અમદાવાદઃ, સંજીવ રાજપૂત: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહે પલ્લવ બ્રિજના લોકાર્પણ સહિત અમદાવાદ મહાનગરપાલિકા તેમજ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં અંદાજે રૂ.૧૫૯૩ કરોડના ખર્ચે નિર્માણ પામનારાં કુલ ૯૪ પ્રજાલક્ષી વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું. અમદાવાદના પલ્લવ ચાર રસ્તા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા તથા અમદાવાદનાં મેયર પ્રતિભાબહેન જૈન પણ ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે હું પોતે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં 40 વર્ષ રહ્યો છું. આજે આવડો મોટો પલ્લવ બ્રિજ જોઈને હૃદયથી આનંદ થાય છે. એક જ કાર્યક્રમમાં 1550થી વધુનાં વિકાસ કાર્યોની ભેટ લોકોને આજે મળી રહી છે. આ માટે અમદાવાદ મહાનગરપાલિકા તથા મુખ્યમંત્રીના નેતૃત્વને બિરદાવું છું, એવું તેમણે ઉમેર્યું હતું.
કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ‘એક નાગરિક એક વૃક્ષ’નો સંકલ્પ લઈએ તો અમદાવાદમાં ગ્લોબલ વોર્મિંગની અસર અડધા કરતાં ઓછી થઈ જાય. અમદાવાદના 15થી 25 વર્ષના યુવાનો જો વડાપ્રધાનના ‘એક પેડ માં કે નામ’ અંતર્ગત વૃક્ષ વાવીને ઉછેરે તો પોતાની માતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા ઉપરાંત તેઓ ધરતીમાતાનું ઋણ પણ ચૂકવી શકે છે. દરેક સોસાયટીઓમાં 15થી 50 વૃક્ષો વાવવાનો સંકલ્પ લેવાવો જોઈએ. એએમસીએ એક વર્ષમાં 40 લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો છે, આ સંકલ્પમાં નાગરિકો પણ જોડાય, એવી અપીલ તેમણે કરી હતી.
પહેલગામ આતંકી હુમલામાં જીવ ગુમાનારા નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવાની સાથે સાથે કેન્દ્રીય મંત્રીએ આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવા માટે ભારતીય સેનાને બિરદાવતાં કહ્યું હતું કે પહેલગામ હુમલા પછી વડાપ્રધાન નરેન્દ્રભાઈએ બિહારથી દેશની જનતાને કરેલો વાયદો પૂરો કર્યો અને 9 જેટલા આતંકી અડ્ડાઓનો ખાતમો કરવામાં સફળતા મેળવી છે. અગાઉ સર્જીકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક પીઓકે સુધી સીમિત હતા, પરંતુ ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતની સેનાએ પાકિસ્તાનની સરહદની 100 કિમી અંદર જઈને આતંકીઓનો સફાયો કર્યો છે, એવું તેમણે ઉમેર્યું હતું.
કેન્દ્રીય મંત્રીએ આ અંગે વધુ જણાવ્યું કે ઓપરેશન સિંદૂર અંતર્ગત આતંકીઓના સફાયા ઉપરાંત પાકિસ્તાનને વિશ્વ સમક્ષ ઉઘાડું પાડવાનું પણ મોટું કામ થયું. પાકિસ્તાનમાં આતંકવાદીઓના અડ્ડાઓ આવેલા છે અને એ જ આતંકવાદને ઉછેરે છે, એ બાબત આજે વિશ્વ સમક્ષ સ્પષ્ટ થઈ ચૂકી છે. ભારતીય સેનાઓના પરાક્રમ, સજ્જતા અને મારક ક્ષમતા ઉપરાંત વડાપ્રધાનશ્રીની દૃઢ રાજકીય ઇચ્છાશક્તિને કારણે પાકિસ્તાનને જડબાતોડ જવાબ અપાયો છે. આજે વિશ્વના યુવાનો ભારત દ્વારા ભારતમાં જ બનેલી બ્રહ્મોસ મિસાઇલ અંગે જાણવા ઇન્ટરનેટ પર સર્ચ કરી રહ્યા છે, એવું તેમણે ઉમેર્યું હતું.
અમિતભાઈએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાનએ રાષ્ટ્રજોગ સંબોધનમાં ત્રણ બાબતો સ્પષ્ટ કરી છે, સિંધુનું પાણી અને લોહી એક સાથે નહીં વહે, ટ્રેડ અને ટેટરિઝમ એક સાથે ન થઈ શકે તથા ભારત હવે માત્ર પીઓકે અને આતંકવાદના ખાતમા અંગે જ વાતચીત કરશે. વડાપ્રધાનની રાજકીય દૃઢ ઇચ્છાશક્તિ અને દેશની સેનાઓની વીરતા અને સજ્જતા, ગુપ્ત એજન્સીઓની સટિક જાણકારીના વખાણ આજે દેશની 140 કરોડ જનતા કરી રહી છે. ગુજરાત માટે વધુ ગૌરવની વાત એ છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પનોતા પુત્ર છે.
