનોવાલે આજે ભાવનગર જિલ્લાના ઘોઘા ખાતે આવી પહોંચ્યા હતા. અહીં મંત્રીશ્રીએ ભાવનગર જિલ્લાના ઘોઘા અને સુરત જિલ્લાના હઝીરા વચ્ચે ચાલતી રો-રો ફેરીની મુલાકાત લીધી હતી.
ફેરીના ટર્મિનલ પર મંત્રીશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સૌરઊર્જા સંચાલિત આ ફેરીની વિવિધ ખાસિયતો વિશે મંત્રીશ્રીએ જાણકારી મેળવી હતી. પ્રવાસીઓ માટેની વિવિધ શ્રેણીની બેઠક વ્યવસ્થા, સ્લીપર કેબિન, લાઉન્જ અને કેફેટેરિયા સહિતની સુવિધાઓ વિશે પણ મંત્રીશ્રીએ માહિતી મેળવી હતી.
આ સુવિધાઓ અંગે પ્રતિક્રિયા આપતા મંત્રીશ્રી સોનોવાલે કહ્યું હતું કે ભારતમાં સમુદ્રીય જળમાર્ગો અને આંતરિક જળમાર્ગોને વધુ સુવિધાસભર બનાવવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે. સડકમાર્ગ થી ઘોઘાથી હઝીરા વચ્ચેનું અંતર દસથી બાર કલાક થાય છે, પરંતુ આ ઇકોફ્રેન્ડલી ફેરીના કારણે આ અંતર માત્ર ત્રણ કલાકમાં કાપી શકાય છે. આ ફેરી દ્વારા ગુજરાતના લોકો સુવિધાપૂર્ણ રીતે પ્રવાસ કરી શકે અને તેમના સમયની બચત થાય છે. તેથી આ ફેરી ગુજરાતના લોકોને મળેલી વિશિષ્ટ ભેટ સમાન છે.
આ મુલાકાતમાં કેન્દ્રીય મંત્રીશ્રી ઉપરાંત શ્રીમતી ડો ભારતીબેન શિયાળ (સાંસદશ્રી ભાવનગર), ડૉ. સંજીવ રંજન (IAS) (સચિવ, શિપિંગ), શ્રી રાજેશ કુમાર સિંહા, (અધિક સચિવ શિપિંગ), શ્રી ભૂષણ કુમાર, (સંયુક્ત સચિવ, શિપિંગ), શ્રી રાજીવ જલોટા (ચેરમેન,IPA), શ્રી સુજીત કુમાર, (IAS) (મંત્રીશ્રીના PS), શ્રી યોગેશ નીરગુડે (IAS) (કલેકટરશ્રી ભાવનગર), શ્રી રવીન્દ્ર પટેલ (IPS) (જિલ્લા પોલીસ અધિક્ષક, ભાવનગર), શ્રી એસ.કે.મહેતા (IFS) (અધ્યક્ષ,DPA), શ્રી નંદીશ શુક્લા (IRTS) (ઉપાધ્યક્ષ DPA), નેશનલ શિપિંગ બોર્ડના સભ્ય શ્રી રાહુલ મોદી સહિતના અન્ય વરિષ્ઠ મહાનુભાવોએ આ સુવિધાની મુલાકાત લીધી હતી.