વિસનગર, સંજીવ રાજપૂત: અડેરણ તા. દાંતા ના વતની 60 વર્ષીય પ્રવીણભાઈ બાબુલાલ મોદીને 6 મહિના અગાઉ ચાલવાની તકલીફ થઈ ક્રમશ હાથ પગના હલન-ચલનની ક્રિયા લગભગ બંધ થઇ ગઇ હતી. તકલીફ વધતા ચાલી ન શકાય, શર્ટના બટન બંધ ન કરી શકાય, હાથ જુઠો પડવો,જાતે જમી ન શકાય, પેશાબ તૂટક તૂટક થવો જેવી તકલીફ થઈ હતી.
મહેસાણા,હિંમતનગર , પાલનપુર વિવિધ હોસ્પિટલમાં નિદાન અર્થે ગયા બાદ પણ સ્થિતિમાં સુધાર જોવા મળી રહ્યો ન હતો અને દિવસે દિવસે હાલત વધુ બગડતી જતી હતી.દોઢેક લાખ જેટલો ખર્ચો પણ થયો હતો. અંતે પ્રવીણભાઈ ને તા. 06-09-24 ના રોજ નૂતન હોસ્પિટલ વિસનગરમાં સારવાર અર્થે વ્હીલચેરમાં લાવવામાં આવ્યા હતા .
ઉત્તર ગુજરાતમાં વર્ષોથી ઇમરજન્સી સહિતની અધતન સારવાર માટે વિખ્યાત નૂતન જનરલ હોસ્પિટલના નિષ્ણાંત ઓર્થોપેડિક તબીબોની ટીમે દર્દીની તપાસ હાથ ધરી.
નૂતન હોસ્પિટલના સ્પાઇન સર્જન અને અમદાવાદ સિવિલ હોસ્પિટલના પૂર્વ સુપ્રીટેન્ડન્ટ ડૉ. જે.વી.મોદી અને તેમની ટીમે MRI થકી સર્જરી જ વિકલ્પ હોઈ તા. 13-0924 ના રોજ પ્રવીણભાઈની સર્જરી હાથ ધરી.
અમદાવાદ સિવિલમાં અનેક જરૂરિયાતમંદ અને પીડીત દર્દીઓની સફળ સ્પાઇન અને ઓર્થોપેડિક સર્જરી કરીને પોતાની તબીબી નિપૂણતાથી અગણ્ય દર્દીઓને નવજીવન આપનારા ડૉ. જે.વી.મોદીએ ફરી એક વખત પોતાની તબીબી નિપૂણતા અને કોઠા સુઝના પરિણામે પેરાલિસીસ થઇ ગયેલ પ્રવીણભાઈ ની સર્જરી હાથ ધરીને તેને નવજીવન બક્ષ્યું છે.
ડૉ. જે.વી.મોદીએ નૂતન હોસ્પિટલના ડૉ. ધ્વનિત દેસાઈ( સ્પાઇન સર્જન) તથા ઓર્થોપેડિક ડૉકટર્સ ટીમના સહયોગથી દર્દીના કરોડરજ્જુના ભાગમા ગંભીર તકલીફનું નિદાન કરીને લેટેસ્ટ મિઝોનિક્સ ટેક્નોલોજી સ્પાઈન સર્જરી હાથ ધરી. સફળ સર્જરીના પરિણામે આજે પ્રવીણભાઈ ના હાથ પગનું હલન-ચલન પૂર્વવત બન્યું છે અને પોતાની રોજીંદી ક્રિયાઓ પૂર્વવત કરી શકે છે.
દર્દી સંપૂર્ણ સ્વસ્થ થતાં તા. 18 -09 -24 ના રોજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ખાનગી હોસ્પિટલમાં અંદાજીત 2.00 લાખના ખર્ચે થતુ ઓપરેશન નૂતન હોસ્પિટલમાં સરકારી યોજના હેઠળ સંપૂર્ણપણે વિના મૂલ્યે ઉપલબ્ધ બન્યું. પ્રવીણભાઈની શારિરીક સ્થિતિ પૂર્વવત બનતા તેમના પરિવારજનોએ સંસ્થાના પ્રેસિડેન્ટ પ્રકાશભાઇ પટેલ અને ટ્રસ્ટીગણ સહિત સરકારનો હ્યદયપૂર્વક આભાર માન્યો હતો.