Latest

અંબાજીમાં “શ્રી વાડિયા અગરબત્તી”ની સુવાસ પથરાઈ

થરાદના વાડિયા ગામની સખીમંડળની બહેનો દ્વારા બનાવાયેલી અગરબત્તી મા અંબાના ચરણે અર્પણ કરાઈ

આત્મસન્માન સાથે આત્મનિર્ભરતા તરફ વાડિયા ગામની મહિલાઓની નવી શરૂઆત

વાડિયા ગામના સર્વગ્રાહી વિકાસ માટે જિલ્લા કલેકટરશ્રી વરૂણ કુમાર બરનવાલની સૂચનાથી તમામ વિભાગો પ્રયાસરત

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના વાડિયા ગામની બહેનો એ જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી એક નવી શરૂઆત કરી છે. જેમાં તેઓએ સખી મંડળ રચીને તેમાં અગરબત્તી બનાવી અંબાજી ખાતે જગતજનની મા અંબાના ચરણોમાં અપર્ણ કરી વાડિયા ગામની મહિલાઓ દ્વારા આત્મનિર્ભરતાની દિશામાં નવી શરૂઆત કરવામાં આવી છે.

જિલ્લા કલેકટરશ્રી અને શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેનશ્રી વરુણકુમાર બરનવાલ દ્વારા વાડિયા ગામની બહેનો દ્વારા બનેલી અગરબત્તીના ઉત્પાદનને મંદિર ટ્રસ્ટ અંબાજી દ્વારા નિયમિતપણે વેચાતી લેવાની ખાતરી આપવામાં આવતાં મહિલાઓમાં ખુશી અને આત્મસન્માનની નવી લહેર જોવા મળી છે.

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાનું વાડિયા ગામ તેની પરંપરાગત ઓળખ  મિટાવી સમાજની મુખ્યધારામાં મક્કમતાથી આગળ વધી પોતાની નવી ઓળખ ઉભી કરવા તરફ આગળ વધી રહ્યું છે. આત્મસન્માનની દિશામાં ઉઠેલાં આ કદમોને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર “ટીમ બનાસકાંઠા” નો સંપૂર્ણ સાથ સહકાર સાંપડ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણથી વાડિયા ગામની વાસ્તવિકતામાં ઘરમૂળથી પરિવર્તનની શરુઆત થઇ છે.

તાજેતરમાં જિલ્લા કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરેએ વાડિયા ગામની મુલાકાત કરી હતી. જેમાં તેઓએ ગામની મહિલાઓને આત્મનિર્ભર બનવા અને ગરિમાપૂર્વક જીવન જીવવા પ્રોત્સાહન અને જરૂર પડે ત્યાં તમામ મદદ કરવાની ખાતરી આપી હતી. વાડિયા ગામમાં નિયમિત રીતે પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી તેમજ તાલુકા વિકાસ અધિકારીશ્રી કાજલબેન આંબલીયા નિયમિત રીતે મુલાકાત લઈ બહેનો અને બાળકોના જીવનમાં પરિવર્તન આવે એ માટે પ્રયત્નશીલ છે. યુનિસેફની ટીમ એ પણ ગામની મુલાકાત દરમિયાન ધાત્રી માતાઓ, ગર્ભવતી બહેનો, કિશોરીઓને આરોગ્ય અને પોષણ વિશે સમજણ આપી હતી.

બહેનોને આર્થિક ઉપાર્જન થકી આત્મનિર્ભર બનાવવા માટે  RSETI (Rural Self Employment Training Institutes) સાથે સંકલન કરી સખી મંડળની  ૬૦ બહેનોને અગરબત્તી બનાવવાની તાલીમ આપવાનું નક્કી કરવામાં આવ્યું  અને RSETI દ્વારા તા. ૯ ડિસેમ્બર થી ૧૪ ડિસેમ્બર સુધી મહિલાઓને અગરબત્તી બનાવવાની 6 દિવસ માટેની તાલીમ આપવામાં આવી હતી.

જેમાં વાડિયા ગામની સખી મંડળની  બહેનો દ્વારા બનાવવામાં આવેલી અગરબત્તીનું “શ્રી વાડિયા અગરબત્તી” બ્રાન્ડનેમથી વેચાણનો શુભારંભ ૧૬ મી ડિસેમ્બરથી પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીથી કરવામાં આવ્યો છે. વાડિયા ગામની બહેનો દ્વારા બનાવેલી અગરબત્તી સૌ પ્રથમ જગતજનની મા અંબાના ચરણે અર્પણ કરી ગામની બહેનોએ આત્મનિર્ભર બનવાની દિશામાં એક નવી શરૂઆત કરી છે.

