Latest

રાજ્યપાલના હસ્તે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, ઉના અને સહજાનંદ ધામનું ભૂમિપૂજન તેમજ શિલાન્યાસ કરાયું

ગીર સોમનાથ, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગીર-સોમનાથ જિલ્લાના ઉના ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાનની નૂતન શાખા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, ઉના તેમજ સહજાનંદ ધામનું ભૂમિપૂજન તેમજ શિલાન્યાસ કર્યું હતું.

રાજ્યપાલએ કહ્યું કે, ગુરૂકુળ દ્વારા સમાજને સંસ્કારી અને શિક્ષિત-દીક્ષિત બનાવવાનું કાર્ય કરવામાં આવે છે. જે પરંપરાનું હું નિર્વહન કરું છું તેવી ગુરુકુળ પરંપરાને આગળ ધપાવતાં આજે રાજ્યમાં 61મા ગુરૂકુળની સ્થાપના થઈ છે તેનો તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે, આજના ભોગવાદના જમાનામાં લોકો ‘ખાધું, પીધું અને મોજ કર્યું’ માં માને છે ત્યારે સમાજ માટે જીવન સમર્પિત કરનાર સાધુ-સંતો ગુરૂકુળની સ્થાપના દ્વારા ભવ્ય ભારતના દિવ્ય બાળકોના નિર્માણ માટે કાર્ય કરી રહ્યાં છે. ગુરૂકુળ એ બે-ચાર બાળકોનું ઘર નથી એ તો અનેક બાળકોના ઘડતરનું કેન્દ્ર છે. સૂર્ય અને પ્રકાશ જે રીતે તમામ લોકોને અજવાળે છે. તે જ રીતે સાધુ-સંતો નૂતન ગુરૂકુળના નિર્માણ દ્વારા સમગ્ર સમાજને પ્રકાશિત કરવાનું કાર્ય કરી રહ્યાં છે.

પ્રકૃતિની ગોદમાં ગુરૂકુળ સ્થાપિત એટલા માટે જ કરવામાં આવતા હતાં કારણ કે, ત્યાં પવિત્રતા હોય છે. જ્યાં બાળકોને શિક્ષિત, દીક્ષિત, બળવાન અને વિદ્યાવાન બનાવવામાં આવતાં હતાં. એટલે જ, પ્રાચિન કાળમાં ગુરૂકુળનું વિશેષ મહત્વ રહેતું હતું, વિદ્યાના દાનને ભારતીય પરંપરામાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. જે જ્ઞાન મેળવે છે તે પોતાના નામની સાથે સમગ્ર સમાજ, રાજ્ય સાથે દેશનું નામ પણ ઉજ્જવળ બનાવે છે.

શાસ્ત્રી સ્વામીએ આઝાદીકાળમાં ગલીએ ગલીએ ઘૂમીને આ સંસ્કારોને સમાજમાં સ્થાપિત કર્યાં હતાં. રાજકોટ ગુરૂકુળની સ્થાપના કરી તેના બીજ રોપ્યાં હતાં અને વર્તમાનમાં દેવકૃષ્ણ સ્વામી, દેવપ્રસાદજી સ્વામી અને ધર્મજીવન સ્વામી તેને આગળ ધપાવતા આજે 61માં ગુરૂકુળની સ્થાપના થઈ છે. તેનો આનંદ તેમણે વ્યક્ત કર્યો હતો.

ભારતીય ઋષિ પરંપરામાં ધર્મ, અર્થ અને કામ દ્વારા મોક્ષપ્રાપ્તિનો જે માર્ગ બતાવ્યો છે. તે પથ પર આગળ વધી સંતો જીવનને સાચા અર્થમાં શુદ્ધ, સાત્વિક અને સાર્થક બનાવે છે. રાજ્યપાલએ જણાવ્યું હતું કે, જીવનમાં બે વિદ્યા છે. અપરાવિદ્યા અને પરાવિદ્યા, અપરાવિદ્યા માત્ર જીવનમાં સુખી થવાનો માર્ગ બતાવે છે. જ્યારે પરાવિદ્યા જીવનમાં સાચા અર્થમાં ધર્માત્મા અને જિતેન્દ્રીયય બનાવે છે. આવા સૌના કલ્યાણની ભાવનાવાળો જીવ જ વિશ્વાત્મા બની શકે છે.

તેમણે જણાવ્યું કે, શરીર દેખાય છે. તેથી સત્ય છે અને આત્મા દેખાતો નથી તેથી તે સત્ય નથી. તેવા ભાવ વચ્ચે સાચા અર્થમાં આ પરમતત્વને જાણવાનો માર્ગ આદ્યાત્મ પ્રશસ્ત કરે છે. આ આત્મા સમાજમાં રહેલા પરમાત્માને ઓળખી તેની સાથે અનુસંધાન કરે તો સમાજના તમામ દ્વંદ્ધ આપોઆપ ધ્વસ્ત થઈ જાય. ગુરૂકુળની સદવિદ્યાના પરિણામે આજે આ સંસ્થામાં અભ્યાસ કરેલા અનેક વિદ્યાર્થીઓ પોતે ઉપાર્જન કરેલા ધનનો આ નવા ગુરુકુળના નિર્માણ માટે ઉપયોગ કરી રહ્યાં છે. તે આનંદની વાત છે. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

રાજ્યપાલએ આ અવસરે ઉપસ્થિત પ્રાકૃતિક કૃષિકારોને સંબોધતાં જણાવ્યું હતું કે, તેમણે સૌ પ્રથમવાર નિલકંઠધામમાં પ્રાકૃતિક કૃષિનો સેમિનાર કર્યો હતો. ત્યારથી સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા સંસ્થાનો સાથે અનુબંધ જોડાયો છે. કૃષિમાં એકદાણો નાખીએ તો તે અનેકગણા કરી પરત આપે છે. આપણે કૃષિને વિવિધ રસાયણો અને ખાતરોથી પ્રદૂષિત બનાવી દીધી છે. ત્યારે તેમાંથી શુદ્ધ અને સાત્વિક ખોરાકની આશા રાખી શકીએ નહીં.

જેવો અન્ન એવો ઓડકારના ન્યાયે સાત્વિક અને પોષણયુક્ત આહાર માટે તે પ્રકારની જમીન પણ જોઈએ. આ પ્રકારની જમીનનું નિર્માણ ફક્ત પ્રાકૃતિક કૃષિના સથવારે જ કરી શકીશું. આવનારી પેઢીને સશક્ત અને બળવાન બનાવવા માટે પોષણયુક્ત આહાર પ્રાકૃતિક કૃષિથી નીપજેલા ધનધાન્ય દ્વારા જ આપી શકાય છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, યુરિયા, ડીએપી અને જંતુનાશક દવાઓથી આપણે ધરતીને ઝેરી અને બીનઉપજાઉ બનાવી દીધી છે. પ્રાકૃતિક કૃષિના અભિયાનથી રાજ્યમાં 9.75 લાખ લોકો પ્રાકૃતિક કૃષિના અભિયાન સાથે જોડાયા છે. આ એક એવું અભિયાન છે. જેમાં કામ એક છે પરંતુ તેના લાભ અનેક છે. ત્યારે પ્રાકૃતિક કૃષિની દિશામાં વળવું એ અત્યંત આવશ્યક બની ગયું છે.

શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગુરુકુળ પરંપરા અને ગુરુકુળ જ્ઞાન પરબ, જ્ઞાન યજ્ઞથી અનેક વિદ્યાર્થીઓના કલ્યાણનો માર્ગ બન્યો છે. ગુરુકુળ વિદ્યાનું સ્થાન બની સત્યતા અને વ્યસન મુક્તિ સાથે મૂલ્યનિષ્ઠ શિક્ષણ આપીને રાષ્ટ્ર સેવાનું મોટું કાર્ય કરી રહ્યા છે. શિક્ષણથી જીવનમાં નમ્રતા અને ગુણવત્તા આવે છે. જેને ધ્યાનમાં રાખીને ધોરણ છ થી અભ્યાસક્રમમાં ગીતાના પાઠનો સમાવેશ કરી ધર્મશિક્ષણને પણ સામેલ કર્યું છે. શાસ્ત્રીજી મહારાજે 61મા ગુરુકુળનું સ્થાપન કરીને પ્રેમ, સદભાવ અને કરુણાના ભાવ સાથે રાષ્ટ્રનિર્માણનો ભગીરથ યજ્ઞ આદર્યો છે. ભારતીય સંસ્કૃતિના મૂલ્યો સ્થાપિત કરવા ગુરૂકુળની વૈદિક પરંપરા આજના સમયમાં ખૂબ જ ઉપયોગી છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

દેવપ્રકાશ સ્વામીએ કર્મભક્તિ, નિષ્કામ કર્મ અને કર્મજ્ઞાનની વિભાવના રજૂ કરતા ઉના ખાતે સ્વામિનારાયણ ગુરૂકુળ જલ્દી જ કાર્યરત થાય એવી શુભેચ્છા વ્યક્ત કરી હતી

સ્વામિનારાયણ ગુરૂકુળના નિર્માણ માટે મહત્વપૂર્ણ યોગદાન આપનાર રાકેશભાઈ દૂધાતે આ અવસરે જણાવ્યું હતું કે, માતૃભૂમિ અને માતાનું સ્થાન સ્વર્ગથી પણ વધુ હોય છે. માતૃસ્થાન પર આવા સ્થાનના નિર્માણ માટે સહભાગી થવાનો આનંદ છે. તેમણે આ અંગે જણાવ્યું કે, સૃષ્ટિ પાસેથી જે મળ્યું છે, તેનો શેષભાગ વાપરવો જ જોઈએ. અન્ય ભગવાનનું છે એમ માની સમાજને સમર્પિત કરવું જોઈએ.

આ તકે, સહજાનંદધામ અને ગુરૂકૂળના બાંધકામ-નિર્માણમાં સહયોગ આપનાર તમામ શ્રેષ્ઠીઓનું રાજ્યપાલ અને સંતો-મહંતોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

આ અવસરે ગુજરાત વિધાનસભાના નાયક દંડક કૌશિકભાઈ વેકરિયા, ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ, અગ્રણી મહેન્દ્રભાઈ પીઠિયા, સ્વામી સર્વ માધવદાસજી, જ્ઞાનસ્વરૂપદાસજી, કૃષ્ણપ્રિયદાસજી, દેવકૃષ્ણદાસજી, ધર્મવલ્લભદાસજી, ધર્મજીવનદાસજી સહિત સંતો-મહંતો અને હરિભક્તો તેમજ દાતા ઈશ્વરભાઈ ધોળકિયા સહિતના ઉદ્યોગપતિઓ અને મોટી સંખ્યામાં ઉનાના નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

તપાસ નો ધમધમાટ શરૂ: રૂ.3:38 લાખ ના સીસી રોડ ના કામ માં ભ્રસ્ટાચાર બાબતે થયેલ છે ગાંધીનગર લેખિતમાં રજુઆત

એબીએનએસ, રાધનપુર: રાધનપુરના રહેણાંક વિસ્તારો વિકાસ થી વંચીત રાખી બિલ્ડરો ને…

રાજ્યકક્ષાના શિક્ષણમંત્રીના અધ્યક્ષસ્થાને વલસાડના ધરમપુર ખાતે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ

વલસાડ, સંજીવ રાજપૂત: આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે…

1 of 562

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *