ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જાહેર સમારંભો તથા વિવિધ પ્રવાસ-મુલાકાતો દરમ્યાન મળતી ભેટ-સોગાદનું વેચાણ કરીને તેમાંથી મળતી આવકનો ઉપયોગ કન્યા કેળવણી જેવા ઉમદા હેતુ માટે કરવાની પરંપરાને વધુ વ્યાપક બનાવવા આવી ભેટ-સોગાદોના ઓનલાઈન વેચાણના ઈ-પોર્ટલનું મુખ્યમંત્રીએ લોન્ચીંગ કર્યુ હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ડિજિટલ ભારત અભિયાનને વેગ આપવા કરેલા આહવાનને ગુજરાતે ઈ-પોર્ટલના આ લોંચીગથી વેગ આપ્યો છે. આ અગાઉ આવી ભેટ-સોગાદોનું વેચાણ રાજ્ય કક્ષાએ યોજાતા મેળાવડામાં જાહેર હરાજી દ્વારા તથા જિલ્લા કલેક્ટરો દ્વારા જે તે જિલ્લાઓમાં જાહેર હરાજીથી કરવામાં આવતુ હતું.
હવે, મુખ્યમંત્રીને મળતી આવી ભેટ-સોગાદોનું ઈ-હરાજી દ્વારા પારદર્શક ઓનલાઈન વેચાણ કરીને કન્યા કેળવણી નિધિ માટે યોગદાન મેળવવાના હેતુથી રાજ્ય સરકારે https://cmgujmemento.gujarat.gov.in. ઓનલાઈન પોર્ટલ લોન્ચ કર્યુ છે.
દેશના કોઈપણ ખૂણે વસતા લોકો આ પોર્ટલનો લાભ લઈને તોશાખાનાની ભેટ-સોગાદ ઈ-ઓક્શનથી ઓનલાઈન ખરીદી સકશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી તરીકે તેમને મળેલી ભેટ-સોગાદોને સરકારી તોશાખાનામાં જમા કરાવી તેનું વેચાણ કરીને તેમાંથી મળતી રકમનો કન્યા કેળવણીના ઉમદા હેતુ માટે ઉપયોગ કરવાની શરૂઆત કરાવી હતી. તેઓ આ ભેટ-સોગાદોના માલિક નહી પરંતુ ટ્રસ્ટી છે એવા ઉમદા વિચાર સાથે ભેટ-સોગાદોની જાહેર હરાજી કરીને તેમાંથી મળતી રકમ કન્યા કેળવણીમાં વાપરવાની આ પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આગળ ધપાવી છે.
તોશાખાના અંતર્ગતની આવી ભેટ-સોગાદોના ઇ-ઓક્શન દ્વારા વેચાણ અંગેની કાર્યપધ્ધતિ માટે N-Code GNFC દ્વારા આ ઇ-હરાજી પોર્ટલ તૈયાર કરવામાં આવ્યુ છે. તેમાં NIFT દ્વારા ભેટ-સોગાદોની ફોટોગ્રાફી સાથે વસ્તુઓની કેટેગરી પ્રમાણે વર્ગીકરણ કરવામાં આવ્યુ છે. આ તમામ વસ્તુઓનું અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં વિસ્તૃત વર્ણન પણ આપવામાં આવ્યુ છે.
ઈ-ઓક્શનથી ભેટ-સોગાદ ખરીદવા માટે ઇ-હરાજી પોર્ટલમાં ખરીદકર્તાએ નોંધણી કરાવવાની રહેશે. ત્યારબાદ બિડ સબમીટ કરવાની રહેશે. ઊંચી કિંમતની બિડ પ્રાપ્ત કરનારે ડિઝિટલ પેમેન્ટથી કન્યા કેળવણી નિધિમાં ચૂકવણું કરવાનું રહેશે ત્યારબાદ ખરીદ કરેલી વસ્તુની ડિલિવરી તે વ્યક્તિને પોસ્ટ દ્વારા કરવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ ઈ-ઓક્શન પોર્ટલ લોન્ચીંગ વેળાએ મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, એમ.કે. દાસ તથા નાણાં વિભાગના અગ્રસચિવ નટરાજન, શ્રીમતિ આરતી કંવર, મુખ્યમંત્રીના સચિવ શ્રીમતિ અવંતિકા સિંઘ તથા વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.