ઓપરેશન સિંદૂર અંગે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે દેશમાં સુરક્ષા અને સીમાઓના રક્ષણ અંગે જ્યારે પણ ઇતિહાસ લખાશે ત્યારે ઓપરેશન સિંદૂર સુવર્ણ અક્ષરોમાં લખાશે. ઓપરેશન સિંદુર એ દેશની માતૃશક્તિને મળેલું સૌથી મોટું સન્માન છે. વડાપ્રધાનશ્રીએ છેલ્લાં 11 વર્ષમાં આર્થિક ઉપરાંત સંરક્ષણ ક્ષેત્રે પણ મજબૂત પાયો નાખ્યો છે, એવું તેમણે ઉમેર્યું હતું.
કેન્દ્રીય મંત્રીએ આ પ્રસંગે ખાદી અને ગ્રામ ઉદ્યોગ બોર્ડ દ્વારા 1000થી વધુ લાભાર્થીઓને રોજગારીનું સાધન આપવા બદલ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને ગૃહમંત્રી અમિતભાઈના નેતૃત્વમાં વિકાસને સતત પ્રાધાન્ય અપાયું છે. આજનો અમદાવાદ મહાનગરનો વિકાસ ઉત્સવ એ જ દિશામાં વધુ એક કદમ છે. આજે અમદાવાદના નગરજનોને રૂ. ૧૫૯૩ કરોડના વિવિધ વિકાસનાં કામોની ભેટ મળી છે, જે નાનામાં નાના માનવી, શહેર અને નગરને વિકાસની મુખ્યધારામાં લાવવાની નેમ સાકાર કરી રહ્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
આ સંદર્ભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે વિકાસની રાજનીતિ શરૂ કરી હતી, તેના પાયા પર આજે અમદાવાદના નગરજનોને આ ભેટ મળી છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતની સત્તા સાંભળી એ પહેલા ગુજરાતની સ્થિતિ કેવી હતી એનાથી આપણે સૌ કોઈ વાફેક છીએ. ગુજરાતમાં વીજળીની વ્યવસ્થા નહોતી, ખેડૂતો વાળું સમયે લાઈટ મળે એવી વિનંતી કરતા હતા, એ પરિસ્થતિમાંથી ગુજરાતને નરેન્દ્રભાઈ મોદી બહાર લાવ્યા છે. આજે ગુજરાતમાં ચોવીસ કલાક વીજળીની સુવિધા મળી રહી છે. ગુજરાતભરમાં રોડનું નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે અને નર્મદાનું પાણી આજે છેક કચ્છ સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે, એમ તેમણે ઉમેર્યું હતુ.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંગે વાત કરતા કહ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સપનું છે કે દેશના દરેક નાગરિકના માથે પોતાની પાકી છત હોય એ માટે તેમણે દેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરાવી છે. આ યોજના અંતર્ગત ગુજરાતમાં ૧૩ લાખથી વધુ આવાસો પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ બનાવવામાં આવ્યાં છે. અમિતભાઈના હસ્તે અમદાવાદમાં વધુ ૩૫૦૧ આવાસો ફાળવવામાં આવી રહ્યા છે, એ આપણા સૌ માટે ગૌરવની વાત છે.
ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું કે, પોતાની સ્કીલ અને મહેનતના બળે લોકો રોજગારી મેળવી શકે તેવા ઉદ્દેશ સાથે ગ્રામોદ્યોગની વિવિધ યોજનાઓ હેઠળ મશીનરી અને ટૂલકિટ વિતરણ કરવામાં આવ્યું છે. આ સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૭૦૦ યુવાનોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યાં છે. નિમણૂક મેળવનારા યુવાનોને મુખ્યમંત્રીશ્રીએ શુભેચ્છાઓ પાઠવી હતી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આવાસ, પરિવહન, આત્મનિર્ભરતા માટે રોજગારી સહિતના વિકાસ કામોનો આ અવસર અમદાવાદ મહાનગરના નાગરિકો માટે અર્નિંગ વેલ – લિવિંગ વેલ ચરિતાર્થ કરશે.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ માટે પર્યાવરણપ્રિય, સ્વચ્છ, સુવિધાયુક્ત શહેરો બનાવવા વડાપ્રધાનના સ્વચ્છતા, કેચ ધી રેઈન, એક પેડ માં કે નામ જેવા અભિયાનોને આગળ વધારવા અપીલ કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, આતંકવાદ, નક્સલવાદ અને દેશવિરોધી તત્વોને નાબૂદ કરવામાં ગુજરાતના પનોતા પુત્રો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહ મંત્રી અમિતભાઈ શાહનું નેતૃત્વ સુરક્ષા દળોનું મનોબળ સતત વધારી રહ્યું છે. નરેન્દ્રભાઈ અને અમિતભાઈની જોડીએ દેશની સીમા પાર અને સીમાની અંદર આતંકવાદને જડબાતોડ જવાબ આપીને નાગરિકોની શાંતિ અને સલામતી સુનિશ્ચિત કરી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, ઓપરેશન સિંદૂરની સફળતાના સેનાના આ શોર્યસભર પરાક્રમથી દેશવાસીઓમાં રાષ્ટ્રહિત પ્રથમની પ્રબળ ભાવના જાગી છે અને તિરંગાની શાન પણ વધી છે.
