પાલનપુર, સંજીવ રાજપૂત: સમગ્ર રાજ્યમાં 26 મી જૂનથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ શરૂ થયો છે. શાળાઓ બાળકોની કીકીયારીઓથી ગુંજી ઉઠી છે. નવા શૈક્ષણિક સત્રના પ્રારંભથી વિદ્યાર્થીઓ મન લગાવી અભ્યાસમાં પરોવાઈ રહ્યા છે. શિક્ષક અને વિદ્યાર્થીઓનો સંબંધ પ્રાચીન પરંપરાથી અવર્ણનિય રહ્યો છે. વિદ્યાર્થીના સંકટ સમયમાં ગુરુએ પોતાની ફરજ અદા કરી હોય, કે ગુરુના જ્ઞાનથી સફળતા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીએ પોતાના ગુરુ નું ઋણ અદા કર્યું હોય એવું આપણી આસપાસ બનતુંહોય છે અને સમાચારોમાં ચમકતું હોય છે. આવા જ એક કિસ્સામાં ગુરુએ ગરીબ ઘરની વિદ્યાર્થીનીઓની ચિંતા કરી એક સાચા શિક્ષક તરીકેની જવાબદારી નિભાવી છે.
પાલનપુર નજીક ચડોતર ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી હેમાભાઈ પરમારે ગરીબ દીકરીઓ માટે એક બાપની ગરજ સારે એવું કામ કરી વિદ્યાર્થીઓમાં તેમજ ગામમાં અનેરું માન મેળવ્યું છે. સમગ્ર ગુજરાતમાં રાજકોટ ખાતે બનેલ ગેમિંગ ઝોન દુર્ઘટનાને લીધે શાળા ટ્રાન્સપોર્ટશન બંધ હોવાથી શાળામાં અભ્યાસ અર્થે દૂરથી આવતી, મા બાપ વિહોણી, તેમજ અતિ ગરીબ પરિવારની દીકરીઓને શાળા આવવા માટે કંઈક વ્યવસ્થા કરવાનો વિચાર શિક્ષક હેમાભાઈ પરમાર અને લોકમિત્ર ફારુક ભાઈને આવ્યો હતો.
આથી હેમભાઈ અને ફારૂકભાઈ પૂજ્ય મોરારી બાપુના આર્શીવાદથી આરતી મહિલા વિકાસ સંઘ , અમદાવાદ પ્રેરિત સાયકલ વિતરણ અભિયાન અંતર્ગત દાતાશ્રીઓની મદદ થકી રૂપિયા 60 હાજરની કિંમતે 10 સાયકલ લાવીને શાળા પ્રવેશોત્સવ- કન્યા કેળવણી મહોત્સવ પ્રસંગે 10 દીકરીઓને સાયકલ અપાવી તેમની તકલીફનું નિવારણ લાવ્યું હતું. શિક્ષક હેમાભાઈ પરમારના આ કાર્યથી ગરીબ દિકરીઓમાં ખુશી ફેલાઈ હતી. તેમજ ગ્રામજનોએ પણ તેમની વિદ્યાર્થીઓ પ્રત્યેની ભાવનાને બિરદાવી હતી.