અંબાજી, સંજીવ રાજપૂત: વિશ્વ પ્રસિદ્ધ ભાદરવી પૂનમના મેળામાં દેશના ખૂણે ખૂણેથી લોકો મા ના દર્શન કરવા આવતા હોય છે. મા ના દર્શનનો લહાવો લેવો અદભુત છે.
દૂર દૂરથી મેળામાં આવતાં પદયાત્રીઓ પોતે મા ની પાસે માનતા રાખતા હોય છે. પોતાની ઈચ્છાઓ પૂરી થતાં તેઓ પગપાળા માં ના ધામે દર્શન કરી ધન્યતાનો અનુભવ કરતા હોય છે.
આ પદયાત્રીઓ મા ના દર્શન અર્થે આવતા હોય ત્યારે તેમના આરોગ્યની દરકાર ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેની સૂચના અને માર્ગદર્શન હેઠળ આ પદયાત્રીઓની સેવા માટે મેળામાં વિવિધ સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા ૨૬ કેમ્પો બનાવવામાં આવ્યા છે.
જેમાં પગપાળા આવતા પદયાત્રીઓ, બસ કે મીની બસોમાં આવતા યાત્રીઓને સ્વાસ્થ્યને લગતી સેવા આપવામાં આવી રહી છે. આ કેમ્પમાં સમયસર દવાઓ મળી રહે તે માટે ૪ ડ્રગ રીફલિંગ વેન પણ કાર્યરત છે.
આ સેવા કેમ્પનો લાભ લઇ રહેલા અનુપસિંહ પરમારે જણાવ્યું હતું કે માતાજીના દર્શન કરીને પાછો આવી રહ્યો હતો ત્યારે મને માથામાં દુખાવો થઈ રહ્યો હતો ત્યારે આરોગ્ય વિભાગમાંથી દવા મળી તે લેવાથી મને સારું છે. તે માટે આરોગ્ય વિભાગનો ખુબ આભાર માનું છું.
આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા ડૉ. જીગ્નેશ ચૌધરીએ જણાવ્યું હતું કે અહી આવતા લાભાર્થીઓ સમયસર સેવા આપવામાં આવી રહી છે. અહી લાભાર્થીઓ સમયસર ઓપીડી મળી રહે છે. અહી કેમ્પમાં સમયસર આરોગ્યલક્ષી સારવાર આપવામાં આવી રહી છે.
જોગાનુજોગ આજે 25 મી સપ્ટેમ્બર ને વિશ્વ ફાર્મસી દિવસ પણ છે. ત્યારે આરોગ્યની સુખાકારી માટેના હેતુઓને ધ્યાનમાં રાખી માઈ ભક્તોની સેવામાં આરોગ્ય તંત્ર ખડેપગે સેવાઓ આપી રહ્યું છે.