અમદાવાદ શહેરનાં મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈને કાર્યક્રમના પ્રારંભે સૌનું શાબ્દિક સ્વાગત કરતા જણાવ્યું હતું કે, આજે અમદાવાદના નગરજનોને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ હસ્તે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતમાં રૂ.૧૫૯૩ કરોડનાં કુલ ૯૪ વિકાસકાર્યોની ભેટ મળી છે, એ સૌ નગરજનો માટે ગર્વની વાત છે.
આ અવસરે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નવી નિમણુંક પામેલા ૭૦૦થી વધુ જુનિયર ક્લાર્કને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ખાદી ગ્રામોદ્યોગ આયોગ દ્વારા ગ્રામોદ્યોગ યોજના હેઠળ વિવિધ કારીગરોને ઈલેક્ટ્રિક પાવર લૂમ્સ, સિલાઈ મશીન, અગરબત્તી મશીનનું વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત થયેલા આવાસોનો ડ્રો કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખભાઈ પટેલ, અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશભાઈ મકવાણા, રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન, અમદાવાદના સર્વ ધારાસભ્યઓ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, ખાદી અને ગ્રામોદ્યોગ ચેરમેન મનોજકુમાર, ઉપરાંત અમદાવાદ મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના વિવિધ હોદ્દેદારો, ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર લોકસભા વિસ્તાર અને અમદાવાદ પૂર્વ તેમજ પશ્ચિમ લોકસભા વિસ્તારમાં અંદાજિત રૂ.૧૫૯૩ કરોડના ખર્ચે કુલ ૯૪ પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું કેન્દ્રીય ગૃહ મંત્રીએ લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું છે.
લોકાર્પિત થયેલાં વિકાસકામો જોઈએ તો, રૂ. ૩૯૪ કરોડના ખર્ચે ૩૪ પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું લોકાર્પણ અને આવાસ ડ્રોનો સમાવેશ થાય છે. રૂપિયા ૧૭૦ કરોડના ખર્ચે હાઉસિંગ પ્રોજેક્ટ, રૂપિયા ૧૧૬ કરોડના ખર્ચે બ્રિજ પ્રોજેક્ટ, રૂપિયા ૮૬ કરોડના ખર્ચે વોટર પ્રોજેક્ટ તથા ડ્રેનેજ પ્રોજેક્ટ, રૂપિયા ૧૭ કરોડના ખર્ચે અર્બન હેલ્થ સેન્ટર, શ્રમિક સુવિધા કેન્દ્ર અને આંગણવાડી પ્રોજેક્ટ તેમજ રૂ. ૫ કરોડના ખર્ચે ગાર્ડન અને કળાઓ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે રૂ. ૧૧૯ કરોડના ખર્ચે ૬૦ પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું છે. જેમાં રૂ. ૫૭૯ કરોડના ખર્ચે બ્રિજ પ્રોજેક્ટ, રૂપિયા ૩૫૬ કરોડના ખર્ચે વોટર પ્રોજેક્ટ તથા ડ્રેનેજ પ્રોજેક્ટ, રૂ. ૨૨૨ કરોડના ખર્ચે વેજીટેબલ માર્કેટ, શ્રમ સુવિધા કેન્દ્ર, અમદાવાદ હાટ, ફૂડપાર્ક, સ્કૂલ પ્લે ગ્રાઉન્ડ, પાર્ટી પ્લોટ, મહિલા જીમ્નેશિયમ અને અર્બન હેલ્થ સેન્ટર પ્રોજેક્ટ તેમજ રૂ. ૪૨ કરોડના ખર્ચે ગાર્ડન અને તળાવ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.