Latest

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી ની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ચાંગોદર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમગ્ર દેશમાં ફરી રહી છે, જે અંતર્ગત અમદાવાદ જિલ્લાના વિવિધ જિલ્લાઓ પણ ફરી રહી છે. આજે વિકસિત ભારત રથ સાણંદ તાલુકાના ચાંગોદર ગામે પહોંચી હતી,

જ્યાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં વિકસિત ભારતનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું કે વિકસિત ભારત માટે સંકલ્પબદ્ધ થવા માટેની આ યાત્રા છે.

દેશની આઝાદીને ૧૦ વર્ષ પૂરાં થાય ત્યારે આઝાદી માટે જીવ ન્યોછાવર કરનારાંઓના સ્વપ્નોને સાકાર કરવાનાં છે. આઝાદીના લડવૈયાઓએ માત્ર આઝાદી માટે જ નહિ, પરંતુ સુરક્ષિત અને સમૃદ્ધ ભારત માટે સપનું જોયું હતું. આ સપનાં પૂરાં કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે આખો દેશ આગળ વધી રહ્યો છે, એવું તેમણે ઉમેર્યું હતું.

કેન્દ્રીય મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિને કારણે અત્યારે અર્થતંત્ર તમામ માપદંડો પર ખરું ઊતરી રહ્યું છે. આજે દેશનાં તમામ ક્ષેત્રોમાં પરિવર્તન આવ્યું છે અને વિકાસ જોવા મળી રહ્યો છે.

છેલ્લાં દસ વર્ષમાં દેશમાં જે વિકાસ થયો છે, એવો દુનિયામાં બીજે ક્યાંય જોવા મળ્યો નથી. વડાપ્રધાનના નેતૃત્વ વિકાસ હોય કે સુરક્ષા તમામ મોરચે દેશ સફળતા હાંસલ કરી રહ્યો છે, એવું તેમણે ઉમેર્યું હતું.
વધુમાં અમિતભાઈએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈએ એવા ભારતનું સપનું જોયું છે,

જેમાં કોઈ ગરીબ ભૂખ્યા ન સૂવે, દરેકને પાકું ઘર મળે, દરેકના ઘરમાં વીજળી-પાણી, ગેસ સિલિન્ડર તથા શૌચાલય હોય, દેશનું દરેક બાળક ભણતું હોય. ગરીબોને બેઠા કરવાના દરેક પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે, એવું તેમણે ઉમેર્યું હતું.નરેન્દ્રભાઈનું લક્ષ્ય દેશમાં બે કરોડ લખપતિ દીદી બનાવવાનું છે.

આ યોજનાઓ મોદીસાહેબની ગેરન્ટી છે અને યોજના પૂરી થવાની ગેરન્ટી છે. આ યોજનાઓને ૧૦૦ ટકા લક્ષ્યસિદ્ધિ સુધી પહોંચાડવા માટે તંત્ર દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે, એવું જણાવીને કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું હતું કે દેશના યુવાનોના પાસે અપેક્ષા છે કે તેઓ ભારતને વિકસિત બનાવવા અને આઝાદીનાં ૧૦૦ વર્ષ પૂરાં થાય ત્યારે દેશને તમામ ક્ષેત્રે નંબર-૧ બનાવવા માટે પોતાનું યોગદાન આપે, એવું તેમણે ઉમેર્યું હતું.

કેન્દ્રીય મંત્રી સહિત મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભ વિતરણ તથા પ્રમાણપત્રો એનાયત કરાયાં હતાં. મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત ચાંગોદરના ગ્રામજનોએ વિકસિત ભારત માટે સંકલ્પ લીધા હતા.

‘મેરી કહાની મેરી જુબાની’ અંતર્ગત ખોડલકૃપા સખી મંડળના અલકાબહેન તથા આયુષ્યમાન ભારત કાર્ડના લાભાર્થી ગિરીજેશભાઈએ પોતાના સુખદ અનુભવ વર્ણવીને કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

કેન્દ્રીય મંત્રીશ્રીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત વિવિધ યોજનાઓની જાણકારી, નોંધણી અને લાભોના વિતરણ માટે ઊભા કરાયેલા સ્ટોલ્સની મુલાકાત લીધી હતી.

કાર્યક્રમના અંતે શ્રી અમિતભાઈએ ડ્રોન નિદર્શન નિહાળ્યું હતું અને ડ્રોન થકી અદ્યતન ખેતીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સાણંદના ચાંગોદર ખાતે આયોજિત વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા, સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલ, અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી કંચનબા વાઘેલા, સાણંદ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી વસંતબા વાઘેલા, વિકાસ કમિશનર સંદીપ કુમાર, અમદાવાદનાં કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે, નિવાસી અધિક કલેક્ટર સુધીર પટેલ, ચાંગોદરના સરપંચ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 552

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *