૭૪ હજાર જેટલા વ્યક્તિઓનું કરાયું આરોગ્યલક્ષી સ્ક્રીનીંગ
૧૮ હજાર જેટલા લાભાર્થીઓને સ્થળ ઉપરથી જ આયુષ્માન કાર્ડ કાઢી અપાયા
જિલ્લાના ૫૪ ગામો ખાતે જમીન રેકોર્ડ ડિઝીટાઇઝેશનની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ
૧૬૦ ગ્રામ પંચાયતો ખાતે જન ધન યોજના અંતર્ગત ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ
૨૦૮ ગામો ખાતે આયુષ્માન કાર્ડ આપવાની ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ
જલ જીવન મિશન અંતર્ગત ૨૯૮ ગ્રામ પંચાયતોમાં ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ
પી.એમ. કિસાન યોજના અંતર્ગત ૧૫૭ ગ્રામ પંચાયતોમાં ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ
આણંદ, શનિવાર :: દેશના છેવાડાના માનવી સુધી સરકારના યોજનાકીય લાભો પહોંચાડીને તેમના વિકાસને આકાર આપવાની સાથે વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવાના ઉદ્દેશ્યથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથના માધ્યમથી સરકારની વિવિધ યોજનાની માહિતી પહોંચાડી તેના લાભ સાચા લાભાર્થીઓને મળે તે હેતુથી ગ્રામિણ વિસ્તારોને વિકાસની દિશામાં અગ્રેસર બનાવી વિકસિત ગામથી વિકસિત ભારતનું સપનું સાકાર થાય તે માટેનું સંનિષ્ઠ કાર્ય કરવામાં આવી રહયું છે.
આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા આણંદ જિલ્લામાં તારીખ ૩૦ મી નવેમ્બરથી શરૂ કરવામાં આવી હતી જેને એક માસ પૂર્ણ થયો છે. આ યાત્રાના માધ્યમથી ગ્રામજનોને ભારત સરકારની અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી – માર્ગદર્શનની સાથે સબંધિત યોજનાના સાચા લાભાર્થીઓને શોધીને યોજનાના લાભો સ્થળ ઉપર જ આપવામાં આવી રહયાં છે.
આણંદ જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિલિંદ બાપનાના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથ પરિભ્રમણ કરી રહ્યા છે અને ગામેગામ સાચા લાભાર્થીઓને તેના લાભ પુરા પાડવામાં આવી રહ્યા છે. જિલ્લામાં ૩૦ મી નવેમ્બરથી આરંભાયેલી આ યાત્રા અત્યાર સુધીમાં ૨૯૮ ગ્રામ પંચાયતો ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથના માધ્યમથી પહોંચી છે.
વિકસિત ભારત સંકલ્પ યાત્રાના જિલ્લાના ૩૦ દિવસના પરિભ્રમણ દરમિયાન જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના પ્રત્યેક સાચા લાભાર્થીઓ સુધી સરકારની યોજનાના લાભો પહોંચાડવામાં આવ્યા છે. આ યાત્રા દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા ૭૩,૯૫૫ વ્યક્તિઓના આરોગ્યની તપાસણી કરવામાં આવી છે, તેની સાથે ૬૭,૫૭૮ વ્યક્તિઓની ટી.બી. રોગની તપાસ કરવામાં આવી છે અને ૧૭,૯૫૯ લાભાર્થીઓના નવા આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યા છે.
આ વેળા યોજાતા કાર્યક્રમોના માધ્યમથી જે લાભાર્થીઓએ અત્યાર સુધીમાં ભારત અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભો મળ્યા છે, તેવા ૨૪૯૦ લાભાર્થીઓએ તેમને સરકારી સહાય દ્વારા થયેલ લાભ અંગે “મેરી કહાની મેરી જુબાની” અંતર્ગત પોતાના પ્રતિભાવ રજૂ કર્યા છે.
આ યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં જિલ્લાના ખેડૂતોને ખેતીમાં ડ્રોન મારફતે દવાનો છંટકાવ કેવી રીતે કરી શકાય તે અંગેનું ૧૫૭ ગામો ખાતે ડ્રોન નિદર્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ૨૯૪ ગ્રામ પંચાયતો ખાતે સોઇલ હેલ્થ કાર્ડનું નિદર્શન કરવામાં આવ્યું હતું. ૨૯૮ ગ્રામ પંચાયતો ખાતે જૈવિક ખેતી કરતા ખેડૂતો સાથે વાર્તાલાપ કરી તેમને માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવ્યું છે.
આ ઉપરાંત જલ જીવન મિશન અંતર્ગત ૨૯૮ ગ્રામ પંચાયતોમાં, જન ધન યોજના અંતર્ગત ૧૬૦ ગ્રામ પંચાયતોમાં, પી.એમ. કિસાન યોજના અંતર્ગત ૧૫૭ ગ્રામ પંચાયતોમાં અને ૨૦૮ ગ્રામ પંચાયતો ખાતે આયુષ્માન કાર્ડની ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરી લાભાર્થીઓને તેના લાભ આપવામાં આવ્યા છે. જયારે યાત્રાના માધ્યમથી અત્યાર સુધીમાં આણંદ જિલ્લામાં ૫૪ ગ્રામ પંચાયતો ખાતે ૧૦૦ ટકા જમીન રેકોર્ડ ડિઝીટાઈઝેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
આમ, આણંદ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ૩૦ દિવસ દરમિયાન ભારત સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભો લાભાર્થીઓને ઘેર બેઠા જ આપવામાં આવી રહ્યા હોવાનું તથા લાભાર્થીઓ પોતાને મળેલ સરકારી સહાય દ્વારા થયેલ ફાયદાઓ અંગે પ્રતિભાવ આપી રહ્યા હોવાનું નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિહિકા પરમારે એક મુલાકાતમાં જણાવ્યું છે.
રિપોર્ટ ભૂમિકા પંડ્યા આણંદ