જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વે ત્રિરંગાને સલામી આપી પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા
સૌ સાથે મળીને ‘વિકસિત ભારત’ ના નિર્માણ માટે ‘વિકસિત ગુજરાત’ના સંકલ્પને સાકાર કરવામાં આપણું શ્રેષ્ઠ યોગદાન આપીએ
ઉન્નતિની નવી દિશામાં જઈ રહેલો આપણો દેશ વિકાસ અને રાષ્ટ્રવાદની ખરી અનુભૂતિ કરી રહ્યો છે
શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા
શિક્ષણમંત્રીએ પરેડનું નિરીક્ષણ કર્યું: વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરાયા
ઉમરપાડા તાલુકાના વિકાસ માટે શિક્ષણમંત્રીના હસ્તે રૂ.૨૫ લાખનો ચેક જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીને અર્પણ
સુરતઃરવિવાર:- રાષ્ટ્રની આન, બાન અને શાન સમા -૨૬મી જાન્યુ- ૭૬મા પ્રજાસત્તાક પર્વની સુરત જિલ્લાકક્ષાની ઉજવણી ઉમરપાડા તાલુકાના વાડી સૈનિક સ્કૂલ ખાતે શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. મંત્રીશ્રીએ પરેડનું નિરીક્ષણ અને ત્રિરંગાને સલામી આપી પ્રજાસત્તાક પર્વની સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.
દેશભક્તિના ઉમંગભર્યા માહોલમાં થયેલી ઉજવણી દરમિયાન મંત્રીશ્રીએ સ્થાનિક નગરજનો, વિદ્યાર્થીઓનું અભિવાદન ઝીલ્યું હતું. ઉમરપાડા તાલુકાના વિકાસ માટે રૂ.૨૫ લાખનો ચેક મંત્રીશ્રીના હસ્તે જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીને એનાયત કરાયો હતો.
આ પ્રસંગે શિક્ષણમંત્રીશ્રીએ આઝાદીની લડાઈમાં યોગદાન આપનારા સ્વાતંત્ર્યસેનાનીઓ, ક્રાંતિકારીઓ અને બંધારણના ઘડવૈયાઓનું સ્મરણ કરતાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, લોખંડી પુરૂષ અને દેશને એકતાના તાંતણે બાંધનાર સરદાર વલ્લભભાઈ પટેલ, બંધારણ ઘડવૈયા, શહીદ ભગતસિંહ, સુખદેવ, રાજગુરૂ જેવા નામી-અનામી વીરલાઓએ રાષ્ટ્રના આઝાદી, સાર્વભૌમત્વ અને રાષ્ટ્રનિર્માણનો પાયો નાંખ્યો હતો. પ્રજાસત્તાક પર્વે દેશના નાગરિકોને રાષ્ટ્રના વિકાસ, એકતા અને સમરસતાના યજ્ઞમાં યોગદાન આપવાનું આહવાન કરતા તેમણે કહ્યું કે, દેશ આજે ઉન્નતિની નવી દિશામાં જઈ રહ્યો છે. ભારત વિકાસ અને રાષ્ટ્રવાદની ખરી અનુભૂતિ કરી રહ્યો છે.
આવનારી પેઢીને સ્વસ્થ બનાવવા માટે પ્રાકૃતિક ખેતીની આહલેક સાથે ગુજરાત દેશમાં લીડ લઈ રહ્યું છે જે બદલ ખેડૂતો, કૃષિ વિભાગના અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા.
આઝાદીના અમૃતકાળને કર્તવ્યકાળમાં પરિવર્તિત કરવા આપણે સૌ સાથે મળીને ‘વિકસિત ભારત’ ના નિર્માણ માટે ‘વિકસિત ગુજરાત’ના સંકલ્પને સાકાર કરવામાં આપણું શ્રેષ્ઠ યોગદાન આપીએ એવી તેમણે સૌને પ્રેરણા આપી હતી.
ભારતીય બંધારણની મહાનતા, લોકશાહી મૂલ્યોની જાળવણી અને રાષ્ટ્રવંદના સમાન આ ઉજવણીના પાવન અવસરે તેમણે કહ્યું કે, પ્રજાસત્તાક પર્વ ભારતની લોકશાહીના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું પ્રતિક છે. ડો.બાબાસાહેબ આંબેડકરના સામાજિક સમરસતાના વિઝનથી દેશનું બંધારણ આકાર પામ્યું જેથી આજે દેશનો જનજન આગવા બંધારણીય અધિકારો થકી લોકશાહીની મુક્ત હવામાં શ્વાસ લઈ રહ્યો છે.
આજના યુવાનોને ડ્રગ્સ, આલ્કોહોલ સહિતના વ્યસનોથી દૂર રહીને રાષ્ટ્રની સમૃધ્ધિ માટે કર્મ કરવાની શીખ આપી ઉમેર્યું કે,યુવાનો પર રાષ્ટ્રની પ્રગતિનો આધાર રહેલો હોય છે. પ્રત્યેક વાસીઓ એકતા સૂત્રમાં પરોવાઈ એક ડગલું આગળ વધે તો દેશ ૧૨૫ કરોડ ડગલાઓ આગળ વધશે.
આ અવસરે ગુજરાતની શાંતિ અને સુરક્ષા માટે સદાય તત્પર રહેનાર નિષ્ઠાવાન પોલીસ અધિકારીઓ, કર્મીઓ અને વિવિધ ક્ષેત્રમાં સરાહનીય સેવાઓ આપનાર કર્મયોગીઓની વિશિષ્ટ સેવાઓ બદલ પ્રશસ્તિપત્ર આપી પ્રોત્સાહિત કર્યાં હતા.
આ વેળાએ પોલીસ બેન્ડની મધુર સુરાવલિઓની ધૂન વચ્ચે પોલીસ સહિત અન્ય સુરક્ષા જવાનોની પરેડને સૌએ નિહાળી હતી. શાળાઓના બાળકોની રાષ્ટ્રભક્તિથી તરબોળ સાંસ્કૃતિક નૃત્ય પ્રસ્તુતિઓઓએ સૌના મન મોહી લીધા હતા. વિવિધ વિભાગોના ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું હતું.
આ પ્રસંગે હોમગાર્ડ્ઝ, એન.સી.સી., સ્કાઉટ ગાઇડ, મહિલા વગેરે પ્લાટુનની શિસ્તબદ્ધ પરેડ યોજાઈ હતી. કાર્યક્રમના અંતે મંત્રીશ્રી તથા અન્ય મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય ગણપતભાઈ વસાવા, જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી શિવાની ગોયલ, જિલ્લા પોલીસ વડાશ્રી હિતેશ જોઇસર, જિલ્લા પંચાયત અને તા.પંચાયતના પદાધિકારીઓ, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.