થરાદ તાલુકામાં ભારત સરકારના નીતિ આયોગ દ્વારા એસ્પીરેશનલ બ્લોક પ્રોગ્રામ અંતર્ગત સખીમંડળ બનાવાની કામગીરી અન્વયે વાડિયા ગામની બહેનો દ્વારા આઠ સખી મંડળ બનાવવામાં આવ્યા છે. અને બાકી બહેનોને પણ એમાં જોડાવવા પ્રયત્નો ચાલુ છે. તો બાકીની બહેનોને RSETI દ્વારા પશુપાલન તેમજ સાબુ ફિનાઈલ બનાવવાની તાલીમ પણ ટૂંક સમયમાં શરુ કરવામાં આવનાર છે. જેના થકી મહિલાઓ તેમનો પરંપરાગત દેહ વ્યાપારનો વ્યવસાય ત્યજી આત્મસન્માન સાથે જીવી શકશે.

અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આજે “શ્રી વાડિયા અગરબત્તી” ખરીદી બહેનોની મહેનત, લગન અને તેમની આત્મનિર્ભર બનવાની અનોખી પહેલને બિરદાવવામાં આવી હતી. તો અંબાજી આવતા લાખો શ્રદ્ધાળુઓ આ અગરબત્તી ખરીદશે. જેમાંથી વાડિયા ગામની બહેનોની આર્થિક સધ્ધરતા અને આત્મસન્માન વધશે તેમજ લાખો કરોડો લોકોની શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્રસમા શક્તિપીઠ અંબાજીમાં “શ્રી વાડિયા અગરબત્તી” ની સુવાસ પથરાશે. તેમજ મહિલાઓને  સતત પ્રોત્સાહન અને પ્રેરણા મળતી રહેશે. જેથી વાડિયા ગામની બહેનો રોજગારી મેળવી સન્માન સાથે જીવન નિર્વાહ કરી શકશે.

અત્રે નોંધનીય છે કે ટીમ બનાસકાંઠા દ્વારા વાડિયા ગામની સમસ્યાઓ મુશ્કેલીઓ અને તકલીફોના નિવારણ માટે ગામમાં પીવાના પાણીના બોરનું નિર્માણ, શાળાનું મકાન, આંગણવાડી મકાન, શૌચાલય, મકાન સહાય, પાણીની પાઇપલાઇનથી નજીકના ભવિષ્યમાં ઘરે ઘરે પાણી જેવી વિવિધ રજૂઆતોનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવ્યું છે. તેમજ શાળાના બાળકો જે અગાઉ શેડમાં બેસીને ભણતા હતા તેમના માટે  તાત્કાલિક ચાર ઓરડાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.

વાડિયા ગામના સર્વાંગી વિકાસ અને આત્મનિર્ભરતા માટેના તંત્રના પ્રયાસો સાથે સાથે વિધાનસભા અધ્યક્ષશ્રી અને થરાદના ધારાસભ્યશ્રી શંકરભાઈ ચૌધરી તેમજ સાંસદશ્રી પરબતભાઇ પટેલ દ્વારા પણ બહેનોને આત્મનિર્ભર બનાવવા માટે તમામ મદદ માટે આશ્વસ્ત કરવામાં આવ્યા છે. વિવિધ સામાજિક – સેવાભાવી સંસ્થાઓ અને અગ્રણીઓના પુરૂષાર્થ અને શુભ આશયથી આગામી સમયમાં વાડિયા ગામની વાસ્તવિક ઓળખ ‘વિકસિત વાડિયા’ તરીકે પ્રસ્થાપિત થશે એવું ચોક્કસ કહી શકાય.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં ૧૦ દર્દીઓની લીથોટ્રીપ્સીથી ઓપેરેશન વગર પથરીની સારવાર કરાઇ

અમદાવાદ, સંજીવ રાજપૂત: સિવિલ હોસ્પિટલમાં પેઇનલેસ પથરી ની સારવાર ઉપલબ્ધ થઈ છે…

તપાસ નો ધમધમાટ શરૂ: રૂ.3:38 લાખ ના સીસી રોડ ના કામ માં ભ્રસ્ટાચાર બાબતે થયેલ છે ગાંધીનગર લેખિતમાં રજુઆત

એબીએનએસ, રાધનપુર: રાધનપુરના રહેણાંક વિસ્તારો વિકાસ થી વંચીત રાખી બિલ્ડરો ને…

1 of 562